કેમ છો મિત્રો? વિઝા આવી ગયા? તો ચાલો એર ટીકીટ બુક કરાવીએ. નેપાળમાં માત્ર એક જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે અને તે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. તેનો એરપોર્ટ કોડ TIA છે. ભારતના દિલ્હી, કલકતા, ચેન્નાઈ,મુંબઈ, વગેરે એરપોર્ટ પરથી ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ Rs. ની આસપાસ ટીકીટભાડું થાય છે. બાકી અન્ય દેશમાંથી આવવા માટે પણ હવાઈ સેવા ઉપલબ્ધ છે. હવે જયારે ભારતની વાત કરીએ તો જેને બજેટ ટ્રાવેલ કરવું હોય અને સમયનો અભાવ નહોય તેમના માટે બસ કે કાર માં મુસાફરી પણ શક્ય છે. તો ચાલો થોડી વધારે માહિતી પણ મેળવી લઈએ. દિલ્હી ટ્રાન્સપોર્ટ કંપનીની બસ દિલ્હી-ખટમંડુ જાય છે પણ તે મુસાફરી થોડી લાંબી થઇ જાય, જોકે પહાડી રસ્તો અને માર્ગમાં આવતા સુંદર દ્રશ્યો જોવાનો લ્હાવો મળી શકે છે.
બીજો રસ્તો છે કે તમે બનારસ સુધી ટ્રેઈનમાં મુસાફરી કરો ને ત્યાંથી બસ કે કાર લઈને ખટમંડુ પહોચી શકાય આ રસ્તો થોડો ટુંકો છે. અને રેલ મુસાફરીમાં થોડો આરામ પણ મળી શકે. મોટા ભાગે લોકો નોર્થ ઇન્ડિયાથી નેપાળ જવા માટે sunauli border ક્રોસ કરે છે. જે ઉત્તરપ્રદેશના ગોરખપુરથી સરળ રહે છે. અને ત્યાંથી ખટમંડુ,પોખરા,લુમ્બિની જવા માટે ઘણા વાહનો મળી રહે છે.
જો તમે કલકતા કે બોધગયાથી આવતા હો તો તમને પટના-બિહાર પાસેની RAXAUL border ક્રોસ કરીને જવાનું સહેલું પડે. કોઈ પણ બોર્ડર પાસેથી તમને સહેલાયથી બસ મળી શકે છે. અને તે બસ લગભગ ૬-૭ કલાકમાં કાઠમંડુ પહોચાડે છે. મારા અભિપ્રાય મુજબ રેલ અને બસ બંનેને ભેગા કરીને મુસાફરી કરવી, જેથી થાક ઓછો લાગે ને પહાડી સૌન્દર્યની મોજ પણ માણવા મળે.
ચાલો તો અંતે નેપાળ પહોચી ગયા, પણ પાટનગર ખટમંડુ એક માત્ર જોવાલાયક સ્થળ નથી. અહીંથી આપણે જુદા જુદા પ્રદેશ, શહેર અને સ્થળો પર પહોચવા માટે ફરીથી બીજા વાહનો કરવા પડશેને? મારું મંતવ્ય છે કે એક શહેરથી બીજા શહેર જવા માટે હવાઈ સફર કરવી યોગ્ય છે, કારણ ત્યાના રસ્તાઓની હાલત સારી નથી. ખાસ કરીને ચોમાસામાં, ૨૦૧૫ માં આવેલ ધરતીકંપ ને લીધે રસ્તાઓ તૂટી ગયા છે અને સમારકામ ચાલુ છે. ઘણા ડ્રાઈવર પાસે યોગ્ય લાઇસન્સ પણ નથી હોતા. ભરચક ભરેલી બસમાં પણ મુસાફરીના કરવી કારણ અકસ્માતો થવાની શક્યતાઓ બહુજ છે. જો તમે જાતે ડ્રાઈવ કરવા માંગતા હો તો તમારી પાસે આંતરરાષ્ટ્રીય driving લાઇસન્સ હોવું જરૂરી છે. આમ છતાં સાવચેતી રાખીને મુસાફરી કરવાની પણ મજા છે. તો બીજા ઉપાય તરીકે આવે હવાઈ મુસાફરી સામાન્ય રીતે આ મોઘી મુસાફરી ઝડપી અને સરળ છે, પણ પર્વતીય પ્રદેશ હોવાને લીધે અહીં પણ તમારે હવામાનનું ધ્યાન રાખવું જ પડે. નેપાળ જવા માટે ઓક્ટોબર થી ડીસેમ્બર સૌથી ઉત્તમ સમય છે અને અપ્રિલ સુધી હવામાન સુકું રહે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અત્યંત ઠંડી હોય છે પણ તોય ત્યારે કુદરતી સૌન્દર્ય ખુબ સરસ હોય છે. બરફ આચ્છાદિત પર્વત શિખરો, તો રસ્તાઓ ઉપર સફેદ ચાદરની જેમ પથરાયેલો સ્નો, અને એ રૂ ના પોલ જેવા સ્નો ના ગોળા બનાવી ને રમવાની મજા પણ કઈ જેવી તેવી નથી. માર્ચ માં તો વસંતના વધામણા એટલે ખુશનુમા વાતાવરણને ફરીથી પલ્લવિત થતા વ્રુક્ષો , વનરાજી જોવાની મજા એટલે કે નવસર્જનનો આનંદ. મેં મહિનો એટલે ભેજનું પ્રમાણ વધવા લાગે વાદળોની વણઝાર ને વરસાદી વાતાવરણ, પણ પહાડો માં આવા વાતાવરણ માં ભ્રમણ કરવું મુશ્કેલ જ નહિ થોડું સાહસી પણ છે. તો દરેક મુસાફરે પોતાની ઉમર અને ક્ષમતા પ્રમાણે સમયની પસંદગી કરવી જેથી યાત્રાને વધારે યાદગાર બનાવી શકાય.
નેપાળ આવનારા લોકો જુદાજુદા કારણોથી આવે છે. કેટલાક પહાડોના આકર્ષણને લીધે પર્વતારોહણ કે ટ્રેકિંગ કરવા આવે છે. વિશ્વ પ્રસિદ્ધ હિમાલયમાં ભ્રમણ કરવું એ જિંદગીનો લ્હાવો છે. તો કેટલાક નેપાળી સંસ્કૃતિ, કે કોઈ સ્પીરીચુયલ અનુભવ કરવા , યોગ શીખવા કે બુધ્ધ ધર્મના અભ્યાસ માટે આવે છે. જે પણ હોય નેપાળ ભ્રમણ એ લગભગ બધાને માટે લાઈફ ચેઇન્જિન્ગ અનુભવ છે. તેમાં કોઈ શંકા નથી. મોટાભાગના મુસાફરો સૌથી પહેલા કાઠમંડુ આવે છે. ત્યાંના આકર્ષણો જુએ છે અને પછી ત્યાંથી પોતાની યાત્રા શરુ કરે છે.
કાઠમંડુ – નેપાળનું સૌથી મોટું શહેર અને પાટનગર. એના જેવું બીજું કોઈ શહેર દુનિયામાં નથી એમ કહી શકાય, શહેરની મધ્યમાં આવેલા જુના ને જર્જરિત મકાનો ત્યાના જીવંત વાતાવરણ સાથે વિરોધાભાસ સર્જે છે. પ્રાચીન મંદિરો અને સુંદર મૂર્તિઓની કલાકૃતિઓની સાથે નાની મોટી દુકાનોથી ભરચક રસ્તા, પોતાનો માલ વેચવા માટે આકર્ષતા ફેરિયાઓના અવાજો ,પ્રવાસીઓની ચહલ-પહલ સાથેનું રોજિંદુ જીવન કોઈ અલગજ અનુભવ કરાવે છે.
નેપાળના ત્રણ રોયલ શહેરો માંથી એક એટલે કાઠમંડુ. નજીકમાં આવેલ ભક્તાપુર અને પાતાન બીજા બે રોયલ શહેરો છે. આજે આ ત્રણે શહેરો લગભગ એકબીજામાં ભળી ગયા છે. દરબાર સ્ક્વેર એ કાઠમંડુનું સૌથી આકર્ષણનું કેન્દ્ર છે અને તેને UNESCO એ હેરીટેજ સાઈટ તરીકે રક્ષિત કરી છે. આ ચોકમાં મંદિરની સાથે સાથે વિવિધ આકાર, પ્રકાર અને ધર્મના મોન્યુમેન્ટ જોવા મળેછે. જોકે ૨૦૧૫ ના ધરતીકંપ વખતે અહી ઘણું નુકશાન થયેલું , તેનું સમારકામ ચાલુ હશે અને થોડા સમય માં તે થઇ પણ જશે.
આવા સુંદર શહેર ને જોવા માટે અને મુસાફરીનો થાક ઉતારવા માટે આપણે ક્યાંક તો રહેવું પડેને? તો ચાલો તેની પણ જરા માહિતી મેળવી લઈએ. દરેક પાટનગરમાં મોંઘી હોટલો તો હોવાની જ અને અહીં પણ છે, પણ દરેક વ્યક્તિને આટલી મોઘી હોટલો પોસાય નહિ. તેથી આપણે માધ્યમ હોટલો જોઈએ. જો તમારે ખાસ પ્રકારની સગવડ જોઈતી હોય તો પહેલેથી online બુકિંગ કરાવી લેવું બાકી તમે ત્યાં ઉતરીને કોઈ પણ હોટલમાં રૂમ મેળવી શકશો દિવસના ૧૦$ થી લઇ ને ૫૦$ સુધીમાં સારી હોટલ્સ મળી જાય છે.
કોઈપણ પ્રવાસન સ્થળની જેમ અહીં પણ ઘણી પ્રાઇવેટ ટુર એજન્સીઓ છે. તે ૬ કલાકની કાઠમંડુ વેલી ટુરથી લઈને એવરેસ્ટના બેઝકેમ્પ સુધીની ૧૯ દિવસની લાંબી ટુર્સ પણ કરાવે છે. ૬ કલાકની ટુરમાં પણ કાઠમંડુ દરબાર સ્ક્વેર ,સ્વયંભુનાથ – મંકી ટેમ્પલ,પશુપતિનાથ,બુદ્ધનાથ સ્તૂપ, ભક્તાપુર દરબાર સ્ક્વેર વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. કુલ લગભગ ૩૫૦કિ.મી. જેટલું ભ્રમણ કરાવે છે, પણ જો તમને હાઈકિંગ કરવાની ઈચ્છા હોય તો NAGARKOT હિલ પ્રખ્યાત સ્થળ છે. લગભગ ૭ કલાકનું હાઈકિંગ છે અને હિલ ઉપરથી અન્નપુર્ણાથી એવરેસ્ટ સુધીની રેંજ જોવા મળે છે. જો હવામાન સારું હોય તો એવરેસ્ટના દર્શન પણ કરી શકો છો. રસ્તામાં યુનેસ્કો ની હેરીટેજ સાઈટ તરીકે જાહેર થયેલ હિન્દુઓનું અતિ પ્રાચીન ચેગુનારાયણ મંદીર, ગોલ્ડન ગેટ અને પોટરી સ્ક્વેરમાં માટી કામ જોવાની તક પણ ગુમાવવા જેવી નથી.
તો મિત્રો બધીજ વાતો હમણાં કહીશ તો આશ્ચર્યનો આનંદ જતો રહેશે. માટે સ્થળ ઉપર જાઓ, જુઓ ને માણો.
- નિસ્પૃહા દેસાઈ