અમદાવાદ :ગુજરાત રાજય માટે ખાસ કરીને રાજયના ખેડૂતો માટે આજે સારા સમાચાર એ આવ્યા કે, ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નજીવો વધારો નોંધાયો છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરાસાગર ડેમમાંથી જળવિદ્યુત મથક શરૂ કરાતા ૧૦,૩૨૫ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને પગલે ભર ઉનાળે નર્મદા ડેમની સપાટી હાલ ૧૧૯.૨૧ મીટર ઉપર પહોંચી ગઇ છે. જેને પગલે નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ હાલ પાણીનો સંગ્રહ વધ્યો છે. એટલે કે, ખેડૂતોને જરૂરિયાત મુજબ પાણી મળી રહે તેટલો જથ્થો ડેમમાં ઉપલબ્ધ બન્યો હોવાનું હાલ તો લાગી રહ્યું છે.
ગુજરાત માટે સારા સમાચાર છે કે, નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં પાણીનો ૧૧૦૫ મિલિયન ક્યુબિક મીટર જથ્થાનો સગ્રહ છે. પાણીની આવક હાલ ૮૪૦૫ ક્યુસેક નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૨૫ ફેબ્રુઆરીના રોજ પાણીની સપાટી ૧૦૪.૪૫ મીટર હતી, જેથી હાલ ગત વર્ષ કરતા ડેમમાં પાણીની સપાટી ૧૪.૭૬ મીટર વધારે છે. ગત વર્ષે નર્મદા ડેમની સપાટી ૧૧૦.૬૪ મીટરથી નીચે જતા ડેમમાં લાઇવ સ્ટોક પાણીનો જથ્થો પૂર્ણ થઈ ગયો હતો. છેલ્લા ૪ વર્ષમાં આ વર્ષે આટલી સારી સ્થિતિ પહેલીવાર બની છે. ઇન્દિરાસાગર ડેમમાં હાલ પાણીની સપાટી ૨૫૩.૪૬ મીટર છે. અને ઇન્દિરાસાગર ડેમમાં હાલ ૩૪૯૬ મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહાયેલુ છે.
નર્મદા જળ વિવાદ પંચના ચૂકાદા મુજબ ૧ જૂનથી ૩૦ જુલાઇથી સુધી ૧૦,૦૦૦ દ્બષ્ઠદ્બ પાણીનો જથ્થો સરદાર સરોવરને મળવાપાત્ર છે, જેથી આગામી ૨ મહિના સુધી પાણી છોડાતું રહેશે. નર્મદા ડેમમાં પાણીની આવક થતાં અને જળસપાટી વધતાં સરકાર અને તંત્રની ચિંતા તો હળવી થઇ છે તો, સાથે સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે અને તેમના ઉનાળામાં પણ પાણી મળી રહેશે તેવી આશા બંધાઇ છે.