શ્રીલંકામાં એક ભયાનક રેલ અકસ્માત થયો હતો જેમાં છ હાથીઓના મોત થયા હતા. જ્યારે બે ઘાયલ હાથીઓની સારવાર ચાલુ છે. હબરાના વિસ્તારમાં આ અકસ્માત થયો હતો જેમાં એક પેસેન્જર ટ્રેન હાથીઓના જૂથ સાથે અથડાઈ હતી.
મહત્વની વાત છે કે, શ્રીલંકામાં હાથીઓને ખાસ કાનૂની રક્ષણ મળે છે. દેશમાં લગભગ 7 હજાર જંગલી હાથી છે. જેમને ત્યાંના બૌદ્ધ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે. શ્રીલંકામાં હાથીને મારવો એ કાયદેસર ગુનો છે. જેના માટે જેલ અથવા ભારે દંડની જોગવાઈ છે. આમ છતાં, માનવ-હાથી સંઘર્ષના વધતા કિસ્સાઓ સરકાર અને વન્યજીવન નિષ્ણાતો માટે એક મોટો પડકાર છે.
શ્રીલંકાના હબરાનામાં એક પેસેન્જર ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. જેમાં છ હાથીઓના મોત થયા અને બે ઘાયલ થયા. હતા વન્યજીવ નિષ્ણાતોના મતે, દર વર્ષે લગભગ 20 હાથીઓના ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થાય છે.
વનનાબૂદીને કારણે હાથીઓ માનવ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. સરકારે ટ્રેન ડ્રાઇવરોને સાવધ રહેવાની સૂચના આપી છે. શ્રીલંકામાં ટ્રેનો અને હાથીઓ વચ્ચે આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે. આ ઉપરાંત, ગયા વર્ષે માનવ-હાથી સંઘર્ષમાં 170 થી વધુ લોકો અને લગભગ 500 હાથીઓના મોત થયા હતા. વનનાબૂદી અને કુદરતી સંસાધનોના અભાવને કારણે, હાથીઓને હવે માનવ વિસ્તારોમાં પ્રવેશવાની ફરજ પડી રહી છે. આ કારણે તેઓ રેલ્વે ટ્રેક, ખેતરો અને ગામડાઓ પર આવી રહ્યા છે અને અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. ટ્રેન અકસ્માતો ઉપરાંત, ઘણા હાથીઓ વીજ કરંટ, ઝેરી ખોરાક ખાવા અને શિકારનો ભોગ બને છે. વન્યજીવન નિષ્ણાતો અને સ્થાનિક વહીવટીતંત્ર સતત ટ્રેન ડ્રાઇવરોને જંગલો અને હાથી કોરિડોરમાંથી પસાર થતી વખતે ટ્રેનની ગતિ ઓછી કરવા અને હોર્ન વગાડીને હાથીઓને ચેતવણી આપવા અપીલ કરી રહ્યા છે.
હબરાનામાં આવો પહેલો અકસ્માત નથી. વર્ષ 2018માં આ જ વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા એક ગર્ભવતી હાથણી અને તેના બે વાછરડા માર્યા ગયા હતા. એ જ રીતે, ગયા વર્ષે ઓક્ટોબરમાં, મિનેરિયા વિસ્તારમાં એક ટ્રેન હાથીઓના ટોળાને ટક્કર મારી હતી. જેમાં બે હાથીઓ માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો.