વન ડે માત્રમ
સવારના સાતનો સમય…
અરે ભાઈ આજે ૨૬ મી જાન્યુઆરી છે, હું નહીં આવું. આવા દિવસે મને આવું બધું ન કહેવું. દારૂના પ્રોગ્રામ વારી. ફોન મૂક. સાલાવ સમજતા જ નથી. હવારના હાત વાઇગામાં ફોન કરે અને શરમ વગર પૂછે “દારુ પીવો છે?” બુદ્ધિના બારદાન… ભાઈ, પ્રજાસત્તાક દિવસ છે, આજે તો રહેવા દ્યો. રજાના દિવસે’ય ઉઠાડી દીધો વ્હેલો.
ફોન મૂકીને મનમાં થોડો બબડાટ કર્યા બાદ એણે ફેસબૂક ઉપર પોસ્ટ ચડાવી. “Happy Republic Day To All My Friends! Jay Hind! Vande Matram!”
સાડા દસ વાગ્યે…
“ભઈલા, પાંચ ઝંડા આપી દે હાલ… એકના કેટલા?”
“પાંચ રૂપિયા સાઇબ”
“હોતા હઇશે? પંદરના પાંચ આપી દે હાલ. દેશભક્તિ જેવું છે કે નય કાંય તારામાં?”
“લ્યો સાઇબ. લઇ જાવ… સાઇબ, તમે ધ્વજ વંદન કરી આયવા?”
“ના. ટીવીમાં સમાચારમાં જોઈ લઈશ. ધ્વજ વંદન વારી… તું તારું કામ કરને. તે કયરું ધ્વજ વંદન?”
“હા સાઇબ. હવારે નિસાળે ગ્યો’તો. ન્યાથી સીધો આંય આય્વો ઝંડા વેચવા.”
“હારુ હારુ… લે વીસ રૂપિયા… લાવ પાંચ રૂપિયા પાછા… બે ઝંડા બાઇકમાં લગાવી દે…”
ઘરે જઈ, બાકી બચેલા ત્રણ ધ્વજ કારમાં લગાવીને એ બહાર જમવા નીકળ્યો. એક નાનકડા ચાર રસ્તા પર વચ્ચે કાર ઉભી રાખીને પાનના ગલ્લે ત્રિરંગા પાનનો ફોટો પાડી ફેસબૂક પર અપલોડ કર્યો. સવારની પોસ્ટમાં થયેલા લાઇક અને કોમેન્ટો જોતા-જોતા ગલ્લાવાળાને પાન બાંધી આપવાનું કહ્યું. ચીંકીએ કોમેન્ટ કરી હતી,”Happy Independence Day!” એ ગૂંચવાઈ ગયો કે ૨૬ જાન્યુઆરી એટલે ’રિપબ્લિક ડે’ કે ’ઇન્ડિપેન્ડન્સ ડે’!? અચાનક એના એક કાને ગાળ સાંભળી. વચ્ચે પાર્ક કરેલી કારને લીધે ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
“કાકા, તમે જલ્દી પાન બાંધી દ્યો. આ સાલાવ @#$$%(@#@)(_!@) લોકોને દેશભક્તિ જેવું કાંઈ છે જ નહીં. ગોળીએ દઈ દેવા જોઈએ બધાયને લાઈનમાં ઉભા રાખીને. બે મિનિટ રાહ ન જોઈ શકે? આજે તો ત્રિરંગુ પાન ખાઈએને?”
“પૈસા પછી આપજો. જાવ તમારી ગાડી જલ્દી સાઇડમાં લઈ લ્યો. સાવ રસ્તા વચ્ચે પાર્ક કઇરી છે.”
“હા બાપા હા. જાંવ છું. તમે’ય ગઇઢા થઈ ગ્યા છો.”
બપોરના બારના ટકોરે
જમીને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જ સામેની ગલીમાંથી રાષ્ટ્રધ્વજ સાથે થોડા છોકરાઓનું એક સરઘસ આવતું દેખાયું. એ તરફ ઝડપથી દોડી જઈ, સરઘસની આગળ ઉભો રહીને એણે સેલ્ફી લઈ લીધી. વોટ્સએપ પર અલગ-અલગ ગ્રુપમાં મૂકીને એણે નિરાંતનો શ્વાસ લીધો.
સાંજે સાડા છ વાગ્યે ચાની કેન્ટિન પર ગરમાગરમ મસાલાવાળી ચાનો સબડકો બોલાવતા એણે એના ભાઈબંધને ફોન કર્યો. “ક્યાં છો?”
“ઘરે છું. પિંટુડાની રાહ જોવ છું. તું તો નથી આવવાનોને?”
“યાઆઆઆર… એટ…લે જ મેં ફોન કઇરો છે.”
“રહેવા દે નાટક તારા… મન હોય તો આવી જા છાનોમુનો.”
“હા. તો હું… સિગારેટ લેતો આવું છું અને જમવાનો ઓર્ડર આપી દઉં છું. અડધી કલાકમાં પહોંચી જાઈશ.”
ચાની છેલ્લી ચૂસ્કી ભરી એ પાન બંધાવવા પાનના ગલ્લે ગયો. પાનના ગલ્લે રેડિયો પર ‘વંદે માતરમ’ગીત વાગી રહ્યું હતું. પાન ચાવતા-ચાવતા એ પણ ગણગણ્યો પણ મો માં પાનનો રસ વધી જવાથી માત્ર ’વન ડે…’ બોલી શક્યો અને ’માતરમ’ મનમાં જ રહી ગયું.
’વંદે માતરમ’નું ’વન ડે માત્રમ’ થઈ ગયું… દેશભક્તિના પ્રદર્શનનો દિવસ અસ્ત થયો…
કુલદીપ લહેરુ