મણિપુર વાયરલ વીડિયોમાં પોલીસની કાર્યવાહી, અઢી મહિના બાદ મુખ્ય આરોપીની ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મણિપુરમાં બે મહિલાઓના રોડ પર નગ્ન અવસ્થામાં પરેડ કરવાના વાયરલ વીડિયોના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. રાજ્યમાં ૪ મેના રોજ બનેલી આ ઘટનાને લઈને દેશભરમાં હોબાળો થયો હતો, વિપક્ષો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે મુખ્ય આરોપી ખુઇરુમ હેરદાસની ધરપકડની પુષ્ટિ એક સમાચાર એજન્સી ટીવી નવને કરી છે. રાજ્યના થોબલ જિલ્લામાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આ ઘટના રાજ્યના કાંગકોપી જિલ્લામાં ૪ મેના રોજ બની હતી, જ્યારે રાજ્યમાં આ હિંસા શરૂ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સમુદાયના લોકોએ બે મહિલાઓને ઉતારીને રસ્તા પર પરેડ કરી હતી. આ દરમિયાન મહિલાઓનું યૌન શોષણ થયું હતું અને બળાત્કારનો મામલો પણ સામે આવ્યો છે. લગભગ અઢી મહિના જૂની આ ઘટનાનો વીડિયો બુધવારે ટિ્‌વટર પર વાયરલ થયો હતો, જેણે ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે આ મામલે નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું હતું કે આ ઘણો જૂનો વીડિયો છે, જેમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.

સંસદનું ચોમાસુ સત્ર આજથી જ શરૂ થઈ રહ્યું છે, એવામાં રાજકીય પક્ષો મણિપુરની ઘટનાનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યસભા અને લોકસભા બંનેમાં અનેક વિપક્ષી દળોના નેતાઓએ નોટિસ આપી છે અને મણિપુર મુદ્દે ચર્ચાની માગણી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ઘટના પર નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ આ અંગે નોટિસ આપી છે, અમને આશા છે કે અધ્યક્ષ અમને અમારી વાત કહેવા દેશે. તેમની પાસે એનડીએની બેઠક યોજવાનો અને વિદેશ જવાનો સમય છે, પરંતુ તેઓ મણિપુર વિશે કશું કહી રહ્યા નથી અને ન તો ત્યાં જઈ રહ્યા છે.

Share This Article