ધોરણ-૧૦-૧૨માંથી ઓએમઆર સીસ્ટમ નીકળી જવાની શકયતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાંથી હવે ઓએમઆર સિસ્ટમ નીકળી જવાની શક્યતા છે. એટલું જ નહી, ૨૦૧૯ની ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં સીબીએસઇ પેટર્ન અમલી બનાવવાની તજવીજ પણ હાથ ધરાઇ રહી છે.

વર્ષ ૨૦૧૯થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરી દેવાશે. તેથી વર્ષ ૨૦૧૯ની પરીક્ષામાં ધોરણ-૧૦ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે સીબીએસઇ પેટર્ન લાગુ પડશે. મુખ્ય વાત એ છે કે સીબીએસઇ પેટર્નથી લેવાતી બોર્ડની પરીક્ષામાં ઓએમઆર પ્રશ્નો હોતા નથી. તેથી જો સીબીએસઇ પેટર્ન લાગુ થાય ત્યારે પરીક્ષા પદ્ધતિ પણ બદલવી પડે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ પાસે આ બાબતે વિગતવાર પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે. શિક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં જ આ બાબતે નિર્ણય લેવાઇ જશે.

અત્યાર સુધી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ૫૦ માર્ક્સના ઓએમઆર પ્રશ્નો પુછાઇ રહ્યા છે અને ૫૦ માર્ક્સના વિસ્તૃત પ્રશ્નો પુછાય છે, પરંતુ હવે આવતા વર્ષથી ધોરણ-૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સીબીએસઇ પેટર્ન લાગુ પડશે, તેમાં ઓએમઆર સિસ્ટમ નથી. જેથી ૨૦૧૯થી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાંથી હવે ઓએમઆર સીસ્ટમ નીકળી જવાની શકયતાઓ બળવત્તર બની છે.

Share This Article