હું રમા… પરણીને આ ઘરમાં આવી ત્યારે આણામાં બધુ જ મારી પસંદનું લઈને આવી હતી. નવા ઘરમાં જ્યારે સ્વાગત થયુ ત્યારે સાસુમાએ મને પુછ્યુ હતુ કે તને શું ભાવે છે… આજે જમવાનું બધુ જ તારી પસંદગીનું બનશે… હું ખૂબ ખુશ હતી… સમુહભોજન અને એ પણ એક એક આઈટમ મારી પસંદગીની બનવાની હતી… હું મારી પસંદગીની ગુલાબી સાડી પહેરીને માથામાં વેણી નાખી તૈયાર થઈને નીચે આવી… મને બધા જોઈ રહયા હતા… બેચાર જણાંએ કહ્યું કે વાહ… તમારી વહુ તો બહુ સુંદર લાગે છે. આ સાંભળીને હું હરખાઈ ગઈ… ત્યારે સાસુમાં નજીક આવીને બોલ્યા અરે બેટા તું બહુ સુંદર લાગે છે પણ મારા આકાશને લીલો રંગ વધુ પસંદ છે એટલે તું તારા ઓરડામાં જા અને ફટાફટ છાબમાં આપેલી તારી લીલા રંગની સાડી પહેરીને આવ.
તે દિવસ અને આજનો દિવસ… લગ્નજીવનનાં બાવીસ વર્ષ થયા… આજેય હું એમની પસંદગીની સાડી જ પહેરું છું… મને તો યાદ પણ નથી કે છેલ્લે મેં મારી પસંદગીની કોઈ વસ્તુ ક્યારે ખરીદેલી. ના..ના..એ વાતનો રંજ નથી… દુ:ખ એ વાતનું છે કે તેમને યાદ પણ નથી કે મારો ફેવરીટ કલર કયો છે…ના તેમણે કયારેય જાણવાની કોશિશ કરી છે…આજે સવારે એ મને કહેતા હતા કે દિકરા હિતુને આસમાની રંગ પસંદ છે એટલે જો તું એના ફન્કશનમાં જાય તો આસમાની રંગની સાડી પહેરીને જજે… એ બીચારો ખુશ થઈ જશે…
આ મંચ પર જ્યારે મને પુરુષો વિશે કંઈ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે મને આ શબ્દો યાદ આવે છે કે એ બીચારો ખુશ થઈ જશે… બાવીસ વર્ષ પહેલા આ શબ્દો મારા કાને પડ્યા હતા… મારા સાસુમાએ કહ્યાં હતા મારા પતિ માટે… આજે ફરી આ જ શબ્દ કાને પડ્યા… મારા પતિ કહી રહ્યાં છે મારા દિકરા માટે… સવાલ એ છે કે ત્રણ ત્રણ પેઢીએ મારી પાસે એ જ અપેક્ષા રાખી કે હું એમની પસંદનું ધ્યાન રાખુ… પણ મારી પસંદ… મારી પણ પસંદ હોય એ વિશે કોઈએ ઘરમાં વિચારવાની તસદી પણ નથી લીધી… તમારામાંથી ઘણા લોકો કહેશે કે જો સામેવાળાને આપણી કદર ન હોય તો આપણે કરાવવી પડે… પણ જેનાં માટે પોતાનું સર્વસ્વ લૂટાવ્યું તેમને કયારેય એક વસ્તુ માટે… એક ક્ષણે પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે રમાની પસંદગીનું શું…? આટલા વર્ષ એટલે શાંતિમાં ગયા કે મેં પણ તેમની જ પસંદગીનું ધ્યાન રાખ્યું…. આજે કદાચ કોઈ પૂછી પણ લે તો મને યાદ હશે કે મારી પસંદગી શું… મારો ગમતો રંગ કયો હતો….