અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણની સમસ્યાને નાથવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા વધુ ૩૦૦ ઈલેકટ્રીક એસી મીડી બસોના કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે. આજે અમદાવાદ જનમાર્ગ લિમિેટેડની ૫૫મી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં વર્કઓર્ડરને મંજૂરી આપવામાં આવી હતી. માર્ચમાં ટેન્ડર પ્રક્રિયા કરીને ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ બસોની ડિલીવરી તબક્કાવાર માર્ચ-૨૦૨૦માં કરી દેવાશે અને એપ્રિલ-૨૦૨૦થી તે શહેરના માર્ગો પર ફુલફલેજ રીતે દોડતી થઇ જશે. અમદાવાદ શહેરમાં એએમટીએસ ૭૦૦ બસો અને બીઆરટીએસની ૨૫૫ બસોમાં અંદાજે ૮ લાખ લોકો રોજ મુસાફરી કરે છે.
ત્યારે પ્રદૂષણ મુક્તિ માટે અને ઈકો ફ્રેન્ડલી પરિવહન સેવા બનાવવા માટે શહેરની બીઆરટીએસ જનમાર્ગ માટે ૩૦૦ ઈલેકટ્રીક મીડી એસી બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર સપ્લાય, ઓપરેશન અને મેઈન્ટેન્ટસની ટેન્ડર પ્રક્રિયા બાદ ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ બસોની ડિલિવરી તબક્કાવાર માર્ચ ૨૦૨૦ બાદ કરાશે. માર્ચમાં શરૂ કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં ૪ કંપનીઓએ રસ દાખવ્યો હતો. જેમાં વિવેક ટ્રાવેલ્સ પ્રા.લી. અને જેબીએમ ઓટોનું જોઈન્ટ વેન્ચર નેગોસીએશન કર્યા બાદ રૂ. ૫૪.૯૦ પ્રતિ કિમીના ભાવે એલ-૧ આવેલી છે. ટેન્ડરની શરતો મુજબ ૩૦૦ પૈકી ૧૮૦ બસોને તેમજ તેજ ભાવથી એલ-૨ આવેલી ટાટા મોટર્સ લિમિટેડને ૧૨૦ બસો ચલાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફાસ્ટર અપડેશન એન્ડ મેન્યુફેકચરર ઓફ ઈલેકટ્રીક વ્હીકલ સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ જનમાર્ગ લી. ને સબસિડી મળશે.
જાહેર પરિવહન સુવિધા આપતી સંસ્થાઓને ઈકો-ફ્રેન્ડલી વ્હીકલ પ્રમોટ કરવા માટે કેન્દ્ર સરકારે આ સ્કીમ લાગુ કરી છે. તેના અંતર્ગત આગામી ૧૦ વર્ષ દરમિયાન અમદાવાદ જનમાર્ગ લી.ને પ્રતિ બસ રૂ. ૪૫ લાખ સબસિડી મળશે.
આવનાર સમયમાં ૬૫૦ ઈલેકટ્રીક મીડી એસી બસો બીરઆરટીએસ માર્ગો પર દોડશે. હાલ અશોક લેલેન્ડ લી.એ ઈ-ટેન્ડર પ્રક્રિયામાં ૫૦ ઈલેકટ્રીક બસોના સપ્લાય, ઓપરેશન અને મેઈનટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયેલો છે. તે પૈકી સ્વેપ ટેક્નોલોજી ધરાવતી ૧૮ બસો ડિલીવરી થઈ ગઈ છે. ૧૩ બસો હાલ માર્ગો પર દોડી રહી છે અને ફાસ્ટ ચાર્જિંગ પ્રકારની ૨૫ બસોની ડિલિવરી મળેલી છે. ડિસેમ્બરના અંતમાં તમામ નવી ઇલેકટ્રીક બસો દોડતી થઈ જશે. ઇલેકટ્રીક બસો શહેર માર્ગો પર દોડવાના કારણે પ્રદૂષણની સમસ્યામાંથી નિશંકપણે ઘણી રાહત તો થશે.