અમરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત બીજા દિવસે ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર જારી રાખ્યો હતો. ગુજરાતમાં આજે અમરેલી ખાતે જાહેરસભાને સંબોધી હતી. મોદીએ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી સંત બાબા બજરંગ દાસની છે. સૌરાષ્ટ્રની ધરતી સીતારામ બાપાની છે. ધરતી ઉપરથી સૌના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ભારતે છેલ્લા ૫૫ વર્ષમાં એક જ પરિવારશાહી જોઈ છે. એક પરિવારતંત્રને જોયું છે. દેશમાં કોઇએ પણ સપનામાં પણ ખ્યાલ આવ્યો ન હતો કે, એક સામાન્ય માનવી દેશમાં શાસન કરી શકે છે. આ ગુજ્જુ ચાવાળો કેવીરીતે સમગ્ર ભારતને સાચી દિશા બતાવી શકશે. પાછલા પાંચ વર્ષમાં અનેક કઠોર નિર્ણયો કરવામાં આવ્યા છે.
ગરીબાઈ અને ગરીબની જિંદગીનો ખ્યાલ પણ રાખ્યો છે. દુનિયાની મોટામોટી તાકાત સામે મોટી તાકાત સાથે સામી છાતીએ ઉભો રહ્યો છે. ડોકલામ વિવાદ વખતે ૭૦-૭૫ દિવસ ભારત-ચીનની સેના આમને સામને હતી ત્યારે સમગ્ર દેશમાંથી દેશની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરતા સંદેશા મળતા હતા પરંતુ ગુજરાત એકમાત્ર રાજ્ય હતું જ્યાંથી આરપારની લડાઈ લડી લેવાના સંદેશા મળી રહ્યા હતા જેના કારણે સાહસ અને પ્રતિસાદ આપવાની ઇચ્છા પણ વધી ગઈ હતી. દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય, દુનિયાના ગમે તેટલા મોટા મોટા વ્યક્તિઓને મળતો હોવુ, વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય ત્યારે મનમાં થાય કે આ બધુ એટલા માટે કરી શક્યો છું કે, આ બાબતો ગુજરાતે શિખવી છે. ગુજરાતે લાલનપાલન અને ઘડતર કર્યું છે.
એ વખતે પાંચ કરોડ ગુજરાતીઓએ મારા કામને જોયુ અને વિચારવા માટે મજબૂર કર્યો કે જે માણસે આટલો લાંબો સમય ગુજરાતને સંભાળ્યું છે તે માણસ દેશ સંભાળશે તો દેશને પણ ગુજરાતની જેમ જ સમૃદ્ધ બનાવશે. દેશવાસીઓના અતૂટ પ્રેમ અને વિશ્વાસ થકી મોટા નિર્ણય લઇ શકાયા છે. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, સરદાર પટેલની ભવ્ય પ્રતિમા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અપમાન કરવા માટે બનાવવામાં આવી નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ કહે છે કે પટેલ તેમના નેતા છે પરંતુ પાર્ટીના કોઇ નેતા હજુ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જાવા માટે આવ્યા નથી. જ્યારે ગુગલ પર દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા માટે સર્ચ કરવામાં આવે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ લીબર્ટી અને ગુજરાતનું નામ આવે છે. તમામને ગર્વ થાય છે. મોદીએ મોટાભાગે ભાષણ ગુજરાતમાં આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ૨૩૮૯ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રતિમા તૈયાર કરાઈ છે જે ૧૮૨ મીટર ઉંચી છે. તેમની સરકારે આતંકવાદને જમ્મુ કાશ્મીરના માત્ર અઢી જિલ્લા સુધી મર્યાદિત કરી દેવામાં સફળતા મેળવી છે.
દેશના કોઇપણ હિસ્સામાં છેલ્લા પાંચ વર્ષમાં કોઇ બ્લાસ્ટ થયા નથી. ભારતે ચીની દળોને ડોકલામમાં માર્ગ નિર્માણથી અટકાવી દીધા હતા ત્યારબાદ ૭૩ દિવસ સુધી મડાગાંઠની સ્થિતિ રહી હતી. બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના સંબંધ સ્થાપિત કરવાના ઇમરાન ખાનના નિવેદન બાદ મોદીએ કહ્યું હતું કે, ફોન ઉઠાવવા માટે જાહેરરીતે અપીલ કરવાની તેમને ફરજ પડી હતી. મોદીએ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. સરદાર સાહેબે બધા રજવાડા એક કર્યા હતા જ્યારે પંડિત નહેરુએ કહ્યું હતું કે, કાશ્મીર તેમની પાસે રહેવા દેવામાં આવે. આ સમસ્યા આજ સુધી સળગી રહી છે. કાશ્મીરની આજે જે હાલત છે તે સમસ્યા આપણે ઉભી કરી નથી પરંતુ કોંગ્રેસ દ્વારા વારસામાં મળેલી છે. સરદાર સરોવર યોજના ૪૦ વર્ષ પહેલા પુરી થઇ હોત તો ગુજરાત આજે અલગ રંગે રંગાયેલું હોત.
આજે ૪૦ વર્ષ બાદ જે બજેટ ખર્ચાયુ તે રાજ્યના બીજા વિકાસ કામો માટે વાપરી શકાયું હોત. સરદાર સરોવર ડેમને રોકવાનું પાપ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું. દેશની જનતાએ પાંચ વર્ષ પહેલાની મજબૂર સરકારની સામે છેલ્લા પાંચ વર્ષ દરમિયાનની મજબૂત સરકારનું કામ જાયુ છે. ભારતીય સેનાએ તેની ક્ષમતાનું પ્રચંડ પ્રદર્શન કરી દુનિયાને ભારતની તાકાત બતાવી છે. દેશના લોકોએ એવો ચોકીદાર આપ્યો છે જેથી તમામ લોકો રાત્રે આરામથી ઉંઘી શકે છે.