અમદાવાદ : રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ સંદર્ભે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજય પોલીસ તંત્રને જારી કરેલા કડક આદેશો અને ફરમાનને પગલે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા તપાસનો જારદાર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગૃહવિભાગના નિર્દેશાનુસાર પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી મુજબ, રાજયમાં પરપ્રાંતીયો પર હુમલાના મામલે અત્યારસુધી કુલ ૬૩થી વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં અત્યારસુધીમાં કુલ ૭૧૫થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ આરોપીઓમાં ૬૩ જણાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. આ સિવાય આઇટી એકટ હેઠળ નવ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને તેમાં કુલ ૭૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી ચાર આરોપીઓ કોંગ્રેસના કાર્યકરો હોવાની વાત સામે આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાજેતરમાં જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, પરપ્રાંતીયો પર હુમલાના બહાને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર સાંખી લેવાશે નહી. રાજયની શાંતિ અને સલામતી હણનારા તત્વો સામે રાજય સરકાર આકરા પગલાં લેતા અચકાશે નહી. પરપ્રાંતીય પર હુમલાને લઇ અત્યારસુધીમાં રાજયભરમાં બનેલ બનાવો સંદર્ભે મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ શહેર-ગ્રામ્ય, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ મળી કુલ ૬૩ ગુના દાખલ કરી ૭૧૫ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં ૬૩ જણાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. આ સિવાય આઇટી એકટ હેઠળ નવ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને તેમાં કુલ ૭૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી ચાર આરોપીઓ કોંગ્રેસના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે અસરગ્રસ્ત જિલ્લામાં ૧૭ એસ.આર.પી. કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલીંગ અને ફલેગમાર્ચ પણ જારી રખાઇ છે. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી ૨૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાહનો સાથે પણ અસરગ્રસ્ત જિલ્લાઓને ફાળવવામાં આવ્યા છે અને તેમના દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એસ.પી. તથા આઇ.જી. કક્ષાના અધિકારીઓ સતત તેનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે. તેમજ જિલ્લા કલેક્ટરો, પ્રાંત ઓફિસરો, મામલતદારો દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજીને શાંતિ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોટા અસરગ્રસ્ત ઔદ્યોગિક વિસ્તાર તેમજ યુનીટ પર પોલીસનો ફિક્સ પોઇન્ટ કાર્યરત કરી દેવાયો છે. તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના સંચાલકો તેમના આગેવાનો સાથે જરૂરી પરામર્શ કરીને અન્ય રાજ્યોના નાગરિકોને સુરક્ષા આપવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ તેમની વસાહતોમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની સલામતીને અસર કરતા ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સોશિયલ મીડિયામાં પણ જે ભડકાઉ નિવેદનો તથા લખાણ અને વિડિયો વાઇરલ કરવામાં આવે છે તેને અટકાવવા સાયબર ક્રાઇમ સેલને આ અંગે જરૂરી ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આવનારા સમયમાં પણ આવી ઘટનાઓ કે ખોટા મેસેજ વાઇરલ ન થાય તે સંદર્ભે સતત મોનિટરિંગ કરવા પણ સંબંધિતોને સૂચનાઓ આપી દેવાઇ છે.