નિત્યાનાં નવા નવા લગ્ન થયા હતા. હજી લગ્નને ચારેક મહીના થયા ત્યાં સાસુમાએ આપેલી જવાબદારીઓનો ભાર લાગવા લાગ્યો. એક દ્રષ્ટિએ જોઈએ તો વાત પણ સાચી છે કે હજી સાસરિયુ નવુ છે, અહીંના રીત રીવાજની પૂરી ખબર પણ નથી ત્યાં ઘરની તમામ જવાબદારી માથે કેવી રીતે લઈ શકાય?
વાત આખી એમ છે કે ગર્ભશ્રીમંત પરિવારની એકની એક દીકરી નિત્યા. તેના લગ્ન ત્રણ દિકરાવાળા સંયુક્ત કુટુંબમાં થયા. જ્યાં દાદા-દાદીથી લઈ નાના નાની સાથે કુલ બાર જણનો પરિવાર. માતા વગરની નિત્યાનાં પિતાએ દીકરીને વળાવતી વખતે તેનાં સાસુમાને હાથ જોડીને વિનંતી કરી હતી કે હવે તમામ જવાબદારી તમારા હાથમાં. સાસુમાએ આ વાતને ખુબ જ પોઝિટિવ રીતે લીધી. તેમણે ત્યારે જ નક્કી કરી લીધુ કે મારા ઘરની મોટી વહુ નિત્યા સો ટચનું સોનું બનશે.
પિતા અને સાસુમાની આ વાતથી અજાણ નિત્યાને જ્યારે કોઈ કામ સોંપવામાં આવે છે ત્યારે દુ:ખ લાગે છે. તેને એમ થાય છે કે હું આ ઘરમાં આવી તે પહેલા આ લોકો પોતાનાં તમામ કામ જાતે કરી જ લેતા હતા ને …તો હવે શું કામ મારા પર આધારિત રહે છે…! ઘરનું કરિયાણું શું ભરવુ, લાઈટ બિલ, ગેસનું બિલ, ચેનલનાં રીચાર્જ, દૂધવાળા, શાકભાજી જેવા તમામ ખર્ચાની જવાબદારી મારી એકલી પર કેમ? ઘરનાં અન્ય સભ્ય શું કરશે. કેમકે હું વહુ છું એટલે બધુ મારે જ કરવાનું…! તેણે તેનાં પતિને વાત કરી અને પતિદેવ માતાને કહેવા આવ્યા કે મમ્મી તું નિત્યા પર વધારે જ જવાબદારી નાંખી રહી છે. માતાએ હળવું સ્મિત આપ્યું. દિકરાને વહુની ચિંતા કરતાં જોઈ માતાને તેમનાં વચ્ચે હવે બોન્ડિંગ થઈ રહ્યું છે, તે જાણીને આનંદ થયો.
સાસુમાંએ બપોરે નિત્યાને પોતાના રૂમમાં બોલાવી. તેને કહ્યું કે આજે મારે તને એક વાર્તા કરવી છે. સાસુમાએ કહ્યું કે,’’હું જ્યારે ૨૨ વર્ષની હતી ત્યારે પરણીને આ ઘરમાં આવી હતી. ત્યારે મારી ત્રણ જેઠાણીઓ અને બે મોટી નણંદ હતી. લગ્નનાં ચાર મહીના થઈ ગયા તો પણ મારી પર કંઈ જ જવાબદારી નહોતી. દરેક કામ અને અન્ય જવાબદારી ઘરની અન્ય સ્ત્રીઓ વચ્ચે વહેંચાયેલી હતી. તેઓ પોતાનું કામ સરસ રીતે કરતાં હતા. હું ઘરમાં આવી એટલે મને એવું થયુ કે લાવ હું પણ ઘરનાં કામ કાજમાં કંઈક મદદ કરાવુ, પણ આ શું….. કોઈ પણ મને પોતાને મળેલા કામમાં મદદ કરવા નહોતા દેતા. આખો દિવસ હું તૈયાર ભાણે જમતી અને બેસી રહેતી.
મારા પિયરીયાએ તો એવુ કહેલુ કે સાસરિયામાં ખુબ કામ કરવુ પડશે, તો અહીં આવી અવળી ગંગા કેમ…એ હું સમજી ન શકી. મને રડવુ આવતુ હતુ…વાતને છ મહીના થઈ ગયા પણ હું ઘરનો હિસ્સો ન બની શકી…હોટલમાં રહેતી હોય તેવી ફિલિંગ્સ આવવા લાગી.”મેં એક દિવસ મારા સાસુને જઈને કીધુ…બા મારી સાથે આવું કેમ..? ત્યારે તેમણે મને કીધુ કે ભર્યાભાદરા ઘરમાં દરેકને પોતાનું વર્ચસ્વ જમાવવાની ઈચ્છા હોય. ઘરમાં તેનું વર્ચસ્વ જ રહે જેને ઘરની તમામ વસ્તુની ખબર હોય કે આ ઘરનાં શું રીત રીવાજ છે અને કેવી રીતે તેનું પાલન થાય છે. દરેક ઘરમાં પોતાના ડિસિપ્લિન અને લાઈફસ્ટાઈલ હોય છે.
જો તારે ઘરનાં અન્ય સભ્ય સાથે ભળી જવુ હોય તો સામેથી મિત્રતા કરી અન્ય સભ્યો પાસેથી ધીમે ધીમે કામ લેવું પડશે. આ ઘર હવે જેટલુ એ લોકોનું છે તેટલુ તારું પણ છે. તારા પોતાના ઘરમાં તારું સ્થાન તારે જાતે જ બનાવવું પડશે. એ વાત મેં એટલી માની લીધી કે આજે બા સમાજ માટેનાં તથા કુટુંબ માટેનાં તમામ નિર્ણય મને પુછીને જ લે છે.નિત્યા સમજી ગઈ…તેણે કહ્યું મમ્મીજી ..મારી બે દેરાણીઓ ઘરમાં આવે તે પહેલા હું બધુ જ શીખી જવા માંગુ છું. આજથી ઘરની તમામ ચિંતાઓ મારી.
-પ્રકૃતિ ઠાકર
(khabarpatri.com/author/prakruti/)