અમદાવાદ : હવે નાગરિકો કે વાહનચાલકોએ તેમના વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓની કચેરી સુધી લાંબા નહી થવું પડે. હવેથી આરટીઓના કર્મચારીઓ તમારા ઘરે આંગણે આવીને એચએસઆરપી નંબર પ્લેટ લગાવી જશે. આરટીઓ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, સરકારી વસાહતો કે પછી જાહેરસ્થળોએ કેમ્પો યોજીને આવી નંબર પ્લેટ્સ લગાવી આપશે. હાઇ સિકયોરિટી નંબર પ્લેટને લઇ સરકાર અને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરી હવે તેની અમલવારી આરટીઓ દ્વારા માન્ય એચએસઆરપી નંબર પ્લેટ તમારા આંગણે કે સોસાયટીએ આવી લગાવી જાય તે પહેલા નાગરિકોએ એક પ્રકિયામાંથી પસાર થવું પડશે. તેના માટે સોસાયટી કે વસાહતના સેક્રેટરીએ એક લેટર આરટીઓને મોકલવો પડશે.
ત્યારબાદમાં આરટીઓ કચેરી તરફથી નિયત સોસાયટી કે વસાહતને તારીખ આપવામાં આવશે. નિયત તારીખે જે તે સોસાયટીના વાહનોની જૂની નંબર પ્લેટ બદલીને નવી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ આરટીઓના કર્મચારીઓ લગાવી આપશે. આરટીઓ ઉપરથી થતી ભીડ અને વાહનના માલિકોનો સમય બચાવવા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે સોસાયટીઓ સરકારી વસાહતો, એપાર્ટમેન્ટમ્સ અથવા જાહેર સ્થળો પર યોજવામાં આવનાર કેમ્પમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ તરફથી નક્કી કરેલો ચાર્જ જ વસૂલ કરી શકાશે.
સુપ્રિમ કોર્ટના આદેશ આપ્યો છે તે પ્રમાણે દરેક વાહનમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. આ માટે આરટીઓ અથવા આરટીઓના અધિકૃત ડિલર્સને ત્યાં જઈને વાહનચાલકો પોતાની જૂની પ્લેટને બદલી શકે છે. તંત્રના આ મહત્વના નિર્ણયને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરના નાગરિકો કે વાહનચાલકોને બહુ મોટી રાહત થઇ છે. તંત્રના આ નવતર અને હકારાત્મક અભિગમને પગલે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર એચએસઆરપી લગાવવાની કામગીરી પણ ઝડપથી અને અસરકારક રીતે હવે પૂર્ણ થઇ શકશે તેવી આશા બંધાઇ છે.