અમદાવાદ: ખાનગી શાળા સંચાલકોએ હવે નવરાત્રી વેકેશનના મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહી, શાળાનું રજિસ્ટ્રેશન રદ કરો, જેલમાં નાખો, જે કરવું હોય તે કરો એવાં ઉચ્ચારણો સાથે સ્વનિર્ભર શાળા સંચાલકો સરકાર સામે જાણે લડી લેવાનું હોય એમ મક્કમતા સાથે મેદાને પડ્યા છે. બીજી તરફ સરકારે પણ વેકેશન નહીં આપતી શાળાને રૂ.૧ લાખ સુધીનો દંડ કરવાની ચીમકી આપી છે. જેને લઇ હવે નવરાત્રિ વેકેશનનો સમગ્ર મામલો ગરમાયો છે. ખાનગી શાળા સંચાલકોએ તો આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
તા.૧૯મી ઓકટોબરથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. સીબીએસઇ સહિતની અન્ય બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશન મુદ્દે ખાનગી શાળા સંચાલકો રોષે ભરાયા છે. રાજયના ખાનગી શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની તૈયારી કરી લીધી છે. સરકારે નવરાત્રી વેકેશન જાહેર કર્યા બાદ રોજ નવા નવા વિવાદ ઊભા થઇ રહ્યા છે. સરકારે સીબીએસઇ અને અન્ય બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશન મરજિયાત કર્યા પછી વિવાદ વધુ વકર્યો છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે સરકાર નવરાત્રીનું વેકેશન પાછું નહીં ખેંચે તો અમે હાઇકોર્ટનો સહારો લઇશું. વિવાદોની વચ્ચે અમદાવાદની કેટલીક શાળાઓએ નવરાત્રી વેકેશનની જાહેરાત કરી દીધી છે. સરકારની ગ્રાન્ટ પર ચાલતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ વેકેશનનું પરિપત્રનું પાલન ફર્જિયાત કરવું પડશે, પરંતુ તે બાબતે છુપો રોષ અને નારાજગી બહાર આવી રહ્યા છે. નામ ના આપવાની શરતે કેટલાક શાળા સંચાલકોએ ગ્રાન્ટમાંથી લાખ રૂપિયાનો દંડ કપાઇ જાય તો પણ સ્વીકારવાની તૈયારી કરી લીધી છે. આ તમામ વિવાદો વચ્ચે વાલીઓમાં અવઢવ છે કે ખરેખર શું થશે. તો હવે સરકાર પણ જા ખાનગી શાળા સંચાલકો હાઇકોર્ટમાં જાય તો શું કરવું તેની રણનીતિ તૈયાર કરી રહી છે.