અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકો માટે રોજિંદા માટેની સેવાઓ વિવિદ દાખલાઓ તથા અન્ય દસ્તાવેજા ઘરઆંગણે પુરા પાડવા માટે રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે જે સાચા અર્થમાં આશીર્વાદરુપ પુરવાર થઇ રહ્યો છે. આજે વિધાનસભા ખાતે અમરેલી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં અમરેલી જિલ્લામાં ૯૪ જેટલા સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ૫૫ જેટલી સેવાઓ આવરી લેવાઈ હતી. આ કાર્યક્રમોમાં ૧૫૦૬૧૧ જેટલી અરજીઓ આવી હતી તે પૈકી ૧૫૦૫૯૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
૨૧ અરજીઓ પડતર છે. આ કાર્યક્રમોમાં વિધવા સહાય, ક્રીમીલેયર સર્ટિફિકેટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જન્મમરણના દાખલા, લગ્ન નોંધણી, વિદ્યાર્થીઓને એસટી બસ કન્સેશન પાસ, મોબાઇલ, બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પ્રધાનમંત્રી જીવન વિમા યોજનાની સેવાઓ આપવામાં આવી છે. દરમિયાન સુરત શહેરની ગર રચના યોજનાઓમાં એફએસઆઈ વધારવા સંદર્ભે ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ની કલમ ૨૯-૧ હેઠળ સુરત શહેરની જુદ ીજુદી નગર રચના યોજનાઓમાં એફએસઆઈ વધારીને વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં ૨૨ દરખાસ્તો આવી હતી.
વર્ષ ૨૦૧૭-૧૮માં આવેલી આ ૨૨ દરખાસ્તોને મંજુરી આપવામાં આવી છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુરત એ ડાયમંડ સીટી છે અને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાને કારણે હિરાનો વેપાર સુરતના વેપારીઓએ મુંબઈ જઇને કરવો પડે છે. સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તો ઉદ્યોગ વધે અને સુરતનો વિકાસ વધુ ઝડપે થાય તેના માટે રાજ્ય સરકારે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.