શ્રીનગર : જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓમાં ઓછા ચર્ચામાં રહેલા મુદસ્સિરને પુલવામા ટેરર હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ગણવામાં આવતો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામાના નિવાસી ૨૩ વર્ષીય મુદસ્સિર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. તેની પાસે ગ્રેજ્યુએટની ડિગ્રી હતી. પુલવામા હુમલામાં ઉપયોગ કરાયેલી ગાડી અને વિસ્ફોટકોની વ્યવસ્થા તેના દ્વારા જ કરવામાં આવી હતી. ત્રાલના મીર મોહલ્લાના નિવાસી મુદસ્સિરે ૨૦૧૭માં એક ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે ત્રાસવાદી સંગઠન જૈશમાં જોડાયા બાદ અનેક ગતિવિધિમાં ભાગ લીધો હતો.
નૂર મોહમ્મદ દ્વારા જૈશમાં તેને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આત્મઘાતી હુમલાને અંજામ આપનાર આદિલના પણ તે સંપર્કમાં હતો. મુદસ્સિર પોતાના ઘરથી ૧૪મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે ફરાર થઇ ગયો હતો. ત્યારબાદથી તે જૈશની ગતિવિધિમાં સામેલ હતો. અધિકારીઓના કહેવા મુજબ તે આત્મઘાતી બોંબરના સતત સંપર્કમાં હતો. મુદસ્સિર ખાન ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટથી ડિપ્લોમા કોર્સ કરીને ટ્રેનિંગ મેળવી હતી.
મુદસ્સિર ફેબ્રુઆરી ૨૦૧૮માં સુંજવાનમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો જેમાં છ જવાનો શહીદ થયા હતા. એક નાગરિકનું પણ મોત થયું હતું. કાશ્મીર ખીણમાં આતંકવાદી સંગઠનોને પુનઃ સક્રિય કરવામાં પણ તેની ભૂમિકા હતી. આજે ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ તેની ઓળખ કરવામાં આવી ચુકી છે. જે મકાનમાં આ ત્રાસવાદીઓ છુપાયા હતા તેને ઉડાવી દેવામાં આવતા ત્રણેય આતંકવાદીઓના મૃતદેહ ખરાબરીતે દાઝી ગયા હતા.