સિદ્ધાર્થ રોય કપૂર, પાન નલિન, ધીર મોમાયા અને માર્ક ડ્યુઅલ દ્વારા નિર્મિત પાન નલિનની ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો), 2023ના ઓસ્કર માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી બની.

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ 95માં એકેડેમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ થઈ.

પાન નલિન સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ, એંગ્રી ઈન્ડિયન ગોડેસીસ અને આયુર્વેદઃ આર્ટ ઓફ બીઈંગ જેવી એવૉર્ડ વિજેતા અને વિઝ્યુઅલી સ્ટ્રાઈકિંગ ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક આત્મકથાત્મક નાટક છે જે ભૂતકાળના સિનેમાને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગુજરાતના પશ્ચિમ વિસ્તારના આકર્ષણને ઉજાગર કરે છે. તે બાળપણની નિર્દોષતા અને ફિલ્મોના સાર્વત્રિક જાદુની યાદ અપાવે છે.

આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારો છે. આ વાર્તા ભારતમાં સિનેમાઘરોની પૃષ્ઠભૂમિ પર રચિત છે જે સેલ્યુલોઇડથી ડિજિટલમાં મોટા પાયે સંક્રમણની સાક્ષી બની છે, જ્યાં ઢગલો સિંગલ-સ્ક્રીન સિનેમા જર્જરિત થયા અથવા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા.

રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે ધ લાસ્ટ ફિલ્મ શોનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી.

દિગ્દર્શક પાન નલિન કહે છે, “મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આવો દિવસ આવશે જે આટલી બધી ખુશીઓ લાવશે. છેલ્લો શો ફિલ્મ ને દુનિયાભરનો પ્રેમ મળી રહ્યો છે પરંતુ મારા હૃદયમાં એક વેદના હતી કે હું ભારત સુધી આ પ્રેમને, આ આનંદને કઈ રીતે પહોચાડું? હવે હું ફરીથી શ્વાસ લઈ શકું છું અને સિનેમામાં વિશ્વાસ કરી શકું છું જે મનોરંજન, પ્રેરણા અને જ્ઞાન આપે છે! આભાર FFI, આભાર જ્યુરી.”

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે, “અમે રોમાંચિત અને સન્માનિત છીએ કે અમારી ફિલ્મ, ધ લાસ્ટ ફિલ્મ શોને એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ ચોક્કસથી સિનેમાના જાદુ અને અજાયબીને સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મ માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં જ્યારે વિશ્વભરમાં સિનેમા-જગત મહામારીના કારણે વિક્ષેપિત થઈ ગયું છે અને પ્રેક્ષકોને એ યાદ અપાવવાની જરૂર છે કે તેઓ કેવી રીતે અંધકારમય સિનેમા હોલમાં પ્રથમ વખત એક ફિલ્મ જોવાના અનુભવના પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મ સાથે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે અને અમારા સહભાગી સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ઓરેન્જ સ્ટુડિયોના સહકારથી અમે ખાતરી કરીશું કે અમે તેને એકેડમી એવોર્ડ્સમાં અમારૂ બેસ્ટ આપીએ!”

વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલ જીત્યા બાદ હવે ગુજરાતી ભાષાની આ કમિંગ ઓફ ઍજ ડ્રામા ફિલ્મ 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને ભારતના પસંદગીના સ્ક્રીન પર રિલીઝ થશે.

સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ઓરેન્જ સ્ટુડિયો અનુક્રમે યુ.એસ. અને યુરોપિયન બજારો માટે આંતરરાષ્ટ્રીય વિતરકો તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, સુપ્રસિદ્ધ શોચીકુ સ્ટુડિયો જાપાની વિતરક તરીકે સેવા આપે છે, જ્યારે પ્રતિષ્ઠિત મેડુસા ઇટાલિયન સિનેમાઘરોમાં ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) લાવશે.

આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

Chhello Show BTS 12
Chhello Show BTS 11
Share This Article