MSDE દ્વારા મજબૂત ઉદ્યોગ ભાગીદારી સાથે આઈ.ટી.આઈ અપગ્રેડેશનને ઉત્પ્રેરિત કરવા માટે રાજ્ય સ્તરીય વર્કશોપનું આયોજન કરાયું

Rudra
By Rudra 4 Min Read

ભારતભરમાં વ્યાવસાયિક તાલીમ માળખાને આધુનિક બનાવવાના સતત પ્રયાસોના ભાગ રૂપે, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) એ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સહયોગથી, IIT-ગાંધીનગર કેમ્પસમાં સ્થિત NAMTECH કેમ્પસ ખાતે ITI અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના પર રાજ્ય-સ્તરીય વર્કશોપ અને પરામર્શનું આયોજન કર્યું.

આ વર્કશોપનો મુખ્ય હેતુ ઉદ્યોગ અને તાલીમ ઇકોસિસ્ટમના મુખ્ય ભાગીદારો સાથે માળખાગત પરામર્શ શરૂ કરવાનો તથા ITI અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજનાના સફળ અમલીકરણ માટેનો છે.

ભારતના કૌશલ્ય ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ઉદ્યોગની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડતા, MSDE ના સચિવ શ્રી રજિત પુન્હાનીએ જણાવ્યું હતું કે, “ITI અપગ્રેડેશન યોજના ફક્ત ઇમારતોને અપગ્રેડ કરવા વિશે નથી – તે આકાંક્ષાઓને અપગ્રેડ કરવા વિશે છે. તે કેન્દ્ર, રાજ્યો અને ઉદ્યોગને એક સહ-નેતૃત્વ મોડેલમાં એકસાથે લાવે છે જે સુસંગતતા, ગુણવત્તા અને વૈશ્વિક તૈયારીને પ્રાથમિકતા આપે છે. ઉદ્યોગને એકસમાન ભાગીદાર ગણીને, અમે વ્યાવસાયિક તાલીમ માટે એક નવી બ્લુપ્રિન્ટ બનાવી રહ્યા છીએ જે માંગ-આધારિત, ભવિષ્યલક્ષી છે. આ મિશન પ્રત્યે ગુજરાતનું નેતૃત્વ અને પ્રતિબદ્ધતા કેન્દ્ર-રાજ્ય-ઉદ્યોગ સહયોગની પરિવર્તનશીલ સંભાવનાને પ્રતિબિંબિત કરે છે.”

આ વર્કશોપનું મુખ્ય આકર્ષણ યોજનાના અમલીકરણ માટે ગુજરાતની તૈયારીઓ પરની વ્યાપક સ્થિતિને અદ્યતન કરવાનું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે વર્કશોપમાં ભાગ લેનાર ભાગીદારોને સંભવિત ક્લસ્ટરો અને પાયલોટ રોલઆઉટ માટેનો સમયગાળો વગેરે વિશેની માહિતી આપી.

વધુમાં આ વર્કશોપમાં અભ્યાસક્રમ ડિઝાઇન, સાધનોનું આધુનિકીકરણ, CSR અને ભંડોળ સહયોગ માટે ઉદ્યોગોની ભાગીદારીને મજબૂત બનાવી શકાય તેવા પરિણામ મેટ્રિક્સ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઉદ્યોગ પરિપ્રેક્ષ્ય સત્રમાં અગ્રણી કંપનીઓ જેવી કે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, સાણંદ ઇન્ડસ્ટ્રી એસોસીએશન, સુરત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, લોધિકા ઇન્ડસ્ટ્રી એસોસીએશન, અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન, નયારા એનર્જી, ટાટા મોટર્સ, ટાટા ઇલેક્ટ્રોનિકસ વગેરે જાણીતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી મજબૂત ભાગીદારી જોવા મળી, જેમાં કૌશલ્ય વિકાસમાં સહિયારી માલિકીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. સાથે ITI પ્રતિનિધિઓ દ્વારા ગ્રાઉન્ડ-લેવલ જરૂરિયાતો, માળખાગત સુવિધાઓના અંતર અને તાલીમ ક્ષમતા વૃદ્ધિ અંગેની આંતરદૃષ્ટિ દ્વારા પૂરક બનાવવામાં આવ્યું.

૭ મે ૨૦૨૫ ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરમાં ૧,૦૦૦ ITI ને અપગ્રેડ કરવા માટે પાંચ વર્ષમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ITI અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી. તેનો ઉદ્દેશ્ય વ્યાવસાયિક શિક્ષણને વૈશ્વિક ગુણવત્તા ધોરણો, અદ્યતન શિક્ષણશાસ્ત્ર અને વાસ્તવિક ઉદ્યોગ જરૂરિયાતો સાથે સંરેખિત કરવાનો છે.

ત્રિપક્ષીય મોડેલ – કેન્દ્ર તરફથી ₹30,000 કરોડ, રાજ્યો તરફથી ₹20,000 કરોડ અને ઉદ્યોગ તરફથી ₹10,000 કરોડ (CSR સહિત) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ યોજના 1,000 ITI નું Upgradation કરશે, જેમાં 200 હબ ITI નું Upgradation કરવામાં આવશે જેમાં અત્યાધુનિક પ્રયોગશાળાઓ, નવીનતા કેન્દ્રો અને Training of Trainers (ToT) ની સુવિધાઓ હશે, અને ITI નું વ્યાપક પહોંચ અને ગુણવત્તા સમાનતા સુનિશ્ચિત કરવામાં માટે 800 Spoke ITI ની રચના કરવામાં આવશે. વધુમાં, પાંચ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ (NSTIs) ને વૈશ્વિક ભાગીદારો સાથે સહયોગમાં રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCoEs) ને હોસ્ટ કરવા માટે અપગ્રેડ કરવામાં આવશે, જે ઉચ્ચ-સ્તરીય કૌશલ્ય, અભ્યાસક્રમ નવીનતા અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપશે.

આ વર્કશોપમાં ભારત સરકારના અધિક સચિવ શ્રીમતી સોનલ મિશ્રા; ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ; અને ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક શ્રી નિતિન સાંગવાન ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નેતાઓ અને સંસ્થાકીય હિસ્સેદારોની પણ હાજરી જોવા મળી હતી.

Share This Article