મુકેશ અંબાણીએ પુત્ર અનંત અંબાણી સાથે સાળંગપુર દાદાના દર્શન કર્યા, મંદિરને આપ્યું 5 કરોડનું દાન

Rudra
By Rudra 2 Min Read

ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ પોતાના પુત્ર અનંત અંબાણી સાથે સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે પ.પૂ. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથણાવાળા) સાથે મુકેશભાઈ અંબાણીની વિશેષ મુલાકાત; સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મુકેશ અંબાણીએ દાદાને દરબારમાં 5 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતુ.

વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા અને કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામની આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ મુલાકાત લીધી હતી. તેઓએ કષ્ટભંજનદેવ દાદાના દિવ્ય દર્શન અને પૂજન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ વિશેષ મુલાકાત દરમિયાન મુકેશભાઈ અંબાણીએ સાળંગપુર મંદિરના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી. ખાસ કરીને, તેઓએ સંપ્રદાયના વિદ્વાન સંત પ.પૂ. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી સાથે આત્મીય મુલાકાત કરી હતી. પૂજ્ય સ્વામીજીએ મુકેશભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને હનુમાનજી મહારાજનો ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા.


પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને મુકેશભાઈ અંબાણી વચ્ચે આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર ટૂંકી ગોષ્ઠિ પણ યોજાઈ હતી. પૂજ્ય સ્વામીજીએ મુકેશભાઈને અને તેમના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. મુકેશભાઈએ પણ સંતોના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણીની ઉપસ્થિતિએ દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જગાવ્યો હતો.

નોંધનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નવા વર્ષે પોતાના પરિવાર સાથે ગુજરાતના જાણીતા તીર્થધામો દર્શન કરી ધન્યતા નવી શરૂઆત કરે છે. સાળંગપુર ધામ પહેલા મુકેશ અંબાણી પોતાની પત્ની નિતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને 5 કરોડનું દાન અર્પણ કર્યું છે.

Share This Article