અમદાવાદ: જો તમે સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા હો તો તેને પાસવર્ડ વડે લોક કરી રાખજો કારણ કે, જો તમારો ફોન ખોવાઇ જાય તો તેનો કોઇ વ્યક્તિ ઉપયોગ કરી સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિને બદનામ પણ કરી શકે છે અને તમારા ખોવાયેલા મોબાઇલનો સોશ્યલ મીડિયા મારફતે દૂરપયોગ કરી શકે છે. આવો જ એક કિસ્સો વાડજની મહિલા સાથે બનતાં સમગ્ર મામલો સાયબર ક્રાઇમબ્રાંચ સુધી પહોંચ્યો હતો.
ચોંકાવનારી વાત તો એ છે કે, મહિલાની દેરાણીના ભાઇના ખોવાયેલા મોબાઇલમાંથી કોઇ અજાણી વ્યક્તિએ ફોન માલિકના ફેસબુક આઇડી પરથી તેમના જ સંબંધીની ફેસબુક વોલ પર બીભત્સ ફોટા શેર કરી દીધા હતા. આ મામલે મહિલાએ સાઇબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શહેરના જૂના વાડજ વિસ્તારમાં નયનાબહેન તેના પરિવાર સાથે રહે છે. ગત તા.ર૭ ફેબ્રુઆરીના રોજ નયનાબહેનના ફેસબુકમાં તેમના દેરાણીના ભાઇ વિજયભાઇની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં તેણીએ એકસેપ્ટ કરી હતી. બીજા દિવસે રાત્રે ૧ર-૩૦ની આસપાસ નયનાબહેનનાં ભાણેજે ફોન કરી તમારા ફેસબુક પર બીભત્સ ફોટા મૂકી ગંદી કોમેન્ટ કરાઇ છે તેમ જણાવ્યું હતું. નયનાબહેને ફેસબુકમાં જોતાં તેમની દેરાણીના ભાઇના ફેસબુક આઇડી પરથી નયનાબહેન અને તેમની દીકરીના બિભત્સ ફોટા શેર કરેલા જોવા મળ્યા હતા. ઉપરાંત તેમની દેરાણી અને માસીની દીકરીના પણ બિભત્સ ફોટા ફેસબુકમાં શેર કરી ગંદી કોમેન્ટો કરી હોવાની જોવા મળી હતી. વિજયભાઇને આ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ૧૪ ફેબ્રુઆરીના રોજ મારો મોબાઇલ ગુમ થઇ ગયો છે. જેથી કોઇ અજાણી વ્યક્તિએ ખોવાયેલા ફોનમાંથી વિજયભાઇના ફેસબુક આઇડી પરથી તેમના જ સગાં-સંબંધીના બીભત્સ ફોટા નયનાબહેના ફેસબુક પર શેર કરી દીધા હતા.
આ અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ બનાવને પગલે સભ્યસમાજે પણ ચેતવણી લેવા જેવી છે કે, તમારા ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઇલ ફોનનો સોશ્યલ મીડિયામાં કેવી રીતે દૂરપયોગ થઇ શકે છે