અમદાવાદ : શહેર સહિત દેશભરમાં નવરાત્રીના તહેવારનો તહેવાર જામ્યો છે. નવરાત્રી પર મોટી સંખ્યામાં યુવતીઓ પર ગરબા રમવા જાય છે. ત્યારે ગરબે રમતી મહિલાઓની છેડતીના છેલ્લા ચાર દિવસમાં સામે આવ્યા હતા. ગરબા રમતી યુવતીઓની છેડતી કરતાં ૫૦ રોમિયોને પોલીસે તૈયાર કરેલી મહિલા કર્મીઓની સ્પેશિયલ સ્કવોડ ઝડપ્યા હતા અને તેઓને જેલભેગા કર્યા હતા. શહેરમાંથી યુવતીઓ ગરબે ઘુમવા મોડી રાત સુધી ઘર બહાર પાર્ટી પ્લોટમાં જાય છે. વિવિધ વિસ્તારોમાંથી આવતી યુવતીઓની સુરક્ષાને લઇને તેમના પરિવારજનોમાં સતત ચિંતા સતાવતી હોય છે. આ દરમિયાન જો કોઇ યુવતી સાથે છેડતીનો બનાવ બને તો તે ઘરે કેમ પહોંચશે તે મુદ્દે આખા રસ્તો ચિંતા હોય છે.
પરિવારજનોની ચિંતાના કારણે તેમજ રોડ છાપ રોમિયોને સબક શીખવવા માટે શહેર પોલીસે ખાસ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી છે. મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમે છે અને કોઇ પણ યુવતીની મશ્કરી કે શારીરીક છેડછાડ કરનાર લોકોનો તરત જ શોધીને તેને લોકપમાં ધકેલી દેવાની તૈયારીઓ કરી દે છે.અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં પોલીસે ૫૦થી વધુ રોમિયોને પકડીને સબક શીખવાડી દીધા છે. અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચના ડીસીપી પન્ના મોમાયા તેમજ શહેરના સેક્ટર-૨ અને ઝોન-૪ સ્કવોડે શહેરમાં રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતી યુવતીઓની સુરક્ષા તેમજ ગરબાના સ્થળે યુવતીઓની થતી મશ્કરીના કારણે ખાસ સ્ક્વોડ બનાવ્યા છે.
આ સ્ક્વોડમાં ખાસ સિલેક્ટ કરેલી મહિલા પોલીસકર્મચારીઓ અને અધિકારીઓને દિલફેંક રોમિયોને કઇ રીતે સબક શીખવવો તેની ટ્રેનિંગ આપી હતી. ઝોન-૪ના ડીસીપી નિરજ બડગુજરે ગઇકાલે તમામ મહિલા પોલીસ કર્મચારીઓને ગરબાના સ્થળોએ ટ્રેડીશનલ ડ્રેસમાં જઇને રોમિયોગીરી કરતા લોકોને દબોચી લેવા માટે સુચના આપી હતી. બીજી તરફ ડીસીપી પન્ના મોમાયાએ પણ તેમના સ્ક્વોડમાં ખાસ મહિલા કર્મચારીઓને કડક કાર્યવાહી કરવાની સાથે ગરબાની અંદર જઇને ખેલૈયાઓ સાથે મળીને કોઇ અસામાજીક કે ટપોરી જેવા લોકોને તાત્કાલિક અસરથી પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેના આધારે સ્પેશ્યલ સ્કવોડ દ્વારા યુવતીઓ, મહિલાઓની છેડતી કરતાં રોમીયો-ટપોરીઓ વિરૂધ્ધ સપાટો બોલાવવામાં આવ્યો હતો.