દુબઇથી અમદાવાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર બે તોફાની પેસેન્જરોએ ફ્લાઈટમાં હોબાળો મચાવ્યો હતો. એક પેસેન્જરે ટોઈલેટમાં સિગારેટ સળગાવી હતી જ્યારે બીજા સાથીએ દારૂ પીધેલી હાલતમાં મહિલા ક્રૂ સાથે ગેરવર્તણૂક કરી હતી. ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતા જ બંને પેસેન્જરો એરપોર્ટ પોલીસને સોંપાયા હતા. દુબઈથી અમદાવાદ આવતા ૧૫૦થી વધુ પેસેન્જરો આ બન્ને પેસેન્જરોના કારણે ૩ કલાક સુધી મુશ્કેલીમાં મુકાયા હતા. દુબઇથી અમદાવાદની ફ્લાઇટ ૫ઃ૦૦ કલાકે ટેકઑફ થયા બાદ તેમાં લાભસિંગ રેશમસિંગ અને કમલજીત રામ મેજરરામ (બન્ને રહે. ગામ મુધવાલ દેલમાં તા. કપુરસલા, ) બંને મુસાફરો સવાર હતા.
ફ્લાઈટ ટેકઑફ થયાની થોડીક ક્ષણોમાં એટલે કે ૩૦ હજાર ફૂટની ઊંચાઈ પર હતી. લાભ સિંગે સીટ પરથી ઉભા થઇ ટોઈલેટમાં જઇ સિગારેટ સળગાવતા ક્રૂ મેમ્બરને ગંધ આવતા તેને ડોર ખખડાવી બહાર કાઢ્યો હતો. આમ ફ્લાઈટમાં સવાર અન્ય મુસાફરોના જીવ જોખમમાં મુકવાનું કૃત્ય કર્યું હતું.
મુસાફરે કરેલા કારનામાનો રિપોર્ટ કેપ્ટનને કર્યો હતો. આ મામલો માંડ થાળે પડ્યો ત્યાં સાથી મુસાફર કમલજીતે દારૂ પીધેલી હાલતમાં બબડવાનું શરૂ કરી મહિલા ક્રૂ સાથે બીભત્સ વર્તન કરવાનું શરૂ કરી દેતા બોલાચાલી કરી હતી. ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોનું કડક ચેકિંગ કરાઈ રહ્યું છે. ત્યારે એક મહિલા પેસેન્જરના બુટમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ મળી આવી હતી. ૭ ઓક્ટોબરે ઈન્ડિગોની અમદાવાદથી પૂણે જવા લગેજ ચેકઈન કરાવી ફ્લાઈટમાં બેસે તે પહેલાં સીઆઈએસએફની મહિલા ઓફિસરે હેન્ડ મેટલ ડિટેક્ટરથી ચેક કરતા બુટમાંથી બીપ અવાજ આવતા તપાસ કરતાં તેની પાસેથી રૂ.૧૫૦૦ની એક ઈ-સિગારેટ પકડાઈ હતી. એરપોર્ટ પોલીસે તેની પૂછપરછ કરતાં તે ઉત્તરપ્રદેશની હોવાનું જણાવ્યું હતું.