પોરબંદર દરિયામાંથી ૫૦૦ કરોડના ડ્રગ્સનો જથ્થો કબજે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ગુજરાત સહિત દેશની ચારેબાજુની સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યાં  પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ તેમજ કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પ૦૦ કરોડના ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરીને ૯ ઇરાનીની ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. પાકિસ્તાનમાંથી હમીદ મલિક નામના ડ્રગ માફિયાએ આ કન્સાઇનમેન્ટ મોકલાયુ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે. સુરક્ષા એજન્સીઓએ હવે ડ્રગ્સના મોટા કન્સાઇનમેન્ટને લઇ તેના નેટવર્ક અને તેની ડિલીવરી કયાં કરવાની હતી તે સહિતના મુદ્દાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

પાકિસ્તાનથી આવેલું આ ડ્રગ્સ ઇરાનમાં લઈ જવાનું હતું. ત્રણેય એજન્સીઓએ પાકિસ્તાની બોટને રોકવાની કોશિશ કરતાં કરોડો રૂપિયાના હેરોઇન સાથે સવાર ૯ ઇરાનીઓએ જાતે જ બોટમાં આગ લગાવી હતી અને દરિયામાં કૂદી પડ્‌યા હતા. એજન્સીઓએ ૯ ઇરાનીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતાં પાકિસ્તાનના હમીદ મલેકે આ કન્સાઇન્મેન્ટ મોકલ્યું હોવાનું બહાર આવ્યું છે. એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી કે, પોરબંદરના મધદરિયાથી મોડી રાતે એક બોટમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ ઇરાનમાં જવાનું છે. એટીએસને મળેલી બાતમીના આધારે ઉચ્ચ અધિકારીઓએ કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સને જાણ કરી હતી. ત્રણેય એજન્સીઓએ મોડીરાતથી પોરબંદરના મધદરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટગાર્ડની ટીમ તેમજ મરીન ટાસ્કફોર્સની ટીમ એટીએસના અધિકારીઓ સાથે વોચમાં  ત્યારે એક શંકાસ્પદ બોટ દરિયામાં દેખાઇ હતી. કોસ્ટગાર્ડની ટીમ તેમજ મરીન ટાસ્કફોર્સની ટીમે બોટનો પીછો કર્યો હતો અને તેને રોકવા માટેના આદેશ આપ્યા હતા.

બોટ નહીં રોકાતાં કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સે બોટને કોર્ડન કરીને ઊભી રાખી હતી અને બોટમાં બેઠેલા તમામ લોકોને સરેન્ડર કરવાની સૂચના આપી હતી. બોટમાં બેઠેલા તમામ લોકોએ ગણતરીની મિનિટમાં બોટને આગ લગાવી દીધી હતી અને દરિયામાં કૂદી ગયા હતા. સુરક્ષા એજન્સીએ દરિયામાં કૂદેલા તમામ લોકોને પકડી પાડ્‌યા હતા અને તેમની સઘન પૂછપરછ કરી હતી. ધરપકડ કરાયેલા તમામ લોકો ઇરાની છે અને પાકિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઇન્ટમેન્ટ લઇને ઇરાન જતા હતા. પાકિસ્તાનના હમીદ મલેક નામના ડ્રગ્સ માફિયાનું આ કન્સાઇન્મેન્ટ હોવાનું સુરક્ષા એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે. પાકિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઇન્ટમેન્ટ ઇરાન જતું હતું તો પછી ગુજરાતના મધદરિયામાં લાવવાનું કારણ શું હતું તે પણ એક તપાસનો વિષય છે. ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાનું હતું કે પછી ખરેખર ઇરાનમાં મોકલવાનું હતું તે મામલે ૯ ઇરાનીની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એટીએસની ટીમે ૬ કિલો હેરોઇન જપ્ત કર્યું છે જ્યારે અન્ય ડ્રગ્સ બોટમાં બળીને ખાખ થઇ ગયું છે. બોટમાં ર૪ હજાર લિટર ઇંધણ હતું જ્યારે ગેસના સિલિન્ડર હતાં, જેના કારણે ૯ ઇરાનીઓએ તેમાં આસાનીથી આગ લગાવી દીધી હતી.

દરિયાઇ સુરક્ષા એજન્સીઓ માલ જપ્ત કરે નહીં તે માટે પાકિસ્તાનથી હમીદ મલેકની સૂચના હતી કે બોટમાં આગ લગાવી દેવી. કોમ્યુનિકેશન ફ્રીકવન્સીના આધારે એટીએસને મળેલા કેટલાક કોડવર્ડના આધારે સમગ્ર હકીકતની જાણ થઇ હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સના મામલે નાર્કોિટક્સ કંટ્રોલ બ્યૂરો તેમજ એનઆઇએ સહિતની દેશની ટોચની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Share This Article