ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ

KhabarPatri News
By KhabarPatri News 8 Min Read

* દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલી-આપત્તિ વ્યવસ્થાપન કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓની સહભાગીતા
* સેન્ટર ઓફ એક્સેલન્સ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU થયા
* વિચરતી જાતિઓના પરિવારોને સ્વામિત્વ કાર્ડ – સુરક્ષા કીટ અને રહેણાંક પ્લોટના સનદનું વિતરણ

::મુખ્યમંત્રી::

* જમીન આપણી સભ્યતાનો આધાર – અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ અને ખેડુતોની આજીવિકા તથા ઉદ્યોગ-વેપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ છે.

* મહેસુલની જટિલ અને ગુંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અભિગમથી સરળ બનાવવા પારદર્શી અને વિશ્વસનીય પ્રશાસન માટે I-ORA તથા gARVi ૨.૦ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પરિણામકારી બન્યા છે.

* ગુજરાતે  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ૨૦૦૫માં ઈ-ધરા યોજનાથી ખેડૂતોની જમીનના રેકોર્ડ્સ ડિજિટાઈઝ્ડ કરવાની આગવી પહેલ કરી.

* વાવઝોડા – વરસાદ – ચક્રવાત જેવી કુદરતી આપદાઓનો સામનો ઝિરો કેઝ્યુઆલિટીથી કરવાની ક્ષમતા ગુજરાતમાં વિકસી છે.

* વડાપ્રધાનની વિઝનરી લિડરશીપમાં સિટીઝન સેન્ટ્રીક ગવર્નન્સથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જીન બન્યુ.

————

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, આપણી જમીન સભ્યતાનો આધાર અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એટલું જ નહીં, ખેડૂતોની આજીવિકા, ઉદ્યોગ વ્યાપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ પણ જમીન છે.

આ પ્રમાણ ત્રુટિહિન અને સુગમ હોય તેની પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલો  ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ ઉપયુક્ત બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં યોજાઇ રહેલી ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની દ્વિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે આ અવસરે નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ પણ કર્યુ હતુ.

આ દ્વિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ તથા જમીન સંસાધન મંત્રાલય (DoLR) તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા સંયુક્ત પણે કરવામાં આવ્યું છે.

આ કોન્ફરન્સમાં નાગરિક કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટિંગ, મહેસૂલ કોર્ટ કેસો – પ્રક્રિયા પુનઃએન્જિનિયરિંગ, પુનર્સર્વેક્ષણ પ્રયાસો અને જમીન સંપાદન, આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા પેનલ ડિસ્કશન કરવામાં આવશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઇ રહેલી આ નેશનલ કોન્ફરન્સ સુશાસન સાથે સતત વિકાસ, આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની આવશ્યકતાને અનુરૂપ કોન્ફરન્સ ગણાવી હતી

તેમણે ગુજરાતને વડાપ્રધાનની વિઝનરી લીડરશીપનો 24 વર્ષેથી જે સતત લાભ મળી રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્રભાઈ મોદીએ આગવી પહેલ કરીને 2005માં ઈ-ધરા યોજનાથી ખેડૂતોની જમીનના રેકોર્ડ્સનું ડિજિટાઇઝેશન શરૂ કરાવી દીધું હતું.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં ખેડૂતોને પોતાની જમીનના રેકોર્ડ્સની વિગતો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા તેવા સમયે ગુજરાતે  નરેન્દ્ર ભાઈની દીર્ઘદ્રષ્ટિથી લેન્ડ રેકોર્ડ્સ ડિજિટલી ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી હતી. નાગરિક કેન્દ્રિત સુશાસનને સાકાર કરવા વડાપ્રધાનની જ પ્રેરણા અને માર્ગદર્શનથી 2011માં ગુજરાતે રાજ્યભરમાં જનસેવા કેન્દ્રો શરૂ કર્યા તેની પણ વિસ્તૃત ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મહેસુલની જટિલ અને ગુંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અને સરળ બનાવવા ગુજરાતે પારદર્શી અને વિશ્વસનીય પ્રશાસન માટે I-ORA (આઈ-ઓરા) પોર્ટલની કરેલી પહેલની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે, આ એક એવી પહેલ છે જેના પરિણામે લેન્ડ રેકોર્ડ્સ સંબંધિત 35 થી વધુ સેવાઓ એન્ડ ટુ એન્ડ ઓનલાઈન ઉપલબ્ધ થઈ છે. એટલું જ નહીં, જમીન માપણીમાં અગાઉ જે લાંબો સમય થતો હતો તે માપણી હવે 21 દિવસમાં જ પૂર્ણ થઈ જાય છે.

મુખ્યમંત્રીએ gARVI-2.0 (ગરવી ૨.૦) જેવા ડિજિટલ પ્લેટફોર્મના પરિણામે નાગરિકોને ઘેર બેઠા ઇન્ડેક્સ ૨ અને લેન્ડ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ પહોંચાડવામાં આવે છે તેની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, આ બધી જ ટેકનોલોજી દેશની જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા વિકસાવાયેલી સ્વદેશી ટેકનોલોજી છે અને તેના સફળ સંચાલનથી લેન્ડ એડમિનિસ્ટ્રેશનની નવી પહેલોને કારણે લાખો લોકો નિર્વિવાદ રૂપે પોતાની જમીનના માલિક બની શક્યા છે. મુખ્યમંત્રીએ આવી સીટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ પદ્ધતિઓની અગ્રેસરતાથી જ ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે તેનું ગૌરવ કર્યું હતું.

તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ-આપદા પ્રબંધનમાં પણ વડાપ્રધાન  નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતે કચ્છના 2001ના ભયાનક ભૂકંપ પછી જે ઝડપી પુનર્વસન કરીને આપત્તિને અવસરમાં પલટાવી છે તેની ભૂમિકા આપી હતી. કોસ્ટલ સ્ટેટ તરીકે વાવઝોડા – વરસાદ – ચક્રવાત જેવી કુદરતી આપદાઓનો સામનો ઝિરો કેઝ્યુઆલિટીથી કરવાની ક્ષમતા ગુજરાતમાં વિકસી છે તેની પણ તેમણે છણાવટ કરી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પાછલા કેટલા વર્ષોમાં વધતી જતી કુદરતી આફતો સામે લડવાની ક્ષમતા માટે લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇન્ટીગ્રેટેડ એપ્રોચ માટેની આવશ્યકતા સમજાવી હતી. ગુજરાતે આ અંગે નેશનલ સાઇક્લોન મિટિગેશન પ્રોજેક્ટ અન્વયે 11 કોસ્ટલ જિલ્લાઓમાં 76 જેટલા મલ્ટી પર્પઝ સાઇક્લોન સેન્ટર્સ બનાવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ નેશનલ કોન્ફરન્સનો નિષ્કર્ષ લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેયને મોર્ડન ટેકનીક્સ અને ટ્રાન્સપરન્સીથી સિટિઝન સેન્ટ્રીક એપ્રોચ સાથે વધુ સક્ષમ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે નાગરિકોના જમીન અધિકારો સુનિશ્ચિત કરવા અને પ્રાકૃતિક આપદાઓ સામે ડિઝાસ્ટર રીઝિલિયન્ટ વ્યવસ્થાઓ માટે સૌને સાથે મળીને સંયુક્ત રાષ્ટ્રીય રણનીતિ ઘડવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ  મનોજ જોષીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આજે વિવિધ ભૂમિનો સર્વે ટ્રેડિશનલ પદ્ધતિની જગ્યાએ ડ્રોન-રોબોટ જેવા અદ્યતન સાધનો અને ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. જેનો ગુજરાતના પાંચ શહેરોમાં અસરકારક અમલ શરૂ પણ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના શહેરોમાં આગામી ૨-૩ વર્ષમાં શરૂ કરવામાં આવશે.

સચિવ  જોષીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભૂમિ રેકર્ડની વ્યવસ્થા ખૂબ જ સારી છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં ડિટેલ્ડ રિ-સર્વે કરાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તેમણે રાજ્યના વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ સારું થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

રાષ્ટ્રીય પરિષદમાં સૌને આવકારતાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મતી ડૉ. જયંતી રવીએ જણાવ્યું હતું કે, ભારત અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આટલાં વર્ષોમાં રાજ્યમાં જમીનને લઈને અનેક નવીન સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકોને સરળતાથી સાચી માહિતી અને સુવિધાઓ મળી રહે, તે માટે જમીનને લગતા અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો માટે iORA, ઈ-ધરા જેવી અનેક નવી પહેલ અમલી બનાવી છે. રાજ્યમાં જમીન મહેસૂલને લગતી સેવાઓ વધુ સરળતાથી થઈ શકે તે હેતુથી ૨,૩૮૯ જેટલા તલાટીઓની ભરતીની જાહેરાત કરાઈ છે જેને ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે.

 

રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે જમીન સર્વે, જમીન નોંધણી,જમીન વ્યવસ્થાપન,જમીન રેકોર્ડ જેવી જમીનને લગતી તમામ માહિતી ઇન્ટિગ્રેટેડ લેન્ડ એડમિનિસ્ટ્રેશન-ILA એપ્લિકેશન પર ઉપલબ્ધ થઈ જશે. બે દિવસીય આ કોન્ફરન્સમાં જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ ૮ વિષયો અંગે સેમિનાર, પેનલ ડિસ્કશન અને એક્શન સેમિનાર યોજાશે.

 

આ કોન્ફરન્સમાં તલાટીથી લઈને અધિક મુખ્ય સચિવ સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લ‌ઈ રહ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં સાંસદઓ, ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખઓ, મુખ્ય સચિવ  પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  મનોજકુમાર દાસ, કેન્દ્ર સરકારના જમીન સંસાધન વિભાગના સંયુક્ત સચિવ  કુનાલ સત્યાર્થી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાના કલેક્ટરઓ અને દેશના વિવિધ રાજ્યોના તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના  મહેસૂલી-આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

Share This Article