* મધુબાનું માધુર્ય *
સિત્તેર વર્ષની ઉંમરેય તમે મધુબાની કામ કરવાની સૂઝ-ઝડપ વગેરે જૂઓ તો આશ્ચર્યમાં પડી જાઓ.
“હવે આ ઉંમરે ય મધુબા ઝંપીને બેસતાં નથી, શી ખબર તેમણે છોકરાં માટે હજી શું શું કરવાનું બાકી હશે?
“ભૈશાબ આ ઉંમરે તો રામનું નામ લેવાનું હોય તોય મધુબા તો ભઇ હવારના પાંચ વાગ્યાનાં ઉઠી જાય છે ને પછી કાંઇનું કાંઇ કર્યા જ કરે છે!”
“ના ના તે મધુબાની વહુઓને તો ભઇ લીલા લહેર થઇ ગઇ છે પાછલા ભવમાં મોટાં પૂણ્ય કરીને આઇ લાગે છે નકર આવી હાહુ ક્યાંથી મળવાની હતી?”
“અરે પણ આ તો ઇમને કામ કરતાં જોઇને પડોશમાં રહેતી બીજી વહુઓય એમના ઘરમાં એમનો દાખલો આપે છે ને પછી બેસી રેવાની કોશિશ કરે છે, બોલો આપણે હવે શું કરવું?”
— ઉપર જણાવ્યા મુજબની જાત જાતની કોમેંટ મધુબાની અડોશ પડોશમાં રહેતી સાસુ બની ચૂકેલી બીજી બધી બહેનો કર્યા કરતી ને એક બીજાની આગળ પોતાનો બળાપો કાઢતીતેમની આવી કોમેંટ મધુબાના કાને પણ પહોંચતી જ હશે, પણ એમનામાં તો કોઇ બદલાવ આવતો જ નહિ બસ આખો દિવસ કામ કામ ને કામ!
મધુબાના પતિ ગંગારામ તેમની વહેલી સવારથી કામે વળગી જવાની આદત છોડાવવા ઘણું સમજાવતા પણ એ બિલ્કુલ બદલાતાં નહિ ને ઉલ્ટાનુ કહેતાં….
“તમને ખબર છે, હું હવારથી વેલી ઉઠીને કામ કરું છું તે એના લીધે મારું શરીર હારુ રહે છે, જો હું કાંમ છોડી દઉંને તો બેઠાં બેઠાં વજન વધી જાય ને પછી મારાથી ભમેડાની જેમ ફરાય પણ નહિ… ને કંઇ ને કંઇ બિમારી આવી જાય એના કરતાં તો મને જેમ કરવું હોય એમ કરવા દો, છતાં આમાં તમને કોઇ નુક્શાન થતું હોય તો બોલો…“
— ગંગારામ આનો શું જવાબ આપી શકે? એ તો અહોભાવથી પત્નીને જોઇ જ રહેતા. મધુબાની આવી વાત પરથી જણાતુ કે એમને તો આ ઉંમરે પણ ભમરડાની જેમ જ ફરવાની ઇચ્છા હતી.
તેમની બે વહુઓ સમજુ અને સારા સંસ્કારોવાળી હતી, એમને ભાગે પણ સાસુમાના કામગરા સ્વભાને લીધે માત્ર રસોઇ કરવા સિવાય બીજુ કોઇ જ કામ આવતું નહિ. રસોડામાં ય મધુબાને તો જવાનું મન થઇ આવતુ પણ બે ય દીકરા અને વહુઓ એ એમને પપ્પાજીના સોગંધ આપીને રસોઇ નહિ કરવા સમજાવ્યાં હતાં…
મધુબાની નજીકમાં રહેવાથી મને પણ એમના કામનો અને સ્વભાવનો નજીકથી અનુભવ થયો છે. મનમાં થાય કે આવાં સાસુ દરેક વહુને મળે અને દરેક માતાને આવા દીકરા ને વહુઓ મળે તો કેવું ?