અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરમાં કારમાંથી ઓઇલ પડે છે તેમ કહી રોકડ રકમ અને કીમતી વસ્તુઓની ચોરી કરી લેતી ઓઇલ ગેંગનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે દિલ્હી-ચેન્નાઇના એક જ પરિવારના નવ સભ્યને વડોદરાથી ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધાયેલી હોઇ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ આગામી દિવસોમાં આરોપીઓની પૂછપરછ અને તપાસ હાથ ધરાય તેવી પૂરી શકયતા છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં કારમાંથી ઓઇલ પડે છે તેમ કહી ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આ પ્રકારની ચાર જેટલી ચોરીની ફરિયાદ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. રાજકોટમાં પણ આવા બનાવોને લઇ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી. દરમ્યાનમાં આવી ચોરીમાં પરપ્રાંતીય ઓઇલ ગેંગની સંડોવણી હોવાની અને આ ગેંગ વડોદરામાં હોવાની બાતમી મળતાં પોલીસે વડોદરાથી દિલ્હી અને ચેન્નઇના વિનોદ રાજેન્દ્ર સ્વામી, તનુજા માજીઅપ્પા, આર. મોઘન, વિષ્ણુ લીમુથ્થુ, અલમુત્તુ શ્રીનિવાસ અને ગીતા વ્યંક્ટેશ તેમજ ત્રણ બાળ આરોપી સહિત નવને ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછમાં એક જ પરિવારના નવ સભ્યની ગેંગ કારમાં એકસાથે જ કોઇ પણ શહેરમાં જતી હતી.
બેંક અને આંગડિયા પેઢી નજીક આંટાફેરા કરી નાણાં લઇને નીકળતી વ્યક્તિનો ટાર્ગેટ કરતી અને પીછો કરતી હતી. ગેંગનો એક શખ્સ પૈસા લઇને નીકળનાર શખ્સને અટકાવવાનો પ્રયાસ કરતો અને તેમાં સફળતા મળે ન તો બીજા શખ્સ પ્રયાસ કરતા અને ચોરી કરી શહેર છોડી દેતા હતા. આરોપીએ અમદાવાદ, વડોદરા, મુંબઇ, આણંદ અને સુરતમાં પણ ઉપરોક્ત પદ્ધતિથી જ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેને પગલે તપાસનો ધમધમાટ આગળ વધારાયો છે. બીજીબાજુ, અમદાવાદમાં પણ ઓઇલ ગેંગની મોડેલ ઓપરેન્ડીથી ચોરી અને ઠગાઇની ફરિયાદ નોંધાયેલી હોઇ આગામી દિવસોમાં શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા પણ ઉપરોકત આરોપીઓની પૂછપરછ અને તપાસ હાથ ધરાય તેવી પૂરી શકયતા સેવાઇ રહી છે. જેથી અમદાવાદમાં આચરાયેલા આ પ્રકારના ગુના પરત્વે કોઇ ઇનપુટ્સ કે મહત્વની માહિતી મળી શકે અને ગુનાનો ભેદ ઉકેલી શકાય.