રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિનથી સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ કરાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ સફાઇ તેમજ મરામતના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે એમ સરદાર સરોવર નર્મદા નિગમની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્યભરમાં યોજાઇ રહેલ આ અભિયાન સંદર્ભે નર્મદા નિગમ દ્વારા નર્મદા યોજનાનાં કેનાલ નેટવર્કમાં રાજ્યનાં ૧૬ જિલ્લાઓનાં ૬૫ તાલુકાઓમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરીણામે હવે આગામી સિઝનમાં સિંચાઈ માટે પાણી છેક છેવાડાનાં વિસ્તારના ખેડૂતોને પહોંચાડવામાં સરળતા રહેશે અને કેનાલ ઉભરાવાથી આજુબાજુનાં ખેતરોમાં થતું નુકશાન નિવારી શકાશે.
નર્મદા કેનાલમાં સફાઈ અને મરામતની કામગીરી સૌરાષ્ટ્ર વિસ્તાર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહી છે. કેનાલની સાફ-સફાઈ તથા મરામતની કામગીરીમાં ખેડૂતોનો પણ વ્યાપક સહકાર સાંપડી રહ્યો છે. આ કામગીરીથી કમાન્ડ વિસ્તારનાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.