અમદાવાદની રથયાત્રામાં ૨૫૦૦ બોડી ઓન કેમેરાથી પોલીસ નજર રાખશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રથયાત્રાના રૂટ પર છેલ્લા બે મહિનાથી ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ વખતે સમગ્ર રૂટ પર ટીઝર ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને તરકસ એપ્લિકેશન પણ દરેક પોલીસના મોબાઈલમાં રહેશે. જેનાથી કોઈ શંકાસ્પદ જણાય તો તેની માહિતી મળશે. સોશિયલ મીડિયા પર પણ વોચ રખાશે.પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શુક્રવારનો દિવસ સંવેદનશીલ નથી પરંતુ આ દિવસ ભક્તિ કરવાનો દિવસ છે. રથયાત્રા ભાઈ ચારા સાથે નીકળશે. તે જ રીતે બકરી ઇદ પણ ભાઈ ચારા સાથે ઉજવાશે. સમગ્ર રથયાત્રા પર પોલીસની નજર રહેશે.

આગામી ૧૪૫મી રથયાત્રાની કાયદો-વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરસપુર, દરિયાપુર અને જગન્નાથ મંદિરની મુલાકાત લઇ મંદિરના મહંત તથા પદાધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી.ગૃહમંત્રીએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું જણાવી ઉમેર્યું હતું કે,આ રથયાત્રામાં ૨૫ હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. જેમાં બોડીવોર્ન કેમેરા, ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરાની વ્યવસ્થા કરાશે આ સાથે અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત રથયાત્રાના રૂટ પર કમાન્ડો દ્વારા હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરાશે. રથયાત્રામાં આ વર્ષે પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો છે. રથયાત્રા રૂટમાં આવતા કારંજ, શાહપુર, માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કાલુપુર, ખાડીયા તથા દરિયાપુર એમ ૮ પોલીસ સ્ટેશનોમાં મિની કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ છે. જ્યાંથી પળેપળની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવશે.

રથયાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવા રૂટ પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કંટ્રોલરૂમ ઉપરાંત જે તે લોકલ પો.સ્ટે વિસ્તારમાં કરાશે. મૂવિંગ બંદોબસ્તમાં રથયાત્રા મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી કેમેરા ગોઠવાશે. સમગ્ર રથયાત્રા રૂટ પર આતંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૃત્તિ અટકાવવા માટે બોંબ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ૧૦ ટીમ, ચેતક કમાન્ડો, ડોગ સ્કવોડ, નેત્રા જેવી ટીમો ફરજમાં તહેનાત રહેશે.અમદાવાદમાં રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે. અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સમગ્ર રુટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત રથયાત્રામાં ટેક્નોલોજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે. આ વખતે અમદાવાદની રથયાત્રામાં પહેલીવાર પોલીસ ૨૫૦૦ બોડી ઓન કેમેરાથી રથયાત્રામાં નજર રાખશે. તે ઉપરાંત ૨૩૮ કેમેરાથી કંટ્રોલ રૂમમાં લાઈવ દેખાશે.

Share This Article