બિન સચિવાલય ક્લાર્ક-૩ની પરીક્ષાનું પેપરલીક થવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે ગઇકાલે છ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મહંમદ ફારૂક વહાબ કુરેશી અને લખવીન્દર સીધુ સહિતના આરોપીઓના નામો ખૂલતાં હવે પેપરલીક કૌભાંડમાં રાજકીય દંગલ જામ્યુ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ કૌભાંડમાં દોષનો ટોપલો એકબીજા પર ઢોળાઇ રહ્યો છે. ભાજપ એવો આરોપ લગાવી રહ્યું છે કે, આ સમગ્ર કૌભાંડમાં કોંગ્રેસના લોકો સંડોવાયેલા છે, જયારે કોંગ્રેસ ભાજપના આરોપોને ફગાવતાં આક્ષેપ લગાવી રહ્યું છે કે, આ કૌભાંડના ભાજપ સાથે સંકળાયેલા લોકો દ્વારા જ આચરાયું છે.
આમ, ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. બીજીબાજુ, એમએસ પબ્લીક સ્કૂલના ટ્રસ્ટીઓએ ખુલાસો કર્યો કે, સ્કૂલનો તમામ વહીવટ ફારૂક શેખ સંભાળતો હતો. દરમ્યાન ડીઇઓએ હવે એમએસ સ્કૂલ પાસેથી જરૂરી ખુલાસો પણ માંગ્યો છે. તો, આ કૌભાંડમાં પ્રવિણદાન ગઢવી ભગર્ભમાં ઉતરી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશી અને જયરાજસિંહ પરમારે આ કૌભાંડમાં પકડાયેલો આરોપ મહંમદ ફારૂક વહાબ કુરેશી(સંચાલક, એમએસ પબ્લીક સ્કૂલ, દાણીલીમડા) ભાજપ સાથે સંકળાયેલો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેની સાથે સાથે પ્રદેશ કોંગ્રેસે મહંમદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકી સાથેના ફોટોઝ પણ રીલીઝ કર્યા છે. જે પ્રકારે રજૂઆતો થઈ છે તેમાં ભાવનગર અને સુરેન્દ્રનગરની તપાસનું શું થયું, બાકીની ૩૮ ફરિયાદોનું શું થયું તેની કોઈ સ્પષ્ટતા નહી હોવા અંગે પણ કોંગ્રેસ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોંગી પ્રવકતાઓએ જણાવ્યું કે, ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ આક્ષેપ કર્યા છે કે, આમાં કોંગ્રેસના લોકો જોડાયેલા છે, તેમને કહેવા માગું છું કે, માત્ર અને માત્ર રાજકીય રંગ આપી કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છે. આરોપી પ્રવીણ ગઢવી ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
ભાજપના આગેવાનો અમારા પ્રતિષ્ઠિત એવા ડો.ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પર જે આક્ષેપો લગાવ્યા છે તેમનો માત્ર ફોટો જ આધાર બનાવી કોંગ્રેસ પર કાદવ ઉછાળવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તો હું એવા અનેક ફોટો રજૂ કરવાનો છું. ત્રણ સરકારી કર્મચારીઓ છે તેના માટે સરકાર કેટલી જવાબદાર છે તે સરકાર પર નિર્ભર છે. લખવિંદરસિંહ વિદ્યાર્થી નેતા છે અને વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થીના પ્રશ્નમાં સક્રિય હોય છે. મેં તો તેમનો મનસુખ માંડવીયા સાથે પણ ફોટો જોયો છે. કોઈ વ્યક્તિનો બચાવ નથી પણ તેનાથી ભાજપ કે કોંગ્રેસ જવાબદાર હોય તેમ નથી માનતા. ડો.મનીષ દોશીએ ઉમેર્યું કે, કોઈએ ખોટું કર્યું હોય તો તેની સામે પગલા લેવા જોઈએ. મહમંદ ફારૂક વહાબ કુરેશીની વિગત તપાસતા ભાજપના અમદાવાદ(પશ્ચિમ)ના સાંસદ ડો.કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે જોડવામાં આવ્યા અને સાંસદ જ તેમને આવકારતા જોવા મળે છે.
સંગઠન પર્વ ૨૦૧૯ના સદસ્યતા પર્વ અભિયાનના દાણીલીમડા વોર્ડમાં તા.૧૩ જુલાઈ,૨૦૧૯ના રોજ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મહંમદ કુરેશી ભાજપમાં જોડાયા હતા. પૂર્વ કોર્પોરેટર નરેશ વ્યાસના મહિલા સાથેના સંબંધોને લઈ માર મારવામાં આવ્યો હતો તેના મહંમદ કુરેશી સાથે નજીકના સંબંધો છે. જ્યારે લખવિંદરસિંહ સાથેના સંબંધો અંગે ડા.ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, એનએસયુઆઇના પૂર્વ પ્રમુખ હોવાને કારણે એનએસયુઆઇથી લઈ યુથ કોંગ્રેસ અને ભાજપના એબીવીપીના કાર્યકરો સાથે પણ મુલાકાત થતી હોય છે. જ્યારે કોઈ વિદ્યાર્થીને લગતા પ્રશ્નો હોય ત્યારે અમારી પાસે રજૂઆતો આવતી હોય છે. મેં સુરેન્દ્રનગરમાં બહાર આવેલી ગેરરીતિ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો અને આંદોલનકારીઓને પણ ટેકો આપ્યો છે. ૩૮ જેટલી ફરિયાદમાંથી એક ફરિયાદ સિલેક્ટ કરીને તેમાંથી એક આરોપીને કોંગ્રેસ સાથે સાંકડીને આરોપ મુકવામાં આવ્યો છે. ભાજપના અનેક આગેવાનો સાથે પણ તેના ફોટોઝ છે પણ તેની સાથે સંબંધ છે તેવું માની લેવાય નહી.