ગાંધીનગર: ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર કરવામાં આવી રહેલા હુમલાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પણ નારાજ દેખાઇ રહ્યા છે. આ બંને નેતાઓએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલની ટિકા કરી છે. તેમને કેટલાક સુચન પણ કર્યા છે. ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોની હિજરતના કારણે મોદીની પ્રતિષ્ઠાને પણ ફટકો પડ્યો છે. ગઇકાલે ગંભીર બનેલી Âસ્થતિ વચ્ચે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાતચીત કરી હતી. અને આ સંદર્ભમાં નક્કર પગલા લેવા વાત કરી હતી.
બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાફ શબ્દોમાં કહ્યું હતુ કે ઉત્તર ભારતીય લોકોની સુરક્ષાની જવાબદારી તેમની સરકારની બને છે. ઉત્તર ભારતીયોને પુરતી સુરક્ષા આપવામાં આવશે. આ સંદર્ભમાં કોઇપણ બાંધછોડ કરવામાં આવશે નહીં. ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલા વચ્ચે વતન પરત ફરી રહેલા લોકોના સંદર્ભમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા કહ્યું છે કે, મામલા પર સરકાર ખુબ જ ગંભીર છે. ધરપકડનો દોર ચાલી રહ્યો છે. હજુ સુધી ૪૫૦થી વધુની ધરપકડ કરવામાં આવી ચુકી છે. રાજ્યના ડીજીપી પોતે Âસ્થતિ પર નજર રાખી રહ્યા છે. હાલમાં હુમલાના પરિણામ સ્વરુપે ગુજરાતના છ જિલ્લાઓને અસર થઇ છે. આ છ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો વતન પરત ફરી ચુક્યા છે. બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો મોટી સંખ્યામાં રાજ્યમાં કામ કરે છે. આ લોકોમાં હાલમાં દહેશત ફેલાયેલી છે.
બીજી બાજુ ગુજરાતના બહારના લોકો ઉપર હિંસાના મામલામાં છ જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે જે પૈકી મહેસાણા અને સાબરકાંઠા સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહેસાણામાં ૧૫ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે હેઠળ ૮૯ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. સાબરકાંઠામાં ૧૧ કેસ દાખલ કરાયા છે અને ૯૫ લોકોની ધરપકડ કરાઈ છે. રાજ્યના ડીજીપીના કહેવા મુજબ આ બંને જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં પણ ધરપકડનો દોર ચાલી રહ્યો છે.