ફાર્મસી કોર્સમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ધોરણ-૧૨ના પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડીપ્લોમાં અથવા ડીગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા થાય છે.
ફાર્મસી વિદ્યાશાખાના ડીપ્લોમાં અથવા ડીગ્રી અભ્યાસક્રમમાં ગુજરાત અથવા ગુજરાત બહાર કોઇપણ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલાં જે તે ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા અપાઇ છે કે કેમ તેની પૂરતી ચકાસણી કરી લેવી. ગુજરાત તથા અન્ય રાજ્યની માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાય છે, તેમ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની યાદીમાં જણાવાયું છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા આપવામાં ન આવેલ હોય તેવી કોલેજમાં અભ્યાસ કરનાર અથવા તો મંજૂર કરેલ બેઠકો કરતાં વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર અથવા સંબંધિત કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે ઓથોરીટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા આપી નહીં હોય તો આવા સંજોગોમાં ડીપ્લોમાં અથવા ડીગ્રી મેળવનાર વ્યક્તિઓને ફાર્માસીસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન કાયદાનુસાર મળવાપાત્ર થતું નથી.
આ અંગેની વધુ માહિતી www.gujaratpharmacycouncil.org ઉપર ઉપલબ્ધ થશે.