મહિલાઓમાં રહેલી અતૂટ શક્તિ, અમાપ ઈચ્છાઓ અને અદ્વિતિય ક્ષમતાઓને પૂજવાનો, બહાર લાવવાનો અને કદાચ સન્માનવાનો એક દિવસ દુનિયામાં નક્કી કરાયો છે, જે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ એક જ દિવસે મહિલાઓને બધૂં જ આપી દેવા માટે આખી દુનિયા દોડાદોડ કરતી હોય છે. માત્ર 24 કલાકમાં સ્ત્રીઓને સમાનતાથી માંડીને વૈયક્તિક સ્વતંત્રતા આપી દેવાની હોય છે જેથી આગામી 364 દિવસ સુધી વાંધો ન આવે. સમય જેમ જેમ બદલાતો જાય છે તેમ તેમ સમાજનો દંભ, આડંબર અને આછકલી વૃત્તિ વધારે નિખરતી જાય છે. ખાસ કરીને મહિલાઓ બાબતે વિચારીએ તો આ વાત ખોટી નથી.
એક સામાન્ય વાત વિચારીએ કે આપણી માનસિકતા કેવી રીતે કામ કરે છે. કોઈ એક પરિવાર બહાર ફરવા માટે ગયો છે. આખો દિવસ ફરીને, મોજમજા કરીને સાંજે બધા ઘરે પાછા આવે છે. ઘરમાં આવતાની સાથે જ પતિ, પિતા, પુત્ર કે અન્ય કોઈ અવતારધારી પુરુષ સોફામાં કે બેડ ઉપર આસન ગ્રહણ કરશે અને બીજી તરફ પત્ની, માતા, પુત્રી, પુત્રવધુ સ્વરૂપે ઘરમાં વિચરણ કરતી સ્ત્રીઓ પાણી આપશે, ચા બનાવશે, હવે રસોઈ શું કરવી છે તેની પળોજણમાં પડશે, ઘરમાં બધું આઘુપાછું પડ્યું હશે તેને વ્યવસ્થિત કરશે. આ સિવાયના ઘણા કામ તે કરતી જશે જ્યારે પુરુષ માત્ર આરામ કરશે. એક વખત વિચારો કે ઘરમાં આવ્યા પછી જો પત્ની સોફા પર બેસી જાય અને પતિને કહે કે એક ગ્લાસ પાણી આપજોને… અથવા તો એવું બને છ કે, ઘરમાં આવતાની સાથે જ પતિ એમ કહે કે, તું થોડીવાર બેસ હું પાણી લાવું છું. કદાચ એકાદ ટકા લોકો જ આવું કરતા હશે અથવા તો તેમને ત્યાં થતું હશે બાકીના તમામ લોકો ઉપરની પરિસ્થિતિમાં જ જીવે છે. પહેલી પરિસ્થિતિ ખોટી નથી પણ આપણી માનસિકતા ક્યારેય બદલાઈ નથી અને કદાચ બદલાશે પણ નહીં તેનું તાદ્રશ ઉદાહરણ છે.
આપણે વાતો કરીએ છીએ કે, આજની નારી આધુનિકા કહેવાય છે. તે પુરુષ સમોવડી થઈને રહે છે, તેની પાસે તમામ અધિકારો છે, તે સર્જનાત્મકતાથી આગળ વધે છે, દુનિયાના તમામ ક્ષેત્રો તેના માટે ખુલ્લા છે…. વગેરે.. વગેરે… ખરેખર વિચારો કે આપણે કેટલી સહજતાથી એક સ્ત્રીને આગળ વધવાની તક આપીએ છીએ. સદીઓથી આપણો સમાજ સ્ત્રીને શારીરિક રીતે દુર્બળ અને પુરુષને મજબૂત બતાવતો આવ્યો છે. પુરુષ દસ કિલો વજન ઉચકીને ચાલી શકે એટલે મજબૂત નથી થઈ જતો. સ્ત્રી પ્રસવની જે પીડા વેઠે છે તે પીડા જો પુરુષને આપવામાં આવે તો શક્તિનો પરિચય થાય. જાંઘ ફાડીને સર્જન કરનારી સ્ત્રી પોતાની શક્તિનું પ્રદર્શન નથી કરતી. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે કોઈપણ રાષ્ટ્રની પ્રગતિને માપવાનું સૌથી ઉત્તમ સાધન છે કે ત્યાંની સ્ત્રીઓની સ્થિતિને જોવી.
યત્ર નાર્યસ્તુ પુજ્યતે, રમંતે તત્ર દેવતાઃ જેવી સંસ્કૃતિ ધરાવતો ભારતીય સમાજ ક્યારેય આ માપદંડ ઉપર ખરો ઉતર્યો છે. સતયુગમાં ભગવાન રામે પણ સીતાની અગ્નિપરીક્ષા કરી હતી અને આજના સમયે પણ સ્ત્રીઓને દરરોજ આ જ તાપ અને સંતાપમાંથી પસાર થવાનું આવે છે. દુનિયાને સ્ત્રીની શક્તિનું ભાન કરાવનારો અને વેદ-ઉપનિષદોની સંસ્કૃતિ ધરાવનારો દેશ ભારત જ પોતાની સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો લાવી શકતો નથી. અહીંયા દીકરો અડધી રાત સુધી ભટકતો હોય તો સંસ્કાર કહેવાય અને દીકરી સંધ્યાકાળ બાદ બહાર જવાનું કહે તો તેના ચરિત્ર સામે શંકા જાય છે. કેટલાક રાજ્યોમાંતો બળાત્કારની સંસ્કૃતિ વિકસાવાઈ છે. અંધારું થયા બાદ સ્ત્રી, યુવતી, બાળકી ગમે તે બહાર દેખાય તો નરપિશાચો તેને પિંખવા માટે ફરતા જ રહેતા હોય છે. આવી ઘટનાઓ બાદ નપુંસક નેતાઓ અને સમાજના ઠેકેદારો પવૈયાઓને પણ શરમાવે તેવી રીતે નિવેદનો આપતા હોય છે કે, સ્ત્રીઓએ મોડીરાત સુધી બહાર ન જવું જોઈએ, ટૂંકા કપડાં ન પહેરવા જોઈએ.
જો તમામ મર્યાદાઓ, નિયમો, કાયદાઓ સ્ત્રીઓએ જ પાળવાના હોય તો પુરુષે કરવાનું શું… કોઈ એક મા-બાપ બતાવો જે પોતાના દીકરાને એમ કહેતા હોય કે છોકરીઓ ટૂંકા કપડાં પહેરે તો તેની સામે ટગરટગર જોવાનું નહીં. કોઈ મા-બાપે પોતાના દીકરાને ધમકી આપી છે કે, કોઈપણ છોકરીની છેડતી કરી કે તેના વિશે ઘસાતું બોલીને આવ્યો તો ટાંટીયા ભાંગી નાખીશ. આપણામાં એટલી હિંમત જ નથી. એક દિવસ પૂરતી સ્ત્રીઓની ભાટાઈ કરીને બાકીનું આખું વર્ષ તેને ડફણાં જ મારતા આવ્યા છીએ. દીકરો વિદેશ જવાનું કહે તો મા-બાપ હવામાં ઉડવા લાગે છે અને દીકરી ભણવાનું કહે તો ખોટા ખર્ચા લાગે છે. આજે પણ આપણો સમાજ આ જ માનસિકતા હેઠળ જીવી રહ્યો છે. આધુનિક શહેરોમાં આઠ-દસ ટકા વસતી જ દીકરા અને દીકરી વચ્ચે ભેદ નથી રાખતા. બાકી કહેવાતા ધનિકો, સમાજના મોભીઓ પણ પહેલી દીકરી આવે તો મનમાં વસવસો લઈને ફરતા હોય છે. દીકરો જન્મે તે માટે પત્નીને પ્રોડક્શન હાઉસ બનાવીને ઘરમાં ત્રણ-ચાર દીકરીઓ જન્માવી દે છે. લોકો માટે દીકરો જ બધું છે. તેના વગર સ્વર્ગ નહીં મળે તેવી માનસિકતા આજે પણ આ સમાજને આગળ વધવા દેતી નથી.
અવકાશમાં જનારી સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલાની વાર્તા કહેવાશે પણ કોઈ દીકરી તેવો અભ્યાસ કરવાનું કહે તો આપણે નનૈયો ભણી દઈએ છીએ. એક વખત વિચારી જોજો કે કરોડોનું ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક પણ ઘર ચલાવવા માટે પત્ની ઉપર આધાર રાખે છે. તેને ખબર છે કે, ઘર ચલાવવું હશે તો સ્ત્રી જેવી કુશળતા જોઈશે જે પુરુષમાં નથી. આજની સ્ત્રીઓ તો ઘર પણ ચલાવે છે અને કરોડો કમાતી કંપનીઓ પણ ચલાવે છે. આ આવડતી આધુનિક સ્ત્રીઓમાં છે તેવું નથી. આ ગુણ સ્ત્રીઓમાં જન્મજાત હોય છે પણ સમાજના ઠેકેદારોએ તેને માત્ર ઘર પૂરતી જ સિમિત રાખી છે.
મહિલા દિવસ ઉજવીને કે એક દિવસે તેનું સન્માન કરીને કે સ્વતંત્રતા આપીને આપણે કશો ઉપકાર નથી કરતા. ખરેખર સ્ત્રીમાં રહેલા તત્વને બહાર લાવવું હોય અને નારીત્વનો ઉદય કરવો હોય તો તેને સમાંતર તક આપો. સ્ત્રીને ક્યારેય પુરુષ સમાવોડી થવાનું ઘેલું લાગેલું જ નથી. દરેક સ્ત્રી મનમાં જાણે છે કે, મારે પુરુષ સમોવડી થવું હશે તો એક ડગલું નીચે ઉતરવું પડશે. એક બીજા વાવો અને હજારો દાણા ઉગાડતી ધરતીને ક્યારેય આકાશ સુધી વિસ્તરવું હોતું નથી. તેને માત્ર એટલી જ ઈચ્છા છે કે, મારા ઉપર સ્નેહનો વરસાદ થાય તો હું મારી પાસે રહેલું અનેકગણું કરીને પરત આપી દઈશ. સ્ત્રીનો પણ આ જ સ્વભાવ છે, તે ક્યારેય કશું જ પોતાની પાસે રાખતી જ નથી. તમે તેને પ્રેમ આપશો તો અનેકગણો કરીને પરત જ આપવાની છે અને તમે તેને પીડા આપશો તો ક્યારેક જાણે-અજાણે આ જ પીડા અનેકગણી થઈને તમારી પાસે પરત આવવાની જ છે. સ્ત્રીઓનું સન્માન કરવું, તેમને મહિલા દિવસના અવસરે મંચ ઉપર આમંત્રીત કરવી, તેમના યોગદાનને બિરદાવવું, તેમને પ્રશસ્તીપત્ર કે મેડલ આપીને સન્માનિત કરવી જેવી દંભી માનસિકતાને ત્યજવાનો સમય પાકી ગયો છે.
સ્ત્રીઓને જો ખરેખર સન્માન આપવું જ હોય તો તેમને સમાજમાં સાથે રહેવાનો, સાથે ઊભા રહેવાનો અને ધર, પરિવાર કે જીવનના દરેક નિર્ણય સાથે લેવાનો અધિકાર આપો. સમાજે બેવડી માનસિકતા ત્યજીને સભાનતા સાથે સ્ત્રીઓને સમાન અધિકાર આપવાનો સમય પાકી ગયો છે. એક દિવસના સશક્તિકરણ કરતા રોજિંદી સમાનતા તેને વધારે ખુશીઓ આપશે.
- – એકતા રવિ ભટ્ટ