અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના જસદણ-વિંછીયા વિસ્તારના કનેસરામાં ૮૭ કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા છેવાડાના અંતિમ માનવી સુધી સુવિધાસભર પ્રાથમિક સેવાઓ પહોંચાડવાની રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી છે. વિજયભાઈ રૂપાણીએ જસદણ-વિંછીયાની અત્યાર સુધી કોંગ્રેસે કરેલી ઉપેક્ષા અને વિકાસ વિરોધી માનસિકતા પ્રત્યે નુક્તેચિની કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે દેશમાં આજે કોંગ્રસને કોઇ સાંભળવા કે સંભાળવા તૈયાર નથી, કોંગ્રેસ આજે ડુબતી નાવ છે. લોકોને પણ પ્રતીતિ થઇ ગઇ છે કે કોંગ્રસ ભરોસાને લાયક નથી એટલે જ આજે દેશ કોંગ્રેસમુકત થઇ રહયો છે.
તેમણે કહ્યું કે અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે આગળ વધી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ વિકાસનાં શિખરો સર કરી રહ્યો છે. મુખ્યમંત્રી એ જસદણ તાલુકાના કનેસરા ગામે જસદણ તથા વિછીંયા તાલુકાનાં માર્ગ અને મકાન, જળસંપત્તિ તથા પાણી પુરવઠા વિભાગનાં ૮૭ કરોડથી વધુના મૂલ્યના લોકવિકાસનાં કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહનું મંગલદિપ પ્રગટાવીને ઉદઘાટન કર્યુ હતું. મુખ્યમંત્રીએ જસદણ અને વિછીયાનાં વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારનાં કર્મઠ લોકસેવક અને મંત્રી કુંવરજી બાવળીયા અને ભરત બોધરાનાં સક્રિય પ્રયાસોથી આજે અનેક વિકાસકાર્યો અવિરત રીતે થઇ રહયાં છે અને જસદણ વિસ્તારની ટુંકાગાળામાં જ કાયાપલટ થશે તેમા કોઇ શંકા નથી.
સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકારે સંવેદના સાથે અનેકવિધ પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે જેમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની પ્રાથમિક સારવારનો ખર્ચ રાજય સરકાર આપી રહી છે, ગરીબ-દરિદ્રનારાયણ મૃતકની ઉતરક્રિયા માટે મૃતદેહ તેમનાં વતન-ગામ સુધી પહોંચાડવા માટે શબવાહિનીનો ખર્ચ રાજય સરકાર ઉપાડી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો થકી જરૂરિયાતમંદ લોકોનાં કામો કચેરીએ દોડધામ વગર ઘરઆંગણે પૂર્ણ થાય તેવી વ્યવસ્થા પણ કરી હોવાનું તેમણે જણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કરૂણા અભિયાન, ૧૦૮ એમ્બ્યુલન્સ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન જેવી પ્રજાલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવી ગરીબો, પીડિતો, વંચિતો, જરૂરિયાતમંદો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલી બનાવી છે.
આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં પાંચ લોકાર્પણ થયા હતાં. જેમાં ૧૪ કરોડનાં ખર્ચથી તૈયાર થયેલું વિછીંયા સેવા સદન, ૬ કરોડનાં ખર્ચે હિંગોળગઢ ખાતે તૈયાર થયેલું અશ્વ ઉછેર કેન્દ્ર, ૧૪ કરોડનાં ખર્ચે સંપન્ન થયેલું જસદણ-ભડલી-ગઢડા રોડનું વિસ્તૃતિકરણ તેમજ ૨૦ કરોડનાં ખર્ચે સંપન્ન્ થયેલ બાબરા થી કોટડાપીઠા પાઇપલાઇનનું અને ૧.પ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા ઘેલા સોમનાથ બ્રિજનું મુખ્યમંત્રીનાં હસ્તે ઈ-તકતીથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ કુલ ૩૩ કરોડનાં ખર્ચે નિમાર્ણ થનારા ચાર કામોનું ઈ-તકતીથી સમારોહનાં સ્થળેથી જ ખાતમુહૂર્ત કર્યુ હતું, જેમાં ૨૫ કરોડનાં ખર્ચે કમળાપુર-ભાડલા-ભંડારીયા-ભૂપગઢ રોડનું વિસ્તૃતિકરણ કાર્ય, પ.૦૨ કરોડનાં ખર્ચે કનેસરા-૨ સિંચાઇ યોજના, ૧.૧૨ કરોડનાં ખર્ચે સંપન્ન થવા જઇ રહેલા જસદણ તાલુકાનાં ભાડલા ગ્રૃપ હેઠળની પાઇપલાઇનનાં કામનું અને ૧.૯૦ કરોડનાં ખર્ચે સાકાર થનારા જસદણ તાલુકાનાં સાણથલી ગ્રુપની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતું.