અમદાવાદ: સમગ્ર રાજયમાં મગફળી કૌભાંડને લઇ રાજકારણ ગરમાયું છે અને ભાજપ-કોંગ્રેસ બંને આ કૌભાંડને લઇ સામ-સામે આવી ગયા છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ કૌભાંડમાં નાફેડના ચેરમેનના ભત્રીજા રોહિત બોડાની પણ ધરપકડ થતાં રેલો નાફેડ સુધી પહોંચ્યો છે.
આ તમામ રાજકીય ઘમાસાણ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બહુ મોટી સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, નાફેડના ચેરમેનનું કામ મગફળીની દેખરેખ રાખવાનું છે. મગફળીની સારસંભાળ અને જાળવણીની જવાબદારી નાફેડમાં આવે. નીતિન પટેલે એક તબક્કે નાફેડના ચેરમેન અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો ગંભીર આરોપ લગાવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજ્યમાં મગફળી કૌભાંડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા ટંકારા ખાતે આયોજિત તાલુકા કોંગ્રેસના સંમેલનમાં મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયું? તેમ કહી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિ મંત્રી પર કરેલા તમામ આક્ષેપોના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આક્રોશપૂર્ણ જવાબ આપ્યો છે. નીતિનભાઈ પટેલે આકરા પ્રહારો સાથે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, સમગ્ર કૌભાંડમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા કે જેઓ કોંગ્રેસના અગ્રણી છે અને બીજી તરફ સરકારની વિરુદ્ધ આક્ષેપ કરનાર વિપક્ષી નેતા પરેશ ધાનાણી બંને વચ્ચે સાંઠગાંઠ છે.
નીતિન પટેલે આ સિવાય પણ કોંગ્રેસ પર અનેક આરોપો કર્યા હતા. જેને લઇને રાજકારણ ગરમાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મગફળી ખરીદવાનું કામ સરકારે શરૂ કર્યુ હતું. મગફળીનું ખરીદ અને વેચાણ એ નાફેડની દેખરેખમાં એટલે કે જવાબદારીમાં આવે. મગફળીની સારસંભાળ રાખવાની જવાબદારી નાફેડની છે. નીતિન પટેલે નાફેડના ચેરમેન વાઘજી બોડાના આક્ષેપો પર નિવેદન આપતા જણાવ્યું કે, વાઘજીભાઇનું નિવેદન એ આઘાતજનક છે. વાઘજી બોડાએ લગાવેલાં આક્ષેપો ખોટા છે. વાઘજીભાઈએ અત્યાર સુધી કોઈ જ ફરિયાદ કરી નથી. સરકાર અને મંત્રીઓને એવી ખબર પડતી નથી અને તેઓ આડેધડ વાતો કરે છે.
આ મામલે મારે કંઈ પણ કહેવાની જરૂર નથી, પરંતુ કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, આ મામલે જવાબદારી નાફેડની છે. કૃષિ મંત્રીનાં નિવેદન બાદ મારે સ્પષ્ટતા કરવી છે કે, આ કેસમાં નાફેડ જવાબદાર હોય તો સરકારે નાફેડ પર જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. આમાં જે પણ જવાબદાર હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે. મહત્વનું છે કે આ મામલે અમે તપાસની માંગ પણ કરી છે. જે જવાબદાર લોકો હોય તેની તપાસ કરવી જોઈએ. નાફેડનું કામ એ માત્ર સર્વિસ ચાર્જ લેવાનું છે પરંતુ નાફેડનું બીજુ અન્ય કોઈ જ કામ નથી.
નીતિન પટેલના આ નિવેદન બાદ હવે સરકાર અને નાફેડ એકબીજાની સામે આવ્યા છે, તેથી આગામી દિવસોમાં હવે નાફેડ શું ઘટસ્ફોટ કરે છે તે જાવાનું રસપ્રદ રહેશે.