બીજી ટેસ્ટમાં શ્રીલંકાએ મજબૂત કમબેક કરતા બેટિંગ બાદ બોલિંગમાં પણ શાનદાર દેખાવની મદદથી પાકિસ્તાન સામે પકડ મજબૂત કરી લીધી છે. શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં ૩૭૮ રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે બાદમાં બોલિંગમાં પણ કહેર વર્તાવ્યો હતો. શ્રીલંકાના સ્પિનર્સ સામે પાકિસ્તાનના ટોચની હરોળના બેટ્સમેનો ફ્લોપ પુરવાર થયા હતા અને બીજા દિવસની રમતના અંતે સાત વિકેટે ૧૯૧ રન જ કરી શક્યા હતા. પાકિસ્તાનના માથે હજુ પણ ૧૮૭ રનનું દેવું છે.
શ્રીલંકાની ટીમ પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૪૨ રનનો લક્ષ્યાંક બચાવી ના શકતા તેમનો ચાર વિકેટે પરાજય થયો હતો. જો કે બીજી ટેસ્ટમાં શ્રીલંકાએ બોલિંગમાં નોંધપત્ર સુધારો કર્યો છે અને ઓફ સ્પિનર રમેશ મેન્ડિસની ત્રણ વિકેટના સહારે પાકિસ્તાનના ટોચના બેટ્સમેનોને ઘૂંટણીયા ટેકવવા મજબૂર કર્યા હતા.
પાકિસ્તાન તરફથી અઘા સલમાને સૌથી વધુ ૬૨ રન કર્યા હતા. ઈમામ-ઉલ-હકે ૩૨ રનનો ફાળો આપ્યો હતો. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ૩૦ રનથી ઉપર પહોંચી શક્યો નહતો. પાકિસ્તાનની કંગાળ શરૂઆત રહી હતી અને પ્રથમ ઓવરના બીજા બોલ પર શફિક શૂન્ય રને બોલ્ડ થયો હતો. કોરોનામાંથી રિકવર થઈને ટીમમાં પરત ફરેલા અસિતા ફર્નાન્ડોએ તેને આઉટ કર્યો હતો. કેપ્ટન બાબર આઝમ ૧૬ રને જયસૂર્યાના બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે ઈમામને ડી સિલ્વાએ બોલ્ડ કર્યો હતો. રમેશ મેન્ડિસે એક પછી એક ત્રણ સફળતા મેળવતા શ્રીલંકાને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. કરુણારત્ને પીઠમાં ઈજા થતાં ડી સિલ્વાને કાર્યકારી કેપ્ટન બનાવાયો હતો. પ્રથમ દિવસના અંતે શ્રીલંકા છ વિકેટે ૩૧૫ રન કર્યા હતા. બીજા દિવસના પ્રારંભે ડિકવેલાએ (૫૧) અડધી સદી પૂર્ણ કરી હતી અને નવોદિત ખેલાડી દુનિથ વેલ્લાલાગે ૧૧ રને આઉટ થયો હતો. બન્ને બેટ્સમેનને નસીમ શાહે આઉટ કર્યા હતા. ત્યારબાદ યાસિરે પણ વધુ બે વિકેટ ઝડપી મેચમાં કુલ ત્રણ વિકેટ લઈને નસીમની બરોબરી કરી હતી.