અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચે આજે એક સફળ ઓપરેશનમાં અમદાવાદ એરપોર્ટ પરથી નેપાળી યુવતીઓને દેહવેપાર માટે અખાતી અને આફ્રિકન દેશોમાં મોકલવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ચોક્કસ ઇનપુટ્સના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડયું હતુ અને આ સમગ્ર કૌભાંડમાં હાલના તબક્કે બે એજન્ટોની ધરપકડ કરી હતી. સાથે સાથે કેટલીક યુવતીઓને પોલીસે બચાવી લીધી હતી. ક્રાઇમબ્રાંચે આ બંને એજન્ટોની ધરપકડ બાદ સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની અને હજુ વધુ ધરપકડો થવાની શકયતા પ્રવર્તી રહી છે. નેપાળી યુવતીઓને અહીંથી અખાતી દેશો અને આફ્રિકન દેશોમાં મોકલવાના સમગ્ર કૌભાંડમાં અત્યારસુધીમાં સંખ્યાબંધ યુવતીઓને દેહવેપાર માટે મોકલાઈ હોવાની પોલીસને આશંકા છે.
આ યુવતીઓને ડાન્સીંગના બહાને અખાતી દેશોમાં વેચી નાખવાની પેરવી થતી હોવાની તપાસ એજન્સીને શંકા જતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ યુવતીઓને નેપાળની એમ્બસીના વિઝિટર તરીકેના બોગસ એનઓસી સર્ટિિફકેટ બનાવી મોકલાતી હોવાનુ પણ સામે આવ્યું છે. આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય હોવાની શંકાના આધારે વિદેશ મંત્રાલયને પણ પોલીસ ટૂંક સમયમાં જાણ કરશે તેવુ જાણવા મળી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ પાસેથી ઝડપેલા એજન્ટની રામુ પ્રજાપતિ (રહે. બાલાજી અગોરા રેસિડન્સી, ગાંધીનગર હાઈવે) અને અસરાર અહેમદ અંસારી (રહે.મુંબઈ) તરીકે ઓળખ કરી તેઓને ઝડપી લેવાયા હતા. જ્યારે તેમની મદદથી જઈ રહેલી પાંચ નેપાળી યુવતીઓ પાસેથી ભારત ખાતેની નેપાળ એમ્બસીના વિઝિટર તરીકેના એનઓસી લેટર કબ્જે કર્યા હતા. પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, પાંચેય યુવતીના બોગસ એનઓસી લેટર મૂળ ભારતના બિહારના રહેવાસી અને હાલમાં દુબઈમાં બે ક્લબ ચલાવતા ગોપાલ શેલાનીએ મોકલી આપ્યા હતા અને તેની જ ક્લબમાં આ યુવતીઓને મોકલવાની હતી.
પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે, આ એજન્ટો અગાઉ નેપાળની બે યુવતીને બોગસ એનઓસીના આધારે તા.૩ અને ૯ ડિસેમ્બરના રોજ આફ્રિકાના યુગાન્ડા અને મલાવી શહેરમાં મોકલી ચૂક્યા છે. જ્યારે આ પાંચ યુવતીના વિઝા અને એર ટિકિટ વિદેશમાં રહેતા લોકો પાસેથી મંગાવી અને બોગસ એનઓસી લેટરના આધારે વિદેશ મોકલવાના હતા. આ કૌભાંડમાં અમદાવાદ એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગના કર્મીઓની પણ સંડોવણી હોવાની ઇમિગ્રેશન વિભાગના કર્મચારીઓ ગોપાલ શેલાની સાથે સંબંધ ધરાવતા હોવાનું મનાઇ રહ્યું છે. એરપોર્ટ પર યુવતીઓને એનઓસી સાથે જે કાઉન્ટર પર મોકલવાનું કહે તેના પર રામુ પ્રજાપતિ આ યુવતીઓને મોકલી આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન બંને એજન્ટો એવું રટણ કરી રહ્યા છે કે, આ તમામ યુવતીઓને સ્વેચ્છાએ જ ધંધાકીય હેતુ માટે વિદેશ મોકલવામાં આવી રહી હતી. જા કે, પોલીસને એજન્ટોની વાત ગળે ઉતરતી નથી અને તેથી સમગ્ર કૌભાંડમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.