રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવે વિભાગ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનમાં ૪૩૩ કિલોમીટરનું ઇલેક્ટ્રિકફિકેશનનું કામ પૂર્ણ થતાં જુલાઇ મહિનાથી તેનો સીધો ફાયદો મળવા જઇ રહ્યો છે. રેલવે વિભાગના કહેવા પ્રમાણે જુલાઇ મહિનાથી લાંબા અંતરની ૯ ટ્રેનો ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે.રાજકોટ રેલવે ડિવિઝનની ૯ લાંબા રૂટની ટ્રેનોમાં ઇલેક્ટ્રિક એન્જિન લગાવાવમાં આવશે. જેમાં દુરન્તો ટ્રેન જે હાપાથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડે છે, હમસફર ટ્રેન જે જામનગર અને બાંદ્રા વચ્ચે દોડે છે, આ ઉપરાંત જામનગરથી માતા વૈષ્ણોદેવી કટરા અને હાપાથી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે દોડતી ટ્રેનો સહિત ૯ ટ્રેનોમાં ઈલેક્ટ્રિક એન્જિન લગાવાવમાં આવશે. જેને લઈને સૌરાષ્ટ્રના મુસાફરોને ફાયદો થશે.અત્યાર સુધી અમદાવાદ સુધી ઇલેક્ટ્રિક લાઈન હતી. ત્યારે હવે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ઈલેક્ટ્રિક લાઈન રાજકોટ ડિવિઝનના ઓખા સુધી લંબાવવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનમાં ઈલેક્ટ્રિકફિકેશનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે હવે રાજકોટ ડિવિઝનમાં ડિઝલ એન્જિનને બદલે ૯ ટ્રેનોમાં ઈલેક્ટ્રિક એન્જિન લગાવાવમાં આવતા એન્જિન બદલવાનો સમય પણ ઘટશે. ડિઝલ એન્જિનની સરખામણીએ ઇલેક્ટ્રિક એન્જિન ધરાવતી ટ્રેનની ઝડપ વધુ હોવાથી લોકોની મુસાફરીનો સમય પણ બચશે.રાજકોટ રેલવે ડિવિઝનની ઓખા-ભાવનગર-ઓખા,હાપા-મુંબઈ સેન્ટ્રલ-હાપા(દુરન્તો),જામનગર-બાદ્રા જામનગર(હમસફર),જામનગર-વડોદરા-જામનગર,ઓખા-મુંબઈ સેન્ટ્રલ-ઓખા(સૌરાષ્ટ્ર મેઈલ),ઓખા-જગન્નાથપુરી-ઓખા,હાપા-માતા વૈષ્ણોદેવી કટરા-હાપા,જામનગર-માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર,ઓખા-ગોરખપુર-ઓખા આ ૯ ટ્રેનો ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશેરેલવે વિભાગ દ્વારા ઇલેક્ટ્રિકફિકેશનનું કામ પૂર્ણ થતાં સૌથી વધારે ફાયદો સૌરાષ્ટ્રના મુસાફરોને થવાનો છે. આ કામગીરીને કારણે લાંબા અંતરની ટ્રેનો જે અમદાવાદમાં ડિઝલ એન્જિનને કારણે એન્જિન બદલવામાં સમય જતો હતો તે સમય હવે બચી જશે. આ ઉપરાંત પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. આ સાથે રેલવે વિભાગના ખર્ચમાં પણ ૩૦ ટકા સુધીનો ફાયદો થશે. ઇલેક્ટ્રિક એન્જિન થવાને કારણે રાજકોટને લાંબા અંતરની ટ્રેનો મળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે આ કામગીરી આર્શિવાદરૂપ સાબિત થશે.