અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે ગુજરાત પહોંચી રહ્યા છે. તેમના ગુજરાત કાર્યક્રમને લઇને ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓમાં પણ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. બે દિવસના આ પ્રવાસ દરમિયાન મોદી રાજ્યોના પોલીસ વડાઓના વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. સાથે સાથે ભાજપની મહિલા મોરચાની કાર્યકરોને પણ સંબોધન કરશે. અધિકારીઓ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ ડિરેક્ટર જનરલ-ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની ઓલ ઇન્ડિયા કોન્ફરન્સની આજે નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શરૂઆત થઇ હતી. ત્રણ દિવસના આ કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં થઇ હતી.
મોદી આ બેઠકમાં ભાગ લેશે અને પોલીસ વડાઓને સંબોધન કરશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં આ મુજબની વાત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેંટ સિટીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧મી ઓક્ટોબરના દિવસે મોદી દ્વારા ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોદી આવતીકાલે પોલીસ અધિકારીઓની બેઠકમાં ભાગ લેશે. રાજ્યોના પોલીસ વડાઓની વાર્ષિક બેઠકમાં ભાગ લઇને સંબોધન કરશે. રાજનાથસિંહે આજે આની શરૂઆત કરાવી હતી. સંમેલનનું આયોજન જ્યાં કરવામાં આવ્યું છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગૃહમંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ, સરહદ પારથી આતંકવાદી ગતિવિધિ અને યુવાનોને ગેરમાર્ગે દોરવાની બાબત વાર્ષિક પરિષદના એજન્ડામાં મુખ્યરીતે છે. ત્રણ દિવસીય પોલીસ વડાઓની આ બેઠકમાં કોમવાદી તંગદિલી, કોમીરીતે સંવેદનશીલ સમાચારોના ફેલાવા, પોર્નોગ્રાફિક સામગ્રી જે સોશિયલ મિડિયા મારફતે ફેલાય છે તે મુદ્દા ઉપર પણ આમા ચર્ચા થઇ રહી છે. ૨૨મી ડિસેમ્બરના દિવસે મોદી ભાજપ મહિલા મોરચાની કાર્યકરોને સંબોધશે. ભાજપ દ્વારા લોકસભા-૨૦૧૯ની ચૂંટણીઓ પહેલાં મહત્વની ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે અડાલજ પાસે ત્રિમંદિર નજીકના વિશાળ મેદાન ખાતે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે. તેને લઇ ભાજપ અને તેના હજારો કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ૨૨મીએ સંબોધનાર છે. બેઠકના છેલ્લા દિવસે મોદી સંબોધન કરશે. બે દિવસના આ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૨મી ડિસેમ્બરે ભાજપની મહિલા કાર્યકરો અને સંગઠનની બહેનોને મહત્વપૂર્ણ સંબોધન કરશે અને તેઓનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે. મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી અંદાજે ૨૫ હજારથી વધુ મહિલાઓ-બહેનો ભાગ લે તેવી શકયતા છે.