ગુજરાતની જનતા અને તેના સમગ્ર વહીવટી તંત્રને
અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
-અનંત પટેલ
ત. ૧/૫/૧૯૬૦ના રોજ અગાઉના મુંબઇ રાજ્યમાંથી “ગુજરાત” રાજ્ય ગુજરાતી ભાષાના ધોરણે અલગ રાજ્ય સ્વરૂપે અસ્તિત્વમાં આવેલ છે. તે જ રીતે મરાઠી ભાષા આધારે મહારાષ્ટ્ર રાજ્ય પણ અમલમાં આવેલ છે. રાજ્ય સરકાર દર વર્ષે પહેલી મે ના દિવસને રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવે છે. ગુજરાતના સપૂત એવા શ્રી કનૈયાલાલ મુનશીએ સને ૧૯૩૭માં એક સાહિત્ય સભામાં સૌ પ્રથમ મહાગુજરાતનો ખ્યાલ રજુ કરેલ. ૧૯૪૭માં ભારતને સ્વત્રંતા મળ્યા પછી ગુજરાતી અને મરાઠી એમ બે ભાષાઓ ધરાવતા મુંબઇ રાજ્યની રચના થયેલ આ દ્વિભાષી રાજ્ય સામે ગુજરાતી લોકો અને મરાઠી લોકોએ અલગ અલગ રાજ્યોની માગણી સાથે આંદોલનો કરેલ હતાં જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓએ ૧૯૫૬માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરેલ અને ગુજરાતની અલગ રાજ્યની ચળવળ ચલાવેલ.
તા. ૧/૫/૨૦૧૯નો દિવસ રાજ્યનો ૫૯મો સ્થાપના દિવસ છે. ચાલો આજના દિવસે આપણે આપણા રાજ્ય વિષયક કેટલીક હકીકતો જાણીએ.
-રાજ્યનો કુલ વિસ્તાર ૧,૯૬,૦૨૪ કિ.મી. છે
– કુલ વસ્તી ૬,૦૩,૮૩,૬૨૮ છે. (૨૦૧૧ મુજબ )
– શિક્ષણનો દર ૭૯.૩૧ ટકા છે
– દરિયા કિનારો ૧૬૦૦ કિ. મી. છે.
– ૩૩ જીલ્લા છે.
– ૨૫૨ તાલુકા છે.
– ૧૮૨૨૫ ગામડાં છે.
– સરેરાશ વરસાદ ૯૩.૨ સે.મી. છે.
આ દિવસે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ અન્ય લોક કલ્યાણલક્ષી યોજનાઓની શરુઆત પણ થતી હોય છે. ગયા વર્ષે આ દિવસને રાજ્ય સરકારે ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવેલ હતો. ચાલુ સાલે કદાચ લોકસભા ચૂંટણીની આચાર સંહિતાના અમલને કારણે સરકાર દ્વારા કોઇ કાર્યક્રમો ન પણ યોજાય તેવું બની શકે છે.
ગુજરાતે દેશેને ઘણા સપૂતો આપેલા છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, હિતેન્દ્રભાઇ દેસાઇ, મોરારજીભાઇ દેસાઇ અને હાલના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમાં મુખ્ય છે. એ સિવાય ઘણા બધા સાહિત્યકરો, રાજવીઓ, કલાકારો ,રમતવીરો અને જવાનો પણ થઇ ગયા છે. આમ તો આ યાદી ઘણી મોટી બની શકે તેમ છે.
ગુજરાત તેના એશિયાઇ સિંહો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાત તેની ભાતીગળ સંસ્કૃતિ માટે ખાસ કરીને તેના પારંપારિક રાસ ગરબા અને આદિવાસી નૃત્યો માટે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. અત્યારે ગુજરાત રાજ્ય સમગ્ર ભારત દેશમાં ઘણી બાબતોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
આજના આપણા રાજ્યના સ્થાપના દિન નિમિત્તે;-
– ફરી એકવાર સમગ્ર રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવીએ,
– અને આગામી સમયમાં રાજ્ય વધુ ને વધુ સમૃધ્ધ અને સંપન્ન બને તેવી ઇશ્વરને પ્રાર્થના કરીએ,
– આપણે સૌ સંકલ્પ લઇએ કે અમે ગુણવંતી ગુજરાતને સદાયને માટે હરી ભરી જ રાખીશું.,
– નીતિમતાનાં ધોરણોને સદા અનુંસરીશુ,
– સ્વચ્છતા તેમ જ રાજ્ય કે કેન્દ્ર સરકારના લોક કલ્યાણના અન્ય કાર્યક્રમોમાં સાચા દિલથી સહકાર આપીશું.
જય જય ગરવી ગુજરાત. ભારત માતાકી જય.
- અનંત પટેલ