અમદાવાદ : ટ્રાફિકના નિયમોના ભંગ કરવા બદલ ઈ-મેમો મેળવનાર વાહન ચાલકની માહિતી હવે આપોઆપ આરટીઓ તંત્રને મળી જશે. ટૂંક સમયમાં જ હાલમાં કાર્યરત વાહન ફોર સોફ્ટવેરમાં ટ્રાફિક વિભાગે ઇશ્યૂ કરેલા ઈ-મેમો ની વિગતો લિંક થઈ જશે. તેથી હવે ટ્રાફિક વિભાગે નહીં ભરેલા ઈ-મેમોની જાણ અલગથી આરટીઓને કરવી પડશે નહીં. આરટીઓ સત્તાવાળાઓ તેના સોફ્ટવેર દ્વારા જ જાણી લેશે કે ક્યાં વાહન ચાલકે ઈ-મેમોનો દંડ ભર્યો નથી.ખૂબ જ નજીકના દિવસોમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અપાતા ઈ-મેમો હવે આરટીઓનાં વાહન ફોર સોફ્ટવેર સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે. જેના કારણે ટ્રાફિક વિભાગની ઈ-મેમોને લગતી આરટીઓ સાથે લિંક અપની જવાબદારીનું ભારણ ઘટશે. ટ્રાફિક વિભાગે આ બાબતે આરટીઓમાં ફોલોઅપ કરવું પડશે નહીં. અત્યારે ટ્રાફિક પોલીસની કાર્યવાહીની નોંધ વાહન ફોર સોફ્ટવેરમાં અલગથી કરવી પડે છે તેમજ પોલીસને તેના પૈસા પણ અલગથી મળતા નથી.
સોમવારે ગાંધીનગર ખાતે રાજ્યના વાહનવ્યવહાર વિભાગની મળેલી એક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આ લિંક અપની કામગીરી ઝડપભેર પૂરી કરવામાં આવે તેવી સૂચના જે તે વિભાગને આપી દેવામાં આવી છે તેથી હવે ટ્રાફિકના નિયમન ભંગ બદલ ઈ-મેમો મેળવનાર વાહન ચાલક દંડ ભરવામાંથી છટકી શકશે નહીં એટલું જ નહીં પરંતુ આરટીઓમાં તેનાં વાહન સંબંધિત કોઈપણ કાર્યવાહી જેવી કે વાહનનું વેચાણ,વાહન ટ્રાન્સફર વગેરે કરી શકશે નહીં. વાહન ચાલકને ત્રણ વખત ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ-મેમો મળ્યો હશે તો મહિનાઓ પછી તેનું લાયસન્સ રદ કરવા સંબંધીત કામગીરી થશે નહીં. સોફ્ટવેર દ્વારા આરટીઓ પોતે જ જાણી લેશે અને જે તે વાહન માલિકને ત્રણ મેમો ઈશ્યૂ થયા સંબધિત ખુલાસો કરવા માટે રૂબરૂ બોલાવશે અને નક્કી કરશે કે જે તે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવું કે નહીં.
આગામી માસમાં આ નવી સિસ્ટમ કાર્યરત થઈ જશે. તેથી ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો હવે દંડ ભરવામાંથી છટકી શકશે નહીં. એક જ વાહન જો ટ્રાફિક નિયમ તોડતાં ત્રણ વાર પકડાય તો તેના ચાલકનું લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. તેવી જ રીતે હવે ભયજનક ગતિથી વાહન ચલાવવા બદલ પણ લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. વાહનના નંબર પર જ ઈ-મેમો જનરેટ થતો હોવાથી જો કોઈ જૂનું વાહન કોઈને વેચે છે તો તેને ખરીદનારના નામે ટ્રાન્સફર કરાવવું ખૂબ જ જરૂરી છે. આમ, આગામી દિવસોમાં તંત્ર સમગ્ર કવાયત ઝડપી અને અસરકારક બનાવવાની ફિરાકમાં છે. ઇ-મેમોને લઇને ફરીવાર નાગરિકો સાવધાન થઇ ગયા છે.