અમદાવાદ : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની નવમી શૃંખલામાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ફોરમ અંગે યોજાયેલ પરિસંવાદમાં વૈશ્વિક સૌર ઉર્જાની જરૂરિયાતો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો, બિઝનેશ લીડર્સ અને તજજ્ઞ રાજનીતિજ્ઞોએ વિચાર વિમર્શ કર્યો હતો. આ પરિસંવાદમાં નવા સંશોધનો તેમજ તે અન્વયે થનારા રોકાણો અને સંબંધિત રાષ્ટ્રોની આ સંદર્ભમાં જરૂરિયાત અંગે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટે દુનિયાભરમાં ૧૦૦૦ ગીગાવોટની સોલાર જનરેશન કેપેસિટી માટે વર્ષ-૨૦૩૦ સુધીમાં સોલાર એનર્જીમાં રૂ. એક લાખ કરોડ ડોલરનું મૂડીરોકાણ મેળવવામાં આવશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, સોલાર એનર્જી ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પુરૂ કરવા ગુજરાતે પહેલ કરી છે.
ભારત સરકારના વર્ષ-૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત સરકારના આયોજનની વિગતો આપતાં તેમણે ઉમેર્યું હતું કે, પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન માટે ગુજરાતે વિન્ડ સોલાર હાઈબ્રિડ પાર્ક સ્થાપવા અંગેની પોલિસી-૨૦૧૮ તૈયાર કરી છે. આ હાઈબ્રિડ પાર્કમાં ૧૦ વર્ષમાં ૩૦ હજાર મે.વો. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. ઉર્જા મંત્રી એ જણાવ્યું કે, રાજયની હાલની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો હિસ્સો ૭૬૪૫ મે.વો. એટલે કે ૨૮ ટકા કે જે વર્ષ-૨૦૨૨ સુધીમાં વધારીને ૨૨૯૨૨ મે.વો. એટલે કે ૫૩ ટકા સાથે બમણો કરવાનો લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં આગામી ત્રણ વર્ષમાં ૧૫ હજાર મે.વો. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદિત કરવા માટે રાજય સરકારે આયોજન કર્યું છે. રાજયમાં પસંદ કરાયેલા ૫૦ સબ સ્ટેશનોની આસપાસની જમીનોમાં સૌર ઉર્જાના પ્લાન્ટ દ્વારા ૩૦૦૦ મે.વોટ સૌર ઉર્જા ઉત્પાદિત કરાશે,
એટલું જ નહીં સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ,પેઢી, સહકારી મંડળી અડધા મે.વોટથી ૪ મે.વો. સૌર ઉર્જા ઉત્પાદિત કરે તો તેને ખરીદવા સરકાર ૨૫ વર્ષનો કરાર કરશે. જેના દ્વારા ૨૦૦૦ મે.વો. સૌર ઉર્જા ઉત્પાદનનો અંદાજ છે. રાજયમાં સૂર્ય શક્તિ કિશાન યોજના અમલી બનાવવામાં આવી છે. હાલમાં ૫૦ ફિડર પાયલોટ પ્રોજેકટ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. જેને પરિણામે ખેડૂતોને વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળવા સાથે દર વર્ષે અંદાજે ૧૫,૦૦૦ વધારાની આવક થશે.