ભારતવર્ષનાં લોકજીવનમાં કોઇને કોઇ ઉત્સવો-પર્વો ઉજવીને પ્રેરણા પ્રાપ્ત કરવાની અનેરી હામ હોય છે. સમાજની સાથે ઉત્સવો-પર્વોની ઉજવણીથી મનુષ્યનાં જીવન ઉત્સાહ અને પ્રેરણાયુક્ત બની રહે છે. ૩૬૦ દિવસમાં એટલે કે વિક્રમ સંવંતનાં એક વર્ષમાં ભારતભરમાં અનેક ઉત્સવોની સાથે મેળાઓ યોજાય છે. દરેક ઉત્સવ કે મેળો પોતાનો અનેરો મહિમાં વર્ણવતો હોય છે. અષાઢ માસની શુક્લ પક્ષની બીજ એટલે આમ તો આપણાં કચ્છી માંડુઓ માટે નવલાવર્ષનો પ્રથમ દિવસ છે, પણ કાઠીયાવાડની ધરા પર ભેસાણ તાલુકાનાં વાવડી ગામ નજીક પરબ ધામમાં અમર માં અને સતદેવીદાસની સમર્પણ અને સેવાની આહલેકને ઉજાગર કરતો જીવન પ્રેરણાદાયી ઉત્સવ ઉજવાય છે.
સૈારાષ્ટ્રનાં જુનાગઢ જિલ્લામાં સંતોનાં તપોબળનાં સીંચન થયા છે. જીવનયજ્ઞની આહુતીથી આ ભુમિ પાવન બની છે. સેવા પરોપકાર, ત્યાગ અને બલીદાનનો અમર વારસો છે. ધાર્મીકતા, સદભાવના, સહિષ્ણુતા, સંસ્કારીતા અને ઐદાર્યનાં પંચશિલ મનોવલણને લઇને માનવ માનવ વચ્ચે આત્મીયતાનાં ભાતીગળ ભરત ગુથવામાં કાઠીયાવાડ પ્રદેશ અગ્રીમ છે. અહીં આવકારો આપવાની સંસ્કારીતા, આતિથ્યભાવનાની પરંપરા, સામાજીક ઐદાર્યને લીધે અજાણ્યા માણસને પણ આશ્રય આપવા કાઠીયાવાડી અડધા-અડધા થઇ જાય છે. આવા ગુણીયલ પ્રદેશની સેવા પરાયણતા પરત્વે જીવન જીવી ત્યાગ અને ધર્મનો સુમેળ સાધી ગુર્જરધરાની અસ્મીતાને ધર્મ ધ્વજાની ફોરમને સતદેવીદાસ અને અમરમાંએ પરગણામાં વહેતી કરી હતી.
માનવીને જીવનમાં સુખ એ અનુકુળ પરિસ્થિતી છે જ્યારે દુઃખ એ પ્રતિકુળ પરિસ્થિતી છે. સુખમાં હરીને કોઇ સંભારે પણ નહીં, પણ કષ્ટ દર્દ કે સામાજીક –આર્થીક-માનસીક મુશ્કેલીમાં માનવી ઈશ્વરને યાદ કરે છે. આવા વખતે ભેસાણ નજીક પરબધામે સતદેવીદાસ અને અમરમાંનાં અંતરવાણીની સરવાણીથી માનવજીવનની અંતરવેદનાં શમે છે.
એક કીવદંતી અનુસાર છ સૈકા પુર્વે મુંજીયાસર ગામનાં પુંજાભગત અને સાજણબાઇનાં કુળમાં દેવાયત નામે દિકરાનો જન્મ થયો હતો. સમજણનાં દ્વારે પહોંચતા જ આ ઐશ્વરીય ઓલીયાએ ગૂરૂ જેરામભગતનાં આશિર્વાદથી ગરવા ગીરનારની ગોદમાં સેવાની સરવાણી વહેતી કરી હતી. ગિરીવર ગિરનારની કોતરોમાં લાખામેડી નેસ, બાબરીયો નેસ, કાળરોક નેસ, ગધેસંગ ટેકરી નેસ જેવા અનેક નાના મોટા નેસડા આવેલા હતા. પશુપાલકો-માલધારીઓ આવા નેસમાં રહી પશુપાલન સાથે જીવન નિર્વાહ કરતા હતા. આ સમયગાળામાં ક્ષય, રક્તપીત જેવા રોગો લા ઈલાજ ગણાતા હતા અને આ રોગને રાજ રોગ મનાતો. આવા લા-ઇલાજ રોગનાં દર્દથી પીડાતા માનવીને ગામનાં અને ઘરનાં સભ્યો એક સમયે તિરસ્કાર કરી હડધુત કરી મુકતા, દર દર ભટકી જીવનલીલા સંકેલાય તે માટે હવાતીયા મારતો રહે, આવા માનવદેહને જ્યાં સ્વજન તિરસ્કારથી ઘર છોડવા મજબુર કરે તેવા જીવનો એક માત્ર આધાર એટલે પરબનાં દેવીદાસ. કૃષ્ટરોગીઓને દેવીદાસ ભગતે સેવા સુશ્રુસા કરવાનો યજ્ઞ પરબ ખાતે નાનકડી ઝુપડી બાંધીને શરૂ કર્યો. આસ-પાસનાં ગામડા ફરીને ઝોળીમાં ટાઢા-ટુકડા રોટલા ભીખમાં માંગી લાવે અને કૃષ્ઠ રોગીને સાથે બેસી જમાડે અને વધે તો તે પોતે આરોગે. રોગથી પીડીત દર્દીઓને વનસ્પતિની દેશી ઔષધિથી મલમ પટ્ટી કરવી. નિયમિત લીમડાનાં પાનનો લેપ કરવો, આવી સેવાનાં ભેખધારીની સેવા પરાયણતા સતત ચાલતી જ રહી. પરાધિન મનોભાવ સાથે જીવતા લોકોને શિક્ષણ કે આરોગ્યની સવલતો તત્કાલીન ભોગવિલાસી રાજાઓએ ક્યારેય આપી જ ન હતી. ત્યારે ક્ષય રક્તપીત કે કોઢ જેવા લા-ઇલાજ દર્દનાં દર્દીઓને આશરો આપે, માનસીક અને શારિરીક વેદનાને શિતળ છાંયડી બનીને શાંત્વનાં બક્ષે, અભ્યાગત જીવો સાથે બેસીને ભિક્ષા કાવડમાં મળેલ રૂખા-સુખા રોટલાનાં ટુકડાનાં સહારે સેવાયજ્ઞ અવિરત ચાલે.આ સેવાનાં સત્કાર્યમાં પુત્રી સમાન અમરબાઇનો સાથ મળતા સતદેવીદાસની સેવાને બળ સાંપડ્યુ. પિતા-પુત્રીની આ બેલડીએ દુખી દર્દીની સેવા કાર્યની સુવાસ ચોમેર યેલાતી થઇ. રક્તથી હાથ પગ તરબતર હોય, શરીર લોહી-પરૂથી દુર્ગંધ મારતુ હોય તેવા વ્યક્તિ નિર્લેપભાવે સેવા સુશ્રસા કરવી, તેનાં મનને શાંત્વનાં બક્ષવી, આવા સમયે ત્યજેલ હડધુત હતભાગી ઈન્સાન માટે પોતાનું માન સન્માન કોરાણે મુકીને કાવડ ફેરવીને તેનું નિર્વાહ કરવુ એ કઠણ કાળજાનાં માનવીને પણ એ સમયની પરાધીન મનોભાવનાં ઝંઝીરો વાળા જનસમાજ વચ્ચે ખડુ કરી દે! ! તો વિચારો આ સેવાનાં ભેખધારીની મનોહાઈત કેવી હશે.? ?
વર્ષોની સેવા સરવાણી બાદ એક દિવસ કહે છે કે કુષ્ઠરોગનાં ચેપી જંતુઓએ દેવીદાસ બાપુને અસર પહોંચાડી દીધી. બાપુએ મનોમન વિચાર્યુ કે મેં તો ભવસાગરમાં અનેકની સેવા કરી પણ મારી સેવા ન હોય. આમ માની તેણે જીવનલીલા સમાધિસ્થ કરી લીધી. બાપુનાં સમાધિસ્થ બન્યાની સાથે પિતાનાં પગલે માં અમર માતાએ પણ બાજુમાં સમાધી લઇ લીધી. કહેવાય છે કે યોગસાધનાં ધારણ કરી બેઠલા દેવીદાસ બાપુની જગ્યાએ માત્ર ફુલડાની ઢગલી જ લોકોએ નીહાળી છે. આમ સેવાની બેલડી ફુલડાની ઢગલી બનીને સારાય સંસારને સેવા પરાયણતાની પ્રેરક સુવાસ ચોમેર પ્રસરાવતા ગયા હતા.
આજે છ સૈકાનાં વાણાં વાઇ ચુક્યા છે. આમ છતાં આ વાતની વારસાઇ રૂપે કાઠીયાવાડની મર્દાનાં ધરા પર આ પરગણાનાં માનવી આજેય ભુખ્યાને રોટલો,અભ્યાગતને આશરો અને દુખીયાનાં દર્દમાં સદૈવ સહભાગી બનવા તત્પર હોય છે. આથી જ કહેવાયુ છે કે “કોક દી ભુલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા” આ વાતની ફુલડારૂપી ફોરમને પામવા દર વર્ષે અષાઢીબીજનાં પાવન પર્વે પરબધામે મોટો મેળો ભરાય છે.
એક લોકવાયકા એવી પણ સાંભળવા મળે છે કે દેવીદાસ બાપુએ સમાધી ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસબાપુને દર્શન દઇ કઇંક વરદાન માગવા કહ્યુ ત્યારે દેવીદાસ બાપુએ માત્ર એટલુંજ કહ્યુ હતુ કે હે પ્રભુ પરબની જગ્યાનાં દર્શન માત્રથી કુષ્ઠરોગી માનસીક, શારિરીક કે સામાજીક વેદનાથી પિડાતા જીવાત્માનાં કષ્ટભંજન થાય. અને મારી સમાધીનાં દિવસ એટલે કે અષાઢીબીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બીરાજમાન સર્વે દેવોએ પરબ પધારવુ. વાયકા અનુસાર સિધ્ધો, સંતો, યોગીઓ અને અમરાત્માઓનાં અષાઢીબીજે પરબધામમાં મુકામ હોય ત્યારે આ પરગણાનાં મનખાદેહને પોતાનાં જીવનનું પુણ્ય ઓઢણું અચુક મળશે એ ભાવે પરબનાં પીરનાં દર્શન કરવા ચુકશે નહીં.
હાલમાં જગ્યાનાં મહંત પુજ્યપાદ કરશનદાસબાપુ સતદેવીદાસ અને અમરમાંની આજ્ઞાનુસાર ધર્મની જ્યોત અવિચળ અને ધ્વજા અખંડ ફરકતી રહે અને આવનાર પ્રત્યેક દર્શનાર્થી પોતાની આંતરવ્યથા અને દુઃખદર્દ પરબનાં પગથીએ જ છોડી જાય તે પ્રકારે વ્યવસ્થા કરી છે. સતદેવીદાસ અને અમરદેવીદાસનાં સાચા ચીંતક બનીને સોરઠી આન-બાન અને શાન જાળવી રાખે તેવા પ્રયત્નો સભર અહીં ભાવીકોને ભોજન અને ઉતારની વ્યવસ્થા અપાય છે. ત્રણ જીલ્લાની સિમારેખાને જોડીને આ યાત્રા સ્થળ પ્રત્યેક વ્યક્તિનાં જીવનમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહનો સંચાર કરે છે. આ જગ્યાએ સાંધ્ય આરતી ભક્તોનાં મનને ઘડીભર તમામ વ્યથા દૂર કરી ઈશ્વરીય દર્શન સુધીની અનુભુતિ કરાવી દે તેવી હોય છે.
સર્વધર્મ સમભાવનાં શીરમોર સમી સેવાભાવ અને ત્યાગ સાથે સમર્પણનાં આદર્શોને સિંચતી આ કાઠીયાવાડી ભોમકામાં પરબ ધામે જીવતરનાં બે પળ વિતાવવા પ્રત્યેક રાગી-અનુરાગીએ અવશ્ય પધારવુ જ રહ્યુ.
અશ્વિન પટેલ