કસરત વિભાગ ક્યાં આવ્યો.? ધીમા અવાજ
સાથે એક 35 વર્ષના બેન ગાડી પાછળ એક વૃધ્ધ પુરુષ ને લઈને ઉભા રહી ગયા. દવાખાના ની બહાર બેઠેલા ચોકીદાર ભાઈને પૂછ્યું..ચોકીદાર ભાઈએ પાછળના રસ્તા પર આંગળી ચીંધી. અને કહ્યું ” સીધે સીધા જતા રહો.!’
35 વર્ષીય તે સ્ત્રીનું નામ વિભૂતા હતું.તેની પાછળ બેઠેલા 65 વર્ષીય પુરુષ લાકડી સાથે રાખી હતી. સામેજ એક વિશાળ હોલ તેની બહાર લોકોની મોટી ભીડ બહાર બોર્ડ પર લખેલું “કસરત વિભાગ.
ડો.અંજલિ નિમાવત,
વિભૂતાએ બોર્ડ વાંચ્યું.ગાડી ઉભી રાખી દીધી.અને તે ઘરડા પુરુષનો હાથ જલતા તેને ટેકો આપતા હળવેકથી નીચે ઉતાર્યા. લાકડીના ટેકે અને વિભૂતના હાથના ટેકે બન્ને કસરત વિભાગમાં જવા માટે હળવા પગે ચાલવા લાગ્યા.
વિભૂતાએ નજર ફેરવી તો આસ-પાસ ઘણા મોટી ઉંમરના,નાની ઉંમરના વૃદ્ધ સ્ત્રી પુરુષો વિવિધ પ્રકારની કસરત કરી રહ્યા હતા.કોઈ હાથે કસરત કરતા હતા.કોઈ મશીનો માં.વિભૂતાએ ટેબલ પર બેઠેલા ડોક્ટર મેડમ તરફ નજર કરી.અને તે વૃદ્ધ પુરુષ ને લઈને ડો.ની ટેબલ પાસે ગઈ.
“એક્સવ્યુસમી મેડમ..! ”
કહેતા વિભૂતાએ કેસ નો કાગળ,દવા અને ફાઇલ કસરત વિભાગમાં ફરજ બજાવતા ડો.અંજલિ ના ટેબલ પર તેની સામે મુક્યા. અને તે વૃધ્ધ પુરુષને ડો.ની ટેબલ સામે ખુરશી પર બેસાડયા.
વળી ચારે તરફ નજર કરતા વિભૂતા બોલી..”મેડમ,આ પપ્પા ની ફાઇલ ને દવા છે.ઘણી બધી દવા કરી,ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું.ઘણી બધી માવજત કરી,પણ તોય પપ્પાને ઘણા વર્ષોથી હાથ પગ ના સાંધો નો દુખાવો રહે છે. સતત દુખાવો રહે છે દવા થી કય ફરક પડતો નથી.સતત દુઃખયા કરે છે અને પપ્પા પીડાતા રહે છે.ચાલી પણ નથી શકતા.હું રોજ હળવા હાથે આયુર્વેદ તેલ ની માલિશ કરું છું. છતાં પણ પપ્પા ને દુખાવો અસહ્ય રહે છે.તેની પીડા મારાથી પણ નથી જોવાતી.પછી એક ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ થી કસરત કરવાનું વિચાર્યું.શાયદ થોડા દુખાવા માંથી રાહત મળે..
ડો.અંજલિયે બહુજ પ્રેમથી વિભૂતાની વાત સાંભળી.અને પછી ફાઇલ ને દવા જોઈ. વિભૂતના પપ્પા ને દુખાવાને લઈને બધીજ પૂછપરછ કરી. હાથ પગ ઉંચા નીચા કરાવીને જોયું. પછી ડો.અંજલિ બોલ્યા” અહીં જ રહો છો..?
હા.વિભૂતાએ કહ્યું..
“સારું તમારે દાદાને લઈને 20 દિવસ સુધી રોજ એક કલાક આવવું પડશે. દાદાને સાંધાનો દુખાવો છે.! રોજ કસરત કરાવવી પડશે અને યોગ્ય મશીન પણ આપવા પડશે.તેને ધીરે ધીરે દુખાવામાં રાહત થશે..”
ડોક્ટર અંજલીની વાત સાંભળીને વિભૂતા બોલી..” અરે..હા ચોક્કસ..! કેમ નહિ! હું રોજ આવીશ પપ્પાને લઈને જો તેને દુખાવામાં સારું થઇ જતું હોય તો. ”
વિભૂતા બોલતી હતી ત્યાંજ તે પુરુષ બોલ્યા ..” પણ વિભુ દીકરી તારી નોકરી ઘરનું કામ હોય કેમ કરીશ”?
” કોઈ બહાના નહિ પપ્પા.! બધુજ થઈ જશે પણ તમારે રોજ આવવાનું છે તમારો દુખાવો મટાડવાનો છે…
વિભૂતા ને ચિંતા આટલી બધી હતી..કે દુખાવો તે જોઈ નહતી શક્તી. ડો.અંજલિ વિચારી રહ્યા હતા કે આ બેન તેના પિતાનો દુખાવો મટાડવા માટે કેટલા બધા ચિંતિત છે.
પછી ડો.અંજલિ એ તે દાદાની ટ્રીટમેન્ટ ચાલુ કરી તેને પગમાં વજન બાંધી હાથમાં વજન બાંધી ઉંચા નીચા કરાવતા.વળી મશીન દ્વારા કસરત કરાવતા.વિભૂતા તેની સાથેજ મેહનત કરતી હતી.તે ડો.ની સાથે સાથે તેના હાથ વડે કસરત કરાવતી.વળી પાણી પીવરાવતી.દાદા થાકી જાય તો ઘડીક વાર પગ દબાવતી.સેવામાંજ રહતી.
દુખાવાના લીધે કસરત કરવાની ના પાડે તો પ્રેમથી વઢતી અને સમજાવી મનાવી કસરત કરાવતી..
રોજ વિભૂતા એક કલાક કાઢીને તે પુરુષ સાથે સમય સર પોહચી જતી . અને આખો દિવસ પપ્પા..પપ્પા..કર્યા કરે.કસરત કરાવ્યા કરે તેનું ધ્યાન રાખે.અને જલ્દી દુખાવો મટી જાય માટે તે ખૂબ મહેનત કરતી..ડો.અંજલિ રોજ જોતા વિભુતાને તેના પપ્પાની સેવા કરતા. તે વિચારતા વિભૂતા કેટલી લાડકી છે તેના પપ્પા ની આ ઉંમરે પણ ખીજાય ખીજાય ને વ્હાલ કરીને કસરત કરાવે છે સારું થઈ જાય તે માટે. અને તેના પિતા પણ તેની દીકરીની બધીજ વાત માને છે. રોજ ડો.અંજલિ વિભૂતા ને પુરુષ ને નિહાળતા..
ધીરે ધીરે 20 દિવસ પુરા થયા. વિભૂતા ને ડો.અંજલિ ની કસરત ફળી ગઈ. તેને દુખાવો સાવ ઓછો થઈ ગયો.આજે છેલ્લો દિવસ હતો. વિભૂતા ને તે પુરુષ કસરત કરીને ડો.અંજલિ પાસે ગયા..
” કેમ છે દાદા હવે તમને દુખાવો થાય છે હવે..?”
અરે ના..ના.. હવે પપ્પાને સાવ સારું છે એટલેજ આજે જ ડિસ્ચાર્જ લઈ એ છીએ.સાવ સારું છે.” ખુશ થતા થતા વિભૂતા બોલી. ડો.અંજલિ પણ ખુશ થયા.તેને જવા સમયે વિભૂતા ને પૂછ્યું”તમે કુંવારા છો?
” નહિ મારા તો લગ્ન થઈ ચૂક્યા છે એક બાબો પણ છે. ” વિભૂતાએ પ્રેમથી જવાબ આપ્યો.
ડો.અંજલિ વિચારમાં હતા.કેમકે વિભુતા ની ઉંમર તો મોટી હતી પણ પહેરવેશ યુવતી જેવો હતો.જીન્સ ટોપ ગળામાં મંગળસૂત્ર નહિ.સેથો પુરેલો નહિ તો કુંવારા હશે.પણ વિભૂતાએ કહ્યું કે લગ્ન થઈ ચૂક્યા છે.
ડો.અંજલિ થી રહેવાયું નહિ 20 દીવસથી સારી ઓળખાણ થઈ ચૂકી હતી તો તેને પૂછ્યું” તો તમે તમારા સાસરે નથી રહેતાં? કેમ પપ્પા સાથે રહો છો..?”
વિભૂતા હસીને તેના પિતા પપ્પા. પપ્પા કરતી જેને તેની સામું જોઈને બોલી..” આ મારા સસરાજ છે..
Guest Author:
વૈશાલી. એલ.પરમાર