ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન , કાશ કાશ્મીરી પંડિતોને પરત લાવત, પરંતુ ફિલ્મે બધુ બર્બાદ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ તાજેતરમાં ખુબ ચર્ચામાં છે, અમુક લોકો તરફથી ફિલ્મની નિંદા કરવામાં આવી રહી છે.

નવી દિલ્હી: ધ કાશ્મીર ફાઈલ્સ’ પર સમગ્ર દેશમાં ભારે ચર્ચા થઈ રહી છે. ભાજપ શાસિત પ્રદેશોમાં આ ફિલ્મને ટેક્સમાંથી ફ્રી કરવામાં આવી છે. ત્યારે અનેક નેતાઓ અને બોલિવુડ કલાકારો ફિલ્મને લઈને વિવાદિત નિવેદનો કરી રહ્યા છે. હવે આ ફિલ્મ વિશે ઓમર અબ્દુલ્લાએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું છે કે, ફિલ્મમાં ઘણી હકીકતો એવી છે જે અલગ રીતે દર્શાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી કાશ્મીરી પંડિતોને પરત લાવત, પરંતુ આ ફિલ્મે બધુ બરબાદ કરી દીધું. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ તાજેતરમાં ખુબ ચર્ચામાં છે. દેશના અમુક લોકો તરફથી ફિલ્મની નિંદા કરવામાં આવી રહી છે. અમુક નેતા ફિલ્મના પક્ષમાં તો કેટલાક વિરોધમાં સતત નિવેદનબાજી કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું છે કે મેકર્સનું કહેવું છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. પરંતુ આ ફિલ્મમાં ઘણી ખોટી હકીકતો દેખાડવામાં આવી છે. ઉમરના મતે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે તે સમયે નેશનલ કોન્ફ્રેંસની સરકાર છે, જે સૌથી મોટું જુઠ્ઠાણું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તે સમયે રાજ્યપાલનું શાસન હતું અને કેન્દ્રમાં ત્યારે ભાજપાને સમર્થનવાળી વીપી સિંહની સરકાર હતી. ઓમર અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે, તે સમયે કાશ્મીરી પંડિતો સિવાય મુસલમાનો અને શિખો એ પણ પલાયન કર્યું હતું અને તેમનો પણ જીવ ગયો હતો. ઉમરે દાવો કર્યો છે કે ફિલ્મ મેકર્સ કાશ્મીરી પંડિતોની ઘાટીમાં વાપસી કરાવવા માંગતા નથી. દેશમાં ભાજપ શાસનવાળા રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ અને શિવસેનાના અમુક નેતાઓએ એક એજન્ડા ગણાવ્યો છે.

Share This Article