અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્કિગ અને ગેરકાયદે બાંધકામને લઇ શહેર પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો ફરી એકવાર ગેરકાયદે દબાણ અને આડેધડ પાર્કિગ સામે ફરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સરદારનગરથી એરપોર્ટ સર્કલ અને ઇન્દિરાબ્રીજ સર્કલ સુધીના પટ્ટામાં સપાટો બોલાવી તંત્ર દ્વારા મોટાપાયે અનઅધિકૃત અને રસ્તામાં દબાણરૂપ બાંધકામો, દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો, સાથે સાથે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આડેધડ પાર્કિગ અને ટ્રાફિક નિયમનના ભંગ બદલ આકરી કાર્યવાહી કરી સ્થળ પર જ દંડની વસૂલાત અને વાહન જપ્તી સહિતના પગલા લેવાયા હતા.
ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જસ્ટિસ એમ.આર.શાહ દ્વારા ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદાને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા દોઢેક મહિના અગાઉ ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિગની સમસ્યા સામે જબરદસ્ત રીતે તવાઇ બોલાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર, ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જેને પગલે શહેરમાં ગેરકાયદે દબાણ અને આડેધડ પાર્કિગની સમસ્યા કંઇક અંશે હળવી પણ બની ગઇ હતી.
શહેરના ઘણા વિસ્તારોમાં માર્ગો ખુલ્લા અને મોકળાશવાળા થઇ ગયા હતા. જા કે, ત્યારબાદ વચ્ચે થોડો ગેપ પડી જતાં આ સમસ્યાએ ફરીથી માથું ઉંચકવાનું જાણે શરૂ કરતાં આજે અમ્યુકો તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓએ પૂર્વમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી ગેરકાયદે દબાણ અને આડેધડ પાર્કિગ સામે અસરકારક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસના એસીપી, ડીસીપી અને સી-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કાફલો જોડાયો હતો.
ટ્રાફિક પોલીસ સાથે મ્યુનિ. તંત્રની એસ્ટેટ વિભાગની ટીમ પણ જોડાઇ હતી. આજની ઝુંબેશ દરમ્યાન દુકાનની બહાર ગેરકાયદે પાર્કિગ અને અનઅધિકૃત દબાણને લઇ દુકાનોને દંડ ફટકારવાથી માંડી સીલ કરવા સુધીની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. એસ્ટેટ વિભાગની ટીમે જેસીબી મશીનની મદદથી અનઅધિકૃત દબાણો અને બાંધકામો પણ દૂર કર્યા હતા. રોડ પર આડેધડ પાર્ક કરેલા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને પોલીસ દ્વારા ટોઇંગ કરી સ્થળ પર દંડ વસૂલાથી લઇ વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરાઇ હતી.