જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ અને યુવા પેઢી દ્વારા રાહ જોવામાં આવી રહી છે તે નવરાત્રી અથવા તો નવરાત્રની શરૂઆત ૨૯મી સપ્ટેમ્બરના દિવસથી થઇ રહી છે. નવરાત્રીની ઉજવણી ૨૯મીથી શરૂ કરવામાં આવ્યા બાદ સાતમી ઓક્ટોબર સુધી ચાલનાર છે. આને લઇને યુવા પેઢી છેલ્લા કેટલાક દિવસથી તૈયારીમાં વ્યસ્ત છે. જુદી જુદી જગ્યાએ ડાન્સ ક્લાસ ચાલી રહ્યા છે. નવરાત્રી એક હિન્દુ ઉત્સવ તરીકે છે. જેમાં શક્તિની પુજા અને ગરબા કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રીનુ ખાસ મહત્વ હોય છે.
અહીં નવરાત્રી દરમિયાન જોરદાર ધુમ રહે છે. ખેલૈયા તમામ પ્રકારની તૈયારીમાં વ્યસ્ત છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી -નવ એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો અર્થ થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ દેવીના જુદા જુદા નવ સ્વરૂપની પુજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લોકો વ્રત રાખે છે. ઘટ સ્થાપન કરે છે. પુજન કરે છે. હિન્દુઓ નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપના કરે છે અને દેવીનુ આહવાન અને પુજન કરે છે. આ પુજન ત્યારબાદ નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો તો નવરાત્રમાં વ્રત કરે છે. ઘટસ્થાપન કરનાર લોકો કુમારી ભોજન પણ કરાવે છે. જેમાં નાની બાળકીઓને ભોજન કરાવવામાં આવે છે. વર્ષમાં ચાર વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
જેમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી સામેલ છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા અંબાની સ્થાપના ઘરમાં કરવામાં આવે છે. ઉત્તમ ફળ કઈ રીતે મળે તે માટે પણ પુજારીઓ દ્વારા ધાર્મિક વિધી કરવામાં આવતી હોય છે. માતા અંબાની પૂજા આ નવ દિવસ દરમિયાન કરવામાં આવે છે. આ વખતે નવરાત્રી ઉત્સવ દરમિયાન કેટલાક થીમ પણ વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.બીજી બાજુ તમામ મોટા માતાજીના ધાર્મિક સ્થળો પર વિશેશ પુજા અને અન્ય કાર્યક્રમો શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવે છે. જેથી ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે.જેમાં અંબાજી અને અન્ય તમામ સ્થળોનો સમાવેશ થાય છે. વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ આ વધી જાય છે. માતાજીની વિશેષ આરતી કરવામાં આવનાર છે. આ વખતે સોસાયટીમાં શેરી ગરબાને ફરી એકવાર પ્રોત્સાહન મળી રહ્યુ છે. જેના કારણે સોસાયટીમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. માતા પિતા પણ બાળકો તેમની હાજરીમાં જ પોતાના વિસ્તારમાં ગરબા રમે તેવી આશા હમેંશા રાખે છે. આ ઇચ્છા આ વખતે તેમની પૂર્ણ થઇ થઇ રહી છે. માત્ર ગુજરાતમાં જ નહીં બલ્કે અન્ય રાજ્યોમાં પણ માતાજીની ખાસ રીતે પુજા કરવામાં આવે છે.
ઘરમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. હવે ગરબા અને ડાંડિયા રાસના રંગ ચારે બાજુ વિખેરાઇ રહ્યા છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે જુદી જુદી જગ્યાએ ગરબા નૃત્ય અને ડાંડિયા રાસનુ આયોજન કરવામાં આવે છે. રાસ અને ડાંડિયાની ધુમ હવે રહેશે. ખુબસુરત પારંપરિક પૌષાક અને ડાંડિયાની રમઝટ તમામનુ ધ્યાન ખેંચશે. ડાન્સને માતાની સાધનાના એક માર્ગ તરીકે ગણવામાં આવે છે. નવરાત્રિમાં નવ દિવસમાં માતાને પ્રસન્ન કરવા માટે ઉપાય તરીકે નૃત્યને જાવામાં આવે છે. ગરબાના અર્થ તરીકે જાવામાં આવે તો ગરબાના શાબ્દિક અર્થ ગર્ભ દ્ધિપ છે. ગર્ભ દીપને સ્ત્રીના ગર્ભના સૃજન શક્તિના પ્રતિક તરીકે ગણાય છે. શરદ નવરાત્રીને ખાસ મહત્વ આપવામાં આવે છે. તેને મહા નવરાત્રી તરીકે પણ કહેવામાં આવે છે. તેને શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપની પુજા કરવામાં આવે છે. જેમાં દુર્ગા, ભદ્રકાળી, અંબા કે જગદંબા, વિશ્વમાતા, અન્નપુર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચન્દ્રિકા અથવા તો ચંડી, ભવાની અને મોકામ્બિકાનો સમાવેશ થાય છે. ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રી, અને ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. શરદ નવરાત્રી ઉત્સવ તરીકે પ્રચલિત છે. શરદ નવરાત્રીની પુર્ણાહુતિ દશેરાના દિવસે અથવા તો દુર્ગા પુજા સાથે થાય છે. હિમાચલ પ્રદેશમાં ફુલનો દશેરો ખુબ લોકપ્રિય છે. પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને બંગાળમાં ખાસ રીતે ઉજવવામાં આવે છે. રાજ્યમાં આ ઉત્સવને સૌથી મોટા ઉત્સવ તરીકે ગણવામાં આવે છે. જેના ભાગરૂપે દુર્ગા દેવીની સુન્દર નક્શીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મુર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. જે મહિસાસુર રાક્ષસનો વધ કરતી નજરે પડે છે. ગોવામાં નવરાત્રી દરમિયાન જાત્રાની શરૂઆત થાય છે. કેરળમાં શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઉજવણી કરવામાં આવે છે.