અમદાવાદ: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો કરવાની નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કર્યા બાદ અને રાજ્યોને આટલો જ ઘટાડો કરવા માટે અપીલ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌથી પહેલા અપીલને માનીને ભાવમાં ૨.૫૦ રૂપિયા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પાંચ રૂપિયા જેવો માતબર ઘટાડો થઇ ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા લોકોમાં વધી રહેલા રોષ વચ્ચે આ ભાવ ઘટાડો કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસ પાર્ટીએ ભારત બંધની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ ટવિટ કરીને કહ્યું હતું કે, લોકોને રાહત આપવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ જ જટિલ સ્થિતિ હોવા છતાં ભાવમાં ઘટાડો કરીને ખુબ જ સાહસી નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુશ્કેલ સ્થિતિ હોવા છતાં કરોડો નાગરિકો, વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતોને રાહત આપવા ઘટાડો કર્યો છે. નીતિન પટેલે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકારે પણ રાજ્યના નાગરિકોને વધુ રાહત આપવા લીટરે રૂપિયા ૨.૫૦ અને ડીઝલમાં ૨.૫૦નો ઘટાડો કર્યો છે.
આની સાથે જ ભારત સરકાર અને રાજ્ય સરકાર બંનેની રાહત મળીને ગુજરાતમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે. તેનું તરત અમલીકરણ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત હવે ઘટીને ૭૭.૯૭ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત ૭૫.૯૫ થઇ ગઇ છે. હાલમાં અવિરત વધારો થઇ રહ્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ભાવ ખુબ ઉંચી સપાટીએ પહોંચી રહ્યા હતા. લોકો આના લીધે અસર પામી રહ્યા હતા. ક્રૂડ વધતાં પેટ્રોલ ડીઝલના ભાવ ઉત્તરોત્તર વધી રહ્યા હતા. નાગરિકોને રાહત આપવા કેન્દ્ર સરકાર સતત વિચારી રહી હતી. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપતા કહ્યું છે કે, ગુજરાતના છ કરોડથી વધુ નાગરિકોને આનાથી રાહત મળી છે.
ગુજરાત સરકારે નાગરિકોના હિતોને ધ્યાનમાં લીધા છે. ગુજરાતના નાગરિકોને રાહત આપવા માટે વર્ષ ૨૦૧૭માં પેટ્રોલ ડિઝલ પર લેવાતા વેટમાં ચાર ટકાનો ઘટાડો ગુજરાત સરકારે કર્યો હતો. આજે પેટ્રોલ ડીઝલ પર ૨૦ ટકાનો વેટ લેવામાં આવી રહ્યો છે. આ ઘટાડો કરવાના પરિણામ સ્વરુપે રાજ્ય સરકારની આવકમાં આશરે ૧૮૦૦ કરોડથી ૨૦૦૦ કરોડનો ઘટાડો થશે. કેન્દ્રીય નાણામંત્રીએ અગાઉ વિસ્તારપૂર્વક ભાવના સંદર્ભમાં માહિતી આપી હતી. એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો હતો. જેટલીએ તમામ રાજ્ય સરકારોને આટલી જ કિંમત ઘટાડવા માટે કહ્યું હતું. કેન્દ્રની જાહેરાતના મિનિટો બાદ જ ગુજરાત સરકારે ઘટાડો કર્યો હતો.