રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ-અલગ હોય છે. પ્રવાસન દિવસ ન માત્ર દેશવાસીઓ જ માટે પરંતુ વિદેશના દેશોને પણ ભારતના પ્રવાસન સ્થળોની વિશેષતાઓથી પરિચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ અવસરે ભારતના સુંદર પર્યટન સ્થળોનો દેશ-વિદેશમાં પ્રચાર કરવામાં આવે છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થાય છે અને ભારતનું નામ દુનિયાભરમાં ફેલાય છે.
ભારત દેશના મધ્યપ્રદેશ રાજ્યમાં 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક ઓમકારશ્વેર જ્યોતિર્લિંગ છે, આ સ્થળ પર સતત પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. સરકાર દ્વારા પણ અહીં વિવિધ પ્રોજેક્ટો ચાલુ કરવામાં આવ્યાં છે જેનાથી પ્રવાસનને વેગ મળ્યો છે. ગત વર્ષે અંદાજે 24 લાખ લોકોએ ઓમકારેશ્વરની મુલાકાત લીધી છે. જ્યોતિર્લિંગ સાથે અહીં શ્રી આદિ શંકરાચાર્યની 108 ફુટ ઉંચી પ્રતિમાનું પણ વર્ષ 2023માં અનાવરણ કરવામાં આવ્યું છે. આ બાદથી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
ઓમકારેશ્વર ખાતે મહાકાલ લોક(કોરિડોર) જેમ જ એક કોરિડોરનું કામ ચાલુ છે. આ કોરિડોરનું નામ એકાત્મ ધામ રાખવામાં આવ્યું છે. આ કોરિડોરનું કામ વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે, અને ત્યાર બાદ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે. આ કોરિડોરમાં શંકર સંગ્રહાલયમાં આચાર્ય શંકરના જીવન દર્શન અને સનાતન ધર્મ વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવશે. લેસર લાઇટ્સ, વોટર સાઉન્ડ શો, આચાર્ય શંકરના જીવન પરની ફિલ્મ, સૃષ્ટિ નામનું અદ્વૈત અર્થઘટન કેન્દ્ર, અદ્વૈત નર્મદા વિહાર પણ અહીં આકર્ષણનું કેન્દ્ર રહેશે. આચાર્ય શંકર ઇન્ટરનેશનલ અદ્વૈત વેદાંત સંસ્થા હેઠળ ફિલસૂફી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કલા પર ધ્યાન કેન્દ્રિત કરતા ચાર સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત, એક પુસ્તકાલય, વિસ્તરણ કેન્દ્ર અને પરંપરાગત ગુરુકુળ પણ હશે.
પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મુખ્ય સચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે, “મધ્યપ્રદેશ એક ઑફબીટ મલ્ટિસ્પેશિયાલિટી ડેસ્ટિનેશન છે અને તમામ પ્રવાસીઓને તેમની રુચિઓના આધારે અનન્ય અને યાદગાર પ્રવાસન અનુભવો પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. . મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ પ્રવાસન અનુભવને વધારવા માટે સાહસિક પ્રવૃત્તિઓ, ઊંડાણપૂર્વકની મુસાફરીની તકો, સલામત મુસાફરી વિકલ્પો અને ઇકો-ટુરિઝમ પહેલ જેવી દૂરંદેશી નવીનતાઓ લઈને આવી રહ્યું છે. અતુલ્ય ભારતનું હૃદય આકર્ષક સ્થાપત્ય, પરંપરાગત રિવાજોનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે. ટૂંકમાં, તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સ્થળોએથી આવતા મુલાકાતીઓ માટે એક-સ્ટોપ શોપ પૂરી પાડે છે.”
આદિ શંકરાચાર્યની 108 ફુટ ઉંચી પ્રતિમા : મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં ‘એકાત્મ ધામ’ કામ પૂરજોશ ચાલી રહ્યું છે. અહીં આદિ ગુરુ શંકરાચાર્યની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા બાળ સ્વરૂપે છે. આ સમગ્ર કાર્યમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ વનનેસ કહેવાય છે, જે આધ્યાત્મિક જ્ઞાનનું એક ઉત્કૃષ્ટ સ્મારક છે. આ પ્રતિમા ૫૪ ફૂટ ઊંચા શિખર પર છે, જે ૨૭ ફૂટ ઊંચા કમળની પાંખડીના પાયા દ્વારા સપોર્ટેડ છે, જે તેને જોવાલાયક દૃશ્ય બનાવે છે. વર્ષ 2024માં 24 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. મધ્યપ્રદેશમાં વર્ષ 2024માં 13 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અંદાજે 24 લાખ લોકોએ ઓમકારેશ્વરની મુલાકાતે આવ્યાં હતાં.