અમદાવાદ : નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગઇકાલે જાહેરમાં મહિલાને લાતો માર્યા બાદ જબરદસ્ત રીતે વિવાદ ગરમાતાં થાવાણીએ આજે તેની પાસે રાખડી બંધાવી અને મહિલાને નાની બહેન ગણાવી તેની સાથે નાટકીય રીતે સમાધાન કર્યું છે. જા કે, આ બધુ થાવાણીનું નાટક હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગઇકાલે જે મહિલા રજૂઆત કરવા આવી હતી તેની સાથે પેટમાં લાતો મારી, માથા પર પગ મૂકી અપમાનજનક વર્તન કર્યા બાદ આજે બલરામ થાવાણી તેણીના ઘેર પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ પણ તેને નાની બહેન બનાવી તેની રક્ષા કરશે તેવું નાટક કર્યું હતું. મીડિયાએ પણ તેઓને સવાલ કરતા તેઓ જવાબ આપવાનું ટાળી ત્યાંંથી પલાયણ થઇ ગયા હતા.
બીજી તરફ ભોગ બનનાર મહિલાએ પણ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે રાખડી બાંધી અને બલરામ થાવાણીનું માં મીઠું કરાવતા તેની ઉપર પણ દબાણ કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળ્યું છે. ચકચારભર્યા આ પ્રકરણમાં અગાઉ મીડિયાને પ્રતિક્રિયા આપતાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ કહ્યું કે, વીડિયો વાઈરલ થતાં મને મારી ભૂલનું ભાન થયું હતું. આ ઘટના મામલે મને દુઃખ છે. મારાથી જોશમાં ભૂલ થઈ ગઈ છે. હું પીડિત મહિલા પાસે માફી માગુ છું. હું પીડિત મહિલાની ખબર પુછવા માટે હોસ્પિટલમાં જઈશ. આ ઉપરાંત થાવાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર ઘટના પ્રિ પ્લાન હતી. મહિલા સાથે અન્ય ૨૦ મહિલાઓનું ટોળું હતું. તેઓ પાણીની સમસ્યા લઈને આવ્યા હતા. આ મામલો કોર્પોરેશનનો હતો. તેમ છતાં મેં અડધો કલાક સુધી તેમની વાત સાંભળી હતી. બાદમાં તે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. અને આ વખતે જોશમાં આવીને મારાથી ભૂલ થઈ ગઈ હતી.
મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદ્દે નીતુ તેજવાણી રજૂઆત કરવા માટે પહોંચી હતી. જ્યાં રજૂઆત સાંભળવાનું તો દૂર રહ્યું અને બલરામ થાવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમને અને સાગરિતોએ નીતુને જમીન ઉપર પટકી દઈને બેફામ માર માર્યા બાદ લાતો પણ ફટકારી હતી. પણ ૧૭ કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામાનો એકદમ નાટકીય વળાંક આવ્યો હતો. બલરામ થાવાણીના લાતકાંડ મામલે ગુજરાત ભાજપે પણ તેમને માફી માગવાનું કહ્યું હતું.
તો મેઘાણીનગર પોલીસમથકમાં સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઇ હતી, જયારે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે રિપોર્ટ માગ્યો હતો. ૧૭ કલાક સુધી ચાલેલાં આ ડ્રામા બાદ બલરામ પોતે મહિલાના ઘરે જઈને રાખડી બંધાવી સમગ્ર કેસ પર પડદો ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. નીતુ તેજવાણીએ પણ બલરામને માફ કરી દીધો હોવાનું જણાવ્યું હતું. જો કે, બલરામ થાવાણીની નાટક અને પડદા પાછળના ભાજપના દબાણને લઇ જોરશોરથી ચર્ચા ચાલી હતી કે ભાજપની સત્તા છે એટલે કે, ગમે તેમ કરીને સમગ્ર પ્રકરણ દબાવી દેવાનો પ્રયાસ થયો છે.