પોખરા
આજે ફરી થોડી વાત કરીએ નેપાળ વિષે આસપાસ ફરી વળ્યા? તો ચાલો હવે જઈએ પોખરા. કાઠમંડુથી પશ્ચિમમાં ૨૦૦ કી.મી. ની મુસાફરી આપણે કેલાક પ્રખ્યાત પર્વત શિખરોથી ઘેરાયેલા, હિમાલયની ગોદમાં વસેલા પોખરા વિષે જાણીએ. ટ્રેકિંગ માટેનું મુખ્યદ્વાર એટલે પોખરા. ધવલગીરી, માનાસુલ, અન્નપુર્ણા જેવા પ્રખ્યાત પર્વત શિખરોથી ઘેરાયેલુ પોખરાએ અન્નપુર્ણા અને જોમ્સોમ પ્રદેશના ટ્રેકિંગ માટેનું પ્રવેશદ્વાર છે. જો તમારે ટ્રેકિંગ ન કરવુ હોય તો પણ પોખરાની શુદ્ધ હવા, પ્રસન્ન વાતાવરણ, કુદરતી સૌન્દર્ય, લેક પ્હેવાને કિનારે આવેલી હોટલ્સ એ બધુજ ખુબ આલ્હાદક અને રિલેક્સિંગ છે. મન પ્રસન્ન થઇ જાય છે.
અન્નપુર્ણા રીજન ટ્રેકિંગ માટેનો ખુબ પ્ર્રખ્યાત પ્રદેશ છે. ત્યાં થોડા દિવસથી લઈને થોડા અઠવાડિયાઓ સુધી ટ્રેકિંગ કરી શકાય તેવું છે. નેપાળી લોકોની નાટ્યાત્મક વિવિધતાથી સર્જાતો વિરોધાભાસ અને લોકજીવન જોવાની મજા પણ તમને ટ્રેકિંગ દરમ્યાન જાણવા મળશે. ત્યાં આવનારા ટ્રેકર્સને રહેવા, ખાવાની સગવડ પણ સારી છે. આરક્ષિત પ્રદેશ હોવાથી ત્યાં પ્રવાસીઓ માટે સારી સગવડ ઉપલબ્ધ છે. જો તમે શારીરિક રીતે સક્ષમ હો તો પોખરા ટ્રેકિંગને પ્રથમ પસંદગી આપવી જોઈએ.
હવે જયારે ટ્રેકિંગની વાત નીક્ળી જ છે. તો નેપાળના અન્ય ટ્રેકિંગ એરિયાની માહિતી પણ મેળવી લઈએ. LANGTANG નેશનલ પાર્ક અને તેની આસપાસનો પ્રદેશ. આ પ્રદેશના કેટલાક ટ્રેકિંગ રૂટ, રમણીય દ્રશ્ય, જુના બુધ્દ્ધ મઠો, સુંદર પર્વતીય પ્રદેશ અને વસંતમાં ખીલેલા જંગલો, થોડી ઓછી સગવડ ધરાવતા આ પ્રદેશમાં ટ્રેકિંગ માટે ઘણા નાના મોટા રૂટ આવેલા છે. કાઠમંડુથી જીપ દ્વારા ૭-૮ કલાકમાં અહીં પહોચી શકાય છે. જો હવામાન સ્વચ્છ હોય તો અહીંથી ૭૨૪૫ મીટર ઉચુ ‘લાન્ગ્તંગ લીરુંગ’ પર્વતનું શિખર જોઈ શકાય છે.
પર્વતની ગોદમાં વસેલા આ દેશને ટ્રેકર માટે સ્વપ્ન ભૂમિ બનાવી દીધી છે એટલે અહીં આવેલ HELAMBU પ્રદેશ પણ ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે. કાઠમંડુથી નજીક હોવાને લીધે અહીં ઘણી ટ્રેકિંગ કંપની પોતાના ગાઈડ સાથે નાના ગ્રુપમાં પણ ટ્રેકિંગ પ્રોગ્રામ ગોઠવી આપે છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ નાના રૂટ ઉપર ટ્રેકિંગની મજા માણી શકાય છે. જેથી સામાન્ય શારીરિક ક્ષમતા વાળા લોકો માટે પણ હાઈકિંગ શક્ય બની રહે છે. સાતથી આઠ દિવસના આ ટ્રેકિંગ દરમ્યાન રહેવા માટે રસ્તામાં આવતા ગામડાઓમાં કે કોઈ હોટલમાં જગ્યા મળી રહે છે.
જયારે નેપાળમાં ટ્રેકિંગની વાત કરતા હોઈએને માઉન્ટ એવરેસ્ટની વાત ન આવે તે કેવી રીતે ચાલે? પણ આ ગીરીરાજને આંબવો અત્યંત મુશ્કેલ છે. તેથી આપણા જેવા સામાન્ય લોકોતો તેના બેઝ કેમ્પ સુધીનું ટ્રેકિંગ કરીને જ મન માનવી શકે. શિખરની આસપાસના જુદા જુદા ટ્રેક દ્વારા ટ્રેકિંગ કરીને બેઝકેમ્પ સુધી જઈ શકાય છે અને અનેક એન્ગલ થી એવરેસ્ટના દર્શન પણ થઇ શકે છે. સામાન્યરીતે આ ટ્રેક ખાસ દર્શનીય કે રમણીય ન ગણી શકાય પણ એવરેસ્ટ નામ જ આલ્હાદક છે અને તેના દર્શન દુર્લભ. ઘણી નેપાળી કે પશ્ચિમી કંપની પોતાના ગાઈડ સાથે હાઈકિંગ ટુર કરાવે છે, તો તમે પોતાના માટે ગાઈડ અને સામન ઉઠાવવા માટે મજુર પણ ભાડે કરી શકો છો. માર્ચથી મેં અને સપ્ટેમ્બરથી ડીસેમ્બર મહિનાઓ ટ્રેકિંગ હાઈકિંગ માટે યોગ્ય છે. કોઈ, અશક્ત, વૃદ્ધ કે આળસુ લોકો માટે NAGARKOT HILL ઉપર આવેલી હોટલમાંથી પણ ગીરીરાજ સાગર માથ્થો એવરેસ્ટ સ્વચ્છ હવામાન વાળા દિવસોએ જોઈ શકાય છે. નેપાળ જાઓ અને એવરેસ્ટ દર્શન ન થાય તો તે સૌથી મોટો અફસોસ ગણી શકાય.
કલ્ચર, કુદરતને પર્વતના પ્રવાસની મોજ માણી તો પ્રાણી સૃષ્ટિ કેમ પાછળ રહે? ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન એ જંગલના પ્રાણીઓ અને સફારી જેવું વાતાવરણ પૂરું પાડે છે. તેનો કોઈ કોઈ ભાગની ઉચાઇ તો કાઠમંડુ કરતા પણ નીચી છે. એટલે આ પ્રદેશનું વાતાવરણ ગરમ અને ભેજવાળું જોવા મળે છે. પગે ચાલીને કે હાથી ઉપર સવારી કરીને આ અભયારણ્યમાં ફરી શકાય છે. અહીં મુખ્યત્વે, ગેડા, બેન્ગાલ ટાઈગર, દીપડા, સ્લોથ બેર,ગૌર હરણ જોવા મળે છે. તો ત્યાંની નદીમાં ક્યારેક મીઠા પાણીની ડોલ્ફિન અને મગર પણ દેખાય જાય છે. ત્યાં વસતા ૫૦૦થી વધારે પક્ષીઓ તેનું ‘ચિતવન’ નામ સાર્થક કરે છે. આ જીવ સૃષ્ટિનો આનંદ ઓક્ટોબર થી ફેબ્રુઆરી અથવા જુનથી સપ્ટેમ્બરમાં સૌથી વધારે માણી શકાય છે. ચિતવન જવા માટે પોખરાથી લુમ્બિની જતા વચ્ચે રસ્તો ફંટાઈ છે. તેથી થોડા કી.મી.ના ફેરમાં જવું સહેલું પડે.
આમ કુદરતી સૌન્દર્ય , મહાન એવરેસ્ટ, વિવિધ પ્રાણી સૃષ્ટિ ને માનવ સર્જિત વિવિધ સંસ્કૃતિનું રસ પાન સંતોષ તો આપે પણ પૂર્ણતા નહિ, તેને માટે તો બુધ્ધમ શરણં ગચ્છામી. એટલેજ લુંમ્બીનીનું દર્શન, કે યાત્રા જે કહો તે કર્યા વગર નેપાળની બહાર કેવી રીતે નીકળી શકાય? તો ચાલો લુમ્બિની, શાકય રાજકુમાર સિધ્ધાર્થનું જન્મસ્થાન, માતા માયાદેવીનું મંદિર. બોદ્ધ યાત્રાળુઓથી ઉભરાતું શાંત અને સૌમ્ય ઉર્જાવાન વાતાવરણ આપણને ગૌતમબુદ્ધ ની દિવ્યતાની ઝાંખી કરાવે છે. ત્યાનું દિવ્ય વાતાવરણ, શાંતિનો અનુભવ, અધ્યાત્મિક શક્તિ નો અભાસ પણ કરાવી જાય છે. અશોક સ્તમ્ભ ઉપરની પવિત્ર જ્યોત બુદ્ધના સમયનું ભાન કરાવવા સમર્થ છે.
લગભગ આખું નેપાળ ફર્યા હવે તો વિઝાનો સમય પણ પુરોથવા આવ્યો. મિત્રો મને લાગેછે કે અહી આપેલી થોડી ઘણી માહિતી તમને પ્રવાસની પ્રેરણા આપવા પુરતુ છે. તો ચાલો બંધો સમાન કરો તૈયારી, અને મળી આવો પાડોશીને. મને ખાતરી છે. કે તે તમારો આલ્હાદક પ્રવાસ બની જશે. હવે પછી મળીશું અન્ય દેશની વિવિધ વાતો સાથે.
- નિસ્પૃહા દેસાઈ