ગુજરાતમાં નેશનલ ગેમ્સ યોજવા પર વડોદરામાં ઉજવણી કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

૨૦૧૫માં કેરળમાં ૩૫ મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયો તે પછી કોરોના સહિતના વિવિધ કારણોસર તેનું આયોજન થઈ શક્યું ન હતું. હવે ૨૦૨૨ માં તે રમાશે જેના માટે વિવિધ રાજ્યોની દાવેદારી વચ્ચે ગુજરાતને આ પ્રતિષ્ઠિત રમતોત્સવ યોજવાની ખૂબ મોટી જવાબદારી મળી છે. વડોદરાના વાઘોડિયા રોડ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ખાતે શહેરના ખેલાડીઓ, વિવિધ રમત મંડળોના પ્રતિનિધિઓ અને સ્પોર્ટ્‌સ કોચીસ એ સાથે મળીને નેશનલ ગેમ્સના આયોજનને આવકારતી ઉજવણી કરી હતી. વેલકમ ટુ ૩૬ નેશનલ ગેમ્સ – ટુ ગુજરાત/ વડોદરાના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. વડોદરામાં આ રાષ્ટ્રીય કક્ષાના ખેલ મહાકુંભ જેવા આયોજનથી સ્થાનિક ખેલાડીઓને દેશના નીવડેલા ખેલાડીઓના રમત કૌશલ્યો જોવા અને શીખવાની તક મળશે અને એક નવા જોશનું સિંચન થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

નેશનલ ગેમ્સના આયોજનની ઘણી મોટી જવાબદારી ગુજરાતે સ્વીકારી છે ત્યારે સૌ સાથે મળીને તેને સફળ બનાવીએ.તેના પગલે રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય મહત્વના રમતોત્સવના રાજ્યમાં આયોજનના દ્વાર ખુલશે તેવો આશાવાદ પણ ખેલાડીઓએ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત ખેલપ્રેમીઓએ રાજ્યને યજમાન પદ લેવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન આપ્યા હતા.વડોદરાના જિલ્લા સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ખાતે ખેલાડીઓ, કોચિસ અને વિવિધ સ્પોર્ટ્‌સ ફેડરેશનોના પ્રયાસથી રાજ્યમાં પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રયાસો અને ગુજરાતમાં ઉપલબ્ધ રમત ગમતની સુવિધાઓના પગલે ૩૬ મી નેશનલ ગેમ્સ હવે રાજ્યના ૬ શહેરોમાં રમાવાની છે.

Share This Article